નવસારી જિલ્લાના વાસદા વગઈ માર્ગ પર કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકના મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવાનને ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તેમજ અકસ્માતમાં કારનો કૂરચો બોલી ગયો હતો.

વાંસદા તાલુકાના ચારણવાડા ગામ નજીક કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી. કારની સ્પીડ એટલી હતી કે, અકસ્માતમાં કારના કૂરચેકૂરચા નીકળી ગયા હતા. અકસ્માતમાં પાર્થ વજુ ડોબરીયા (24) વિકેન રાકેશ ખાંટ (22) યુવાનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે અન્ય બે યુવાનો નીરજ પ્રકાશ ડોબરીયા (22) હર્ષિલ કાનજી ઠુમ્મર નામના યુવાનો ઘાયલ થતાં સારવાર અર્થે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
કારમાં સવાર ચારેવ યુવાનો અંકલેશ્વરની ઓમ એન. ફાર્મા કંપનીના કર્મચારી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ચારેય મિત્રો સાપુતારા ફરવા નીકળ્યા હતા. વાંસદા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.






