ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે માવઠાના લીધે મોકૂફ રહેલી પોલીસ ભરતીનો સોમવારથી આરંભ થયો હતો. રવિવાર સાંજથી જ મહિલા ઉમદેવારોએ શારીરિક કસોટી માટે શહેરમાં પડાવ નાખ્યો હતો. કેટલીય યુવતીઓએ રહેવાની વ્યવસ્થા નહિ થતા તેમણે આખી રાત ઠંડીમાં પસાર કરી હતી.
ભરૂચ પોલીસ હેડકવોર્ટરના મેદાનમાં ગુજરાતના શહેર, જિલ્લાઓ અને આંતરિક ગામડાંઓમાંથી 1000 થી વધુ મહિલા ઉમેદવારો શારીરિક કસોટી માટે ઉમટી પડ્યા હતા. રવિવાર સાંજથી જ મહિલા ઉમેદવારો પોતાના પરિજનો સાથે મેદાને પહોંચી ચુક્યા હતા.તંત્ર દ્વારા રાત્રી રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી કેટલીય મહિલા ઉમેદવારો અને તેમના પરિજનો આખી રાત કડકડતી ઠંડીમાં ધ્રુજીને કાઢી હતી.
તો બીજી તરફ કેટલીક મહિલા ઉમેદવારો વ્યવસ્થાના ભાગરૂપે સગા સંબંધીના ઘરે કે હોટલમાં રાત્રી રોકાણ કરવા મજબૂર બની હતી. લાંબા સમય સુધી ચાલનારી ભરતી પ્રક્રિયામાં દૂર દુરથી આવતા ઉમેદવારોને રાત્રી રોકાણની વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તે ઇચ્છનીય બન્યું છે. સોમવારે વહેલી સવારથી ભરતી પ્રક્રિયા શરૂ થતાં મહિલા ઉમેદવારોના વાલીઓ પોલીસ હેડ ક્વાર્ટરના ગેઇટ બહાર જ કલાકો સુધી ઉભા રહેતા નજરે પડ્યા હતા.