The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 23

અંકલેશ્વર જ્યાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર મશીન, હોસ્ટેલ અને પોષણ કીટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ભૂમિપૂજન

અંકલેશ્વર શ્રીમતી જયાબેન મોદી  હોસ્પીટલનાં કેન્સર સેન્ટરમાં પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ, પોષણ રક્ષક કીટનું વિતરણ અને કેન્સરના દર્દીઓ માટે 60 બેડ ધરાવતી હોસ્ટેલનું ઈ-ભૂમિ પૂજન CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ, કેન્સરના દર્દીઓ માટે પોષણ રક્ષક કીટનું વિતરણ તેમજ કેન્સરના દર્દીઓ માટે રહેવાની 60 બેડ ધરાવતી હોસ્ટેલની સુવિધાનું ખાતમુહૂર્ત કરાયું હતું.

કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ, સાસંદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી કે સ્વામી, રીતેષ વસાવા, દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેકટર, ડીડીઓ, ટ્રસ્ટીઓ, દાતાઓ તથા સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

કેન્સરના સચોટ નિદાન અને તેની કેટેગરી જાણવા માટે ₹7.50 કરોડનું પેટ સિટી સ્કેન મશીન ઉપયોગી બની રહે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાની શરૂઆતમાં ન્યુક્લિયસ મેડિસિન દર્દીઓને ઇન્જેક કરવામાં આવે છે. જેથી પેટ સીટી સ્કેન મશીન દ્વારા શરીરના કયા ભાગમાં કેન્સર છે, કેટલું પ્રસરેલું છે અને કેટલું વ્યાપક છે તે જાણી શકાય છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં 40 મેડિકલ કોલેજ બનતા હવે વર્ષે 7000 તબીબો આપણને મળી રહ્યાં છે. તેમ જણાવી રાજ્યમાં વધતી જતી આરોગ્ય સુવિધાઓની માહિતી આપી હતી. સંસ્થા વતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સ્મૃતિ ભેટ તરીકે ભરૂચના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ અને કબીરવડની છબી ભેટ આપાઈ. સાથે જ બન્નેને હેરિટેજ જાહેર કરવા મુખ્યમંત્રીને લાગણી સાથે અનુરોધ જિલ્લાની જનતા વતી વ્યક્ત કરાયો હતો.

અંકલેશ્વરમાં મુખ્ય મંત્રીના આગમનના પૂર્વે યુવા કોંગ્રેસીઓને કરાયા નજર કેદ..!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલનાં કેન્સર સેન્ટરમાં પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ માટે આવતા પૂર્વે જ કોંગી અગ્રણીઓને નજર કેદ કરી દેવાયા હતા.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ ના પ્રમુખ શરીફ કાનુગા અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ના મહામંત્રી વસીમ ફડવાલા તેમજ યુવા ઉપપ્રમુખ સ્પંદન પટેલ તથા પ્રતીક કાયસ્થ અંકલેશ્વર માં ઉદ્દઘાટન પ્રસંગે આવેલા મુખ્યમંત્રીને રોડ રસ્તા ની દયનિય હાલત બાબતે પ્રશ્ન પૂછવાના તેમજ તેઓનું આ બાબતે ધ્યાન દોરી રજૂઆત કરવાના હોઈ આજે વહેલી સવાર થી તમામને LCB અને અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ ટીમ દ્વારા એમના નિવાસ સ્થાને થી અંકલેશ્વર એ- ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા હતા.

સારસાના ઉમધરા ગરનાળા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત,૧ને ઇજા

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં સારસા ગામે ઉમધરા ગરનાળા નજીક એક હાઇવા ટ્રક અને એક આઇસર ટ્રક ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.

અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું. અકસ્માતની જાણ થતાં રાજપારડી પીએસઆઇ પી.એમ.દેસાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ હાઇવા ટ્રકનો ડ્રાઇવર પરવેઝ અખ્તર મહમદ ફરીઝ કુરેશી હાલ રહે.કીમ ચોકડી જિ.સુરત અને મુળ રહે.ઉત્તરપ્રદેશના તેની ટ્રક લઇને રાજપારડી તરફથી ઉમલ્લા તરફ જઇ રહ્યો હતો, ત્યારે સામેથી રોંગ સાઇડે આવી રહેલ એક આઇસર ટ્રક આ હાઇવા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હાઇવાનો ચાલક પરવેઝ અખ્તર ઇજાગ્રસ્ત થતાં તેને એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઇજાગ્રસ્ત ઇસમ પરવેઝને જમણા પગે ફેકચર થયું હોય ત્યારબાદ તેને વધુ સારવાર માટે સુરત ખાતે લઇ જવાયો હતો.

