ભરૂચનાં મનુબર ગ્રામ પંચાયત ખાતે દુકાનના ભાડા મુદ્દે માતા-પુત્ર સહિત ત્રણ ઇસમોએ તલાટી-કમ-મંત્રીને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
હાલ ભરૂચની દહેગામ ચોકડી સ્થિત અલમુકામ રેસિડેન્સીમાં રહેતા અને મૂળ વિરમગામના માલીવાડના મુસાર્રતજહાં મોઈન ઝૈનુલઆબેદ્દીન સૈયદ મનુબર ગ્રામ પંચાયતમાં તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત રોજ પંચાયત ઓફિસ ખાતે હતા, તે દરમિયાન સુહેલ સઇદ ડોગાના પિતાએ ગ્રામ પંચાયતની હદના પાદરમાં બનાવેલા મુન્નવર શોપિંગ સેન્ટર નામની દુકાન પૈકી બે નંબરની દુકાન ભાડા કરાર મુજબ આપી છે. જેનો વહીવટ સુહેલ સઇદ ડોગા કરે છે, જે આ દુકાનનું ભાડુ આપવા આવ્યો હતો.
તેણે જાન્યુઆરીનું ભાડું કરવાનું કહી રસીદ આપવાનું કહેતા તલાટીએ ડિસેમ્બર 2021નું ભાડું ભર્યા બાદ જ રસીદ આપવા કહેતા તેણે તેની માતાને અગાઉની રસીદો સાથે બોલાવ્યા હતા. તે રસીદોમાં પણ ડિસેમ્બર 2021ની રસીદ ન હોવાથી ભાડું ભરવા કહેતા માતા-પુત્ર અચાનક આવેશમાં આવી ગયા હતા અને અપશબ્દો ઉચ્ચારી ઝપાઝપી કરી તલાટીની સોનાની ચેઇન તોડી નાખી હતી. તેમજ તેમના ચશ્મા ફોડી નાખી કપડાં ફાડી નાખ્યા હતા. જે બંનેનું ઉપરાણું લઈ હબીબ પટેલે પણ અપશબ્દો ઉચ્ચારી “પૈસા માંગે છે તેમ કહી પોલીસમાં પકડાવી દો” તેવી ધમકી આપી જતાં રહ્યા હતા. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.