ભરૂચ શહેરના મહંમદપુરા રોડ ઉપરના નેશનલ ટ્રેડ સેન્ટર સ્થિત બીટીએમએલ મિલની સામે બે પરપ્રાંતીય યુવાનોને ચપ્પુ બતાવી અજાણ્યો ઈસમ બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

હાલ દહેજના જોલવા ગામની ટાઈગર પ્લાઝા હોટલ ખાતે રહેતા મૂળ યુપીના પ્રવીણકુમાર સુરેશચંદ્ર શાહ તેમના મિત્ર અભિષેક તિવારી સાથે ગઈકાલે રવિવારે ભરૂચ શહેરમાં ખરીદી કરવા આવ્યા હતા. જે બંને નાસ્તો કરવા માટે નેશનલ ટ્રેડ સેન્ટર સ્થિત બીટીએમએલ મિલની સામે ઊભા હતા. તે દરમિયાન અજાણ્યો ઈસમ આવી હું અહિંયાનો ડોન છું તેમ કહી બંને યુવાનોને ચપ્પુ બતાવી શોપિંગ સેન્ટરના નીચેના ભાગે લઈ ગયો હતો અને તેમની પાસે રૂપિયાની માંગણી કરી હતી.

જે બાદ તેણે પ્રવીણકુમાર શાહને તમાચો માર્યો હતો. જેથી બંને પરપ્રાંતીય યુવાનો ગભરાઈ જતાં તે શખ્સે ખિસ્સામાં હાથ નાખી બળજબરીપૂર્વક બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૯ હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. સાથે આ અંગે જો કોઈને કહેશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો.જોકે આ લૂંટ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here