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટનો ૧૮મો બ્લોક અચાનક ધરાશાયી,૧નું મોત,ર ઘાયલ

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ ગુજરાત હાઉસીંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે.

ભરૂચ નગરપાલિકા એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસો તો આપે છે. પણ આ નોટીસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. મકાનમાલિકો પણ તંત્રની કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી આજની ઘટના જેવા માઠા  પરિણામ સામે આવે છે. આજે વહેલી સવારે બનેલી ઘટના બાદ કાટમાળ હટાવવો ખુબ મુશ્કેલ બની રહ્યો  હતો.

ભરૂચ નગરપાલિકાના કમિટી ચેરમેન અને સ્થાનિક નગર સેવક હેમેન્દ્ર પ્રજાપતિએ રેસ્ક્યુ ઓપરેશન માટે જવાબદારી ઉપાડી હતી. પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને પાલિકાના પક્ષના નેતા રાજશેખરભાઈએ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી વીજળી ના લટકતા વીજ વાયર દૂર કરી સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રખાયું હતું. આ ઘટનામાં ટેલરીંગ નું કામ કરી ગુજરાન ચલાવતા આશરે 38 વર્ષીય પંકજ જશવંતભાઈ ચૌહાણનું દબાઇ જવાથી મોત નીપજ્યું હતું. પરંતુ અન્ય પરિવારજનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.જ્યારે અન્ય બે ઇસમોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

આ મામલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને તે યોગ્ય ન હોવાનો રોષ લોકોમાં ઉઠ્યો છે. જર્જરિત ઇમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે.જાણવા મળવા અનુસાર જર્જરીત નર્મદા એપાર્ટમેન્ટના રહિશોને નોટીસો અપાતા ગુજરાત હાઉસીંગ બોર્ડ સાથે પણ ખાલી કરવા મુદ્દે વિવાદ ઉભો થયો હતો. પરંતુ ૧૫ દિવસ અગાઉ જ ગુ.હા.બોર્ડના અધિકારીઓ સાથે થયેલ એક મીટીંગમાં તમામ નર્મદા એપાર્ટમેન્ટના રહિશો એ ખાલી કરવા સંમત થયા હોવાનું જાણવા મળી રયું છે.

અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં ગત રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આ ગોડાઉનમાં વારંવાર લાગતી આગ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. આગની આગ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ આગની લાગવાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ, GPCBના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હાંસોટનાં અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક જ પરિવારના 5 ના મોત

ભરૂચ જિલ્લાના હાંસોટના અલવા ગામ નજીક આજરોજ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અલવા ગામ નજીકથી પસાર થઈ રહેલ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કારમાં ફસાયેલ એક બાળકને હેમખેમ બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અકસ્માતમાં ચાર મહિલા તેમજ એક પુરુષનું મોત નીપજયું છે. બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માતગ્રસ્ત કારમાં એક કાર GJ 16 DG 8381 હિરેન્દ્રસિંહની હ્યુન્ડાઇ વેન્યુ હતી. જ્યારે બીજી કાર GJ 6 FQ 7311 ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઇક્રામ ભાઈની માલિકીની વરના હતી.મૃતકોમાં ઈમ્તિયાઝ ભાઈ પટેલ ઉ. વ. 62, તેમના પત્ની સલમા બેન પટેલ ઉ .વ. 55, ઈમ્તિયાઝ ભાઈ ની દીકરી મારિયા દિલાવર પટેલ ઉ. વ. 25, તેઓની બીજી દિકરી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી ઉ.વ. 25 અને કાર  માલિક ભરૂચના વેપારી  ઇકરામભાઈની પત્ની જમિલા પટેલ ઉ .વ. 48 નો સમાવેશ થાય છે જ્યારે એક નાના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.તો વેન્યુ કારમાં સવાર લોકોનો પણ આબાદ બચાવ થયોની માહિતી હાલ સુધી સાપડી રહી છે.

