•શિયાળામાં વરસાદ પડતા લોકોએ સ્વેટર- જેકેટ મૂકી રેઇનકોટ, છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી
ભરૂચ અને નર્મદા જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઇ રહી છે. ગઇકાલે સાંજ પછી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ રાત્રીના સમયે બન્ને જિલ્લામાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો હતો. આખી રાત્રિ વરસાદ વરસ્યાં બાદ બુધવારે સવારથી જ આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હતી તેમજ દિવસભર ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમાં ભરૂચમાં દિવસભરમાં અંક્લેશ્વરમાં 15 મિમી, ભરૂચમાં 19 મિમી, વાલિયામાં 11 મિમી, વાગરા અને હાંસોટમાં 7-7 મિમી, જંબુસરમાં 03, આમોદ અને ઝઘડિયામાં 2 – 2 મિમી વરસાદ વરસ્યો હતો.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગઇકાલે સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાત્રિના સમયે સતત વરસાદી ઝાપટાં પડ્યાં બાદ બુધવારે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઝરમરિયો વરસાદ થવાથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. કમોસમી વરસાદને પગલે ભરૂચ જીલ્લામાં 95 હજાર એક્ટર પાકને નુકશાનીની આશંકા સેવાઇ રહી છે.
કમોસમી વરસાદથી જિલ્લામાં 95 હજાર હેક્ટરમાં કરાયેલાં રવિપાકના વાવેતર પણ નુકશાન થવાની સંભાવનાઓ વધી રહી છે. કમોસમી વરસાદ અને ત્રેવડી ઋતુને કારણે રોગચાળા માં વધારો થવાની શક્યાતાઓ વધી છે. કેમકે શિયાળામાં વરસાદ પડતા લોકો સ્વેટર જેકેટ મૂકી રેઇનકોટ, છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી છે. નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ જિલ્લામાં મોટા ભાગે વરસાદી ખેતી આધારિત ખેડૂતો નભતા હોવાથી તૂવેર અને કપાસના પાકને વ્યાપક નુકશાન થયું છે. માંડ સફળ થયેલી સિઝન ફોક થઈ છે.