ભાડા બાબતે થયેલ બોલાચાલીમાં મકાનમાલીકે ભાડૂઆતની દુકાને જઇ મારમારી કરી રૂપિયા ૧,૧૦,૦૦૦ની લૂંટ
ભરૂચ જિલ્લાના જોલવા ગામે ભાડેથી મકાન રાખી કરિયાણાની દુકાન ચલાવતા ભાડૂઆતને મકાન માલીક સાથે ભાડુ આપવા બાબત થયેલ બોલાચાલીમાં મકાનમાલિક અને તેના મળતીયાએ ભાડૂઆતને મારમારી તેની પાસેની સોનાની ચેઇન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦ની મત્તાની લૂંટ કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
મૂળ ગીર ગઢડાના કાંધી ગામના વતની અને હાલ શ્રી ગણેશ કરિયાણા સ્ટોર્સ નામે દુકાન ભાડે રાખી કરીયાણાનો વેપાર કરી જોલવાની સાંઇદર્શન સોસાયટી,વેલકમ સોસાયટીની પાછળ મકાન નં. ૧૦૮માં ભાડે રહેતા ત્રિભોવન ભીખાભાઇ સાખંટ ઉ.વર્ષ ૨૭ને તા.તા.૨૯ની સાંજે ૬.૩૦ કલાકની આસપાસ તેના મકાન માલિક નરેશ ખૈની સાથે જીતુભાઇ સાવલીયા અને અન્ય એક ઇસમે ત્રિભોવન સાખંટ ની દુકાને ધસી આવી મકાનનું ભાડુ આપવા બાબતે બોલાચાલી ઝઘડો કરી તાત્કાલીક ભાડુ માંગ્યું હતું.
ભાડૂઆત ત્રેભોવન સાંખટે આપવાની થતી ભાડાની રકમ રૂ.૪૩,૫૦૦ સગવડ કરીને આપવા કહેતા મકાન માલિક અને તેના બે સાગરીતોએ ઉશ્કેરાઇ જઈ, ભેગા મળી ભાડૂઆત ત્રિભોવનને માથું પકડી દિવાલ તથા કાચની બારી સાથે માથું ભટકાડી ત્રિભોવનને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.
જે બાદ મકાન માલિક સહિતનાઓએ ત્રિભોવન સાંખટના ખિસ્સામાં રહેલ રૂપિયા ૬૫,૦૦૦ રોકડા તેમજ તેણે પહેરેલ સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦ની મત્તાની લૂંટ ચલાવી ત્રિભોવનને જાતી વિષયક ગાળો આપી જતા રહ્યા હતા. આ ઘટનામાં ઘાયલ ત્રિભોવનને માથામાં તેમજ શરીરે ઇજાઓ પહોંચતા તેને ૧૦૮ મારફતે સારવાર અથે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયો હતો.જ્યાંથી ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે વર્ધીના આધારે ત્રિભોવને મારમારી લૂંટ ચલાવ્યાની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.