બન્ને કાર વળાંક પર સામ સામે ધડાકાભેર અથડાતા 2022 ની નવી વેન્યુ કારમાં એરબેગ ખુલી જતા અંદર સવાર લોકોના જીવ બચી ગયા હતા. જ્યારે વરના 2013 નું મોડલ હોય તેનો આગળનો અડધો ભાગ કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ ભેગા થઈ રાહત બચાવ સાથે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પોહચાડવા સહિત ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

 

ભરૂચના દહેગામથી શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં મિલકત સબંધી તથા વાહન ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપી હતી.

જેથી મિલકત સબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી, પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

જે અનુસંધાને પો.સ.ઈ. વાળાની ટીમને, બાતમી મળેલ કે, દહેગામ, પાતાળકુવા ફળીયામાં રહેતો મોહસીન ઉમરજી પોપટ નાનો ચોરીનું ડીઝલ લાવી વેચાણ કરે છે. જે મુજબની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા દહેગામ પાતાળ કુવા ફળીયામાં બાતમીવાળી જગ્યાએ ઝડતી તપાસ કરતા શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે મોહસીન ઉમરજી પોપટ ઉ.વ. ૩૪ ધંધો, ખેતી રહેવાસી, દહેગામ પાતાળ કુવા ફળીયુ, તા.જી. ભરૂચ ઝડપાયો હતો.

ભરૂચએલ.સી.બી ટીમે ડીઝલનો જથ્થો રાખવા અંગે પાસપરમીટ, બીલો અંગે પુછતાછ કરતા મોહસીને આ અંગે ઉડાઉ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત નહિ જણાવી આધાર પુરાવા રજુ નહિ કરતાં પોલીસે તેની વિરુધ્ધ ક્રિમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી અટકાયત કરી ડીઝલ ભરેલ નાના-મોટા કેરબા નંગ-૧૨ માં આશરે ૪૧૫ લીટર જેની કિંમત રૂપિયા ૩૮,૧૮૦/-, તેમજ તેની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ- ૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦/- મળી કુલ કિમત રૂપિયા- ૪૩,૧૮૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડ ભરૂચ

જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સીધી સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર એન.એસ.વસાવા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડ ભરૂચની સુચના મુજબ AHTU ના પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી અપહરણ તથા પોક્સો એક્ટના ગુનાના નાસતા ફરતા આરોપીઓ શોધવા સુચના આપી હતી.

દરમિયાન AHTU પોલીસ ટીમને અંગત બાતમીદારથી બાતમી મેળવી હતી કે આમોદ પોલીસ મથકના પાર્ટ- એ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એક્ટ કલમ ૧૨ મુજબના ગુનાના કામનો આરોપી તથા ભોગબનનાર આમોદ તાલુકાના સરભાણ ગામમાં આવવાના છે.

જેથી AHTU ટીમે સરભાણ ગામ ખાતે વોચમાં રહી આરોપી તેમજ ભોગબનનારને સરભાણ ચોકડો ખાતેથી તેના નામ ઠામની ખાતરી કરી આ ગુનાના છેલ્લા ૨૧ માસથી નાસતા ફરતા આરોપીને ભોગબનનાર બાલીકા સાથે શોધી લાવી હાલ હસ્તગત કરી આગળની વધુ તપાસ સી.પી.આઈ. જંબુસરને સોપવામાં આવી છે.

ફ્રાન્સના સાધુ સાથે ઉત્તરાખંડમાં અંક્લેશ્વરના ડ્રાઇવરે કરી ઠગાઇ

ફ્રાન્સથી ભારતદર્શન માટે આવ્યાં બાદ ગંગા કિનારે સાધુસંતો સાથે મુલાકાત બાદ ભારતિય સંસ્કૃતિથી અભિભૂત થઇ ગયેલાં જયરામદાજીએ નિકોરા ગામે શ્રી માતા નિલાયમ આશ્રમમાં સ્થાયી થયાં છે. ભરૂચના નિકોરા ખાતે આવેલાં શ્રી માતા નિલાયમ આશ્રમના સાધુ જયરામદાસ ગત મે મહિનામાં ઋષિકેશ દર્શનાર્થે જવાના હોઇ તેમણે અંક્લેશ્વરના હેનિલ મડગુરી નામના શખ્સને ડ્રાઇવર તરીકે લઇ ગયાં હતાં.

