વાલિયાની જલારામ સોસાયટી પાસેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ખાનગી ગેસ કંપનીએ કનેક્શન લઈ ગેસ લાઈનનું ટેસ્ટિંગ કર્યું હતું. જેને લઈ જાગૃત નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
વાલિયા ખાતે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ લાઈન નાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજરોજ કંપનીના અધિકારીઓ જલારામ સોસાયટી બહાર મુખ્ય માર્ગની બાજુમાં પેટ્રોલ પંપના ગેટ પાસેથી પસાર થતી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ગેરકાયદેસર જોઈન્ટ મારી પાણીનો વપરાશ કરવામાં આવી રહ્યો હતો.
ગામના જાગૃત નાગરિકો હેમંત વસાવા અને હેમરાજસિંહ સહિત યુવાનોના ધ્યાન પર કનેક્શન આવતા તેઓએ ગેસ કંપની અધિકારીઓ પાસે ગ્રામ પંચાયતના ટેન્કર અને લાઈનમાંથી પાણીનો વપરાશ કરવાની પરમિશન કોણે આપી હોવાનું પૂછયું હતું. જેથી કંપનીના અધિકારીઓએ ઇન્ચાર્જ સરપંચના પુત્ર પ્રતીક ગોહિલે મૌખિકમાં આપી હોવાનું જણાવ્યું હતું.
ત્યારે એક તરફ ગ્રામજનો પાણી માટે વલખા મારતા હોય તો આવા બની બેઠેલા સરપંચના વહીવટીદારોની આવી નીતિ કેટલી યોગ્ય કહેવાય તેવા સવાલો ઉઠ્યા છે. ત્યારે આવા તત્વો સામે પગલાં લેવામાં આવે અને પંચાયતનું આર્થિક નુકશાન કરતા વહીવટીદારો સામે કડક કાર્યવાહી કરવાની જાગૃત નાગરિકોએ માંગ કરી છે.