ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીને ધ્યાને રાખી સજ્જ પણ બની છે. જેનાં અનુસંધાને ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનકભાઈ બગદાણાજીની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી હતી.
ભારતીય જનતા પાર્ટી ની ભરૂચ જિલ્લા સ્તરની મહત્વની કારોબારી બેઠક આત્મીય હોલ ભરૂચ ખાતે યોજાઈ હતી. રાજકીય દ્રષ્ટિએ મહત્વની આ બેઠકમાં 25કરતા વધુ આપ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં જેમને આવકારવામાં આવ્યા હતાં.
ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની કારોબારી બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિ સિંહ અટોદરીયાએ કર્યુ હતું. સાથે જ તેમણે જિલ્લામાં ભાજપની આગેકૂચ અંગે માહિતી આપી હતી. આવનાર ચૂંટણીઓ માટે સૌને સંગઠન મજબૂત કરી પાર્ટી ને વધુ મજબૂત કરવા હાકલ અને અપીલ કરી હતી. જયારે પુર્વ સાંસદ ભરતસિંહ પરમારે હાલની રાજકીય પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાજપ દ્વારા થતા વિકાસ ના કામો અને આવનાર દિવસોમાં થનાર કામો અંગે માહિતી આપી હતી. પુર્વ મંત્રી ઇશ્વર સિંહ પટેલ, વિધાનસભા ના ઉપ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચ જિલ્લા સહકારી બૅન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પુર્વ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પુર્વ મંત્રી છત્રસિંહ મોરી, પુર્વ ધારાસભ્ય કિરણ ભાઈ મકવાણા વગેરેએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.
કારોબારી માં મુખ્યત્વે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ માં થયેલ વિક્રમ જનક કોરોના રસીકરણ, ખેડૂતોના હિતમાં કરાયેલ કાર્યો તેમજ દેશને સમૃદ્ધ અને સશક્ત બનાવવાના વડાપ્રધાનના સતત અને અવિરત કાર્યોને આવકારવા અંગે અગ્રણી દિવ્યજીત સિંહ ચુડાસમાએ ઠરાવ રજૂ કરતાં, ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. કારોબારી સભામાં ભાજપ જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલે પાર્ટીના આગામી કાર્યક્રમોની વિગત આપી હતી. જિલ્લા પચાયત પ્રમુખ અલ્પાબેન મહામંત્રી, ફતેસિંહ ગોહિલ તેમજ અન્ય અપેક્ષિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે 25 કરતા વધુ આપ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર આપવામાં આવ્યો હતો. સમગ્ર કારોબારી સભાનું સંચાલન ભાજપના જિલ્લા ઉપ પ્રમુખ દિવ્યેશભાઈ પટેલે કર્યુ હતું જયારે આભાર વિધિ પ્રતાપસિંહ પરમારે કરી હતી.