ઉત્તરાખંડ ખાતે પહોંચ્યાં બાદ તેમના ડ્રાઇવર હેનિલે રાત્રીના સમયે કોઇ રીતે તેમનો મોબાઇલ ચોરી કરી તનાથી કુલ 60 હજાર રૂપિયા ટ્રાન્સ્ફર કરી લઇ ઠગાઇ કરી ત્યાંથી રફૂચક્કર થઇ ગયો હતો. ઘટનાને પગલે તેમણે ઋષિકેશ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. છેલ્લાં ત્રણેક મહિનાથી ફરિયાદ કરી હોવા છતાં ઋષિકેશ પોલીસ દ્વારા હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જેના પગલે સ્વામી જયરામદાસજીએ ઉત્તરાખંડ સીએમને પત્ર લખી ફરિયાદના અનુસંધાનમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથેની ફરિયાદ કરી છે.

આ ઉપરાંત આ મામલામાં ભરૂચ પોલીસ દ્વારા પણ કોઇ મદદ મળે તેવા આશયથી ડીએસપીને પણ લેખીતમાં આવેદન આપવામાં આવ્યું છે. તમામ પુરાવા અમે આપ્યાં છે. આ અંગે સાધુ શ્રી જયરામદાસજી અમારે ઋષિકેશ જવાનું હોઇ ડ્રાઇવરની શોધમાં હતાં. દરમિયાનમાં અંક્લેશ્વરના હેનિલ મડગુરીના સંપર્કમાં આવ્યાં હતાં. ઋષિકેશ પહોચ્યાં બાદ ત્યાંના આશ્રમમાં રોકાયાં હતાં. તે વેળાં રાત્રીના સમયે ડ્રાઇવરે મોબાઇલ ચોરી કર્યો હતો. અને રૂપિયા ટ્રાન્સફર કરી લીધાં હતાં. જે અંગેના પુરાવા પણ તેમને પોલીસને આપ્યાં છે. છતાં કાર્યવાહી થતી નથી.

ભરૂચના મહંમદપુરા સર્કલ પાસે મોબાઇલમા જુગાર રમતા ૩ ઝડપાયા

ભરૂચ એલ.સી.બી.પી.આઇ. ઉત્સવ બારોટ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી/ જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન એલ.સી,બીની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમી મળેલ કે મહંમદપુરા સર્કલ પાસે ૩ ઇસમો તેની કાળા કલરની પલ્સર બાઇક ઉપર બેસી વરલી મટકાનો આંકડાનો જુગાર અન્ય ગ્રાહકોની પાસે રૂબરૂ માં તેમજ ફોન દ્વારા મેળવી જુગાર રમાડે છે.

જે આધારે ભરૂચ એલ.સી,બી,ની ટીમ દ્વારા જુગારની સફળ રેડ કરી મોબાઇલથી જુગાર રમતા ૩ આરોપી ઇન્તેખા આલમ નાગોરી રહે,મકન નં.૧૨૪૮ નાગોરી વાડ તા.જી.ભરૂચ.,અવિનાશભાઇ રણછોડભાઇ વસાવા રહે.,લીમડી ચોક વાઘરી વાડ તા.જી.ભરૂચ.,વિશાલ દીનેશભાઇ વસાવા રહે, લીમડીચોક વાધરી વાડ તા.જી.ભરૂચને જડપી પાડ્યા હત.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપાયેલ આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપીયા રૂ.૧૨,૦૪૦/ -, મોબાઇલ ફોન નંગ.૧ કિ.રૂ. ૫,૦૦૦/- તથા પલ્સર બાઇક કિં.રૂ. ૪૦,૦૦૦/ મળી કુલ કિમત રૂ..૫૭,૦૪૦/ -ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા આ ગુનામાં અન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવેલ છે.

error: Content is protected !!