The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 235

ભરૂચ ખાતે નિરામય ગુજરાત અભિયાનનો કરાયો શુભારંભ

• નિરામય ગુજરાત અભિયાનનો નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે શુભારંભ કરાયો
• દર શુક્રવાર નિરામય દિવસ તરીકે ઉજવાશે
• નિરામય દિવસે નિષ્ણાંત તબીબોની ટીમ ધ્વારા ગ્રામીણ અને શહેરી કક્ષાએ મેડીકલ ક્મ્પ યોજાશે
નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજય સરકારના સરાહનીય પ્રયાસો છે તેમ નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું.
આ વેળાએ નિરામય ગુજરાત અભિયાન શુભારંભ અંતર્ગત નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા સહિત મહાનુભાવોએ સ્થળની મુલાકાત અને સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.
નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતાં તેમજ સૌ નિરોગી રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રજાજનો નિરોગી રહે તેની ચિંતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી છે.
સર્વે સંતુ નિરામયા, નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત લોકોના આરોગ્યની સુખાકારી તેમજ બીનચેપી રોગો માટે સ્ક્રીનીંગથી સારવાર સુધીનું આ મહાઅભિયાન રહેશે. આ અભિયાન હેઠળ રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં આ કાર્યક્રમની એક સાથે શરૂઆત કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એક જબરજસ્ત સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ ધ્વારા ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને લાભ મળવાનો છે. દર શુક્રવાર નિરામય દિવસ તરીકે ઉજવાશે. નિરામય દિવસે નિષ્ણાંત તબીબોની ટીમ ધ્વારા ગ્રામીણ અને શહેરી કક્ષાએ મેડીકલ કેમ્પનું આયોજન કરાશે. આ યોજના અંતર્ગત તપાસ, દવા વગેરે વિનામુલ્યે આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, નિરામય ગુજરાત