ભરૂચ જિલ્લામાં નવા નિમાયેલા એસપી મયુર ચાવડાએ વોન્ટેડ, નાસતા ફરતા તથા પેરોલ જમ્પના આરોપીઓ ને ઝડપી પાડવા તમામ અધિકારીઓને આદેશ આપ્યા હતાં. જેના આધારે LCB PSI આર.કે.ટોરાણી અને તેમની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે સમયે માહીતી મળી હતી કે, છેલ્લા 12 વર્ષથી વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં પકડાયેલા દારૂના જથ્થામાં આરોપી તરીકે સોનલાલ મોહનલાલ ચૌધરીનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ સમયગાળા દરમિયાન આરોપી તેના ગામ રાજસ્થાન જતો રહ્યો હતો.
આ આરોપી હાલમાં જીતાલી ગામ રમેશ મિસ્ત્રીના ફાર્મ હાઉસ પર આવ્યો છે. જેથી પોલીસે માહિતીના આધારે જીતાલી ખાતે આવેલા રમેશ મિસ્ત્રીના ફાર્મ હાઉસમાં તપાસ કરતાં તે નજીકથી જ પકડાઈ ગયો હતો. પોલીસે તેને અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં સોંપીને વલસાડ જિલ્લાની પારડી પોલીસ મથકમાં જાણ કરી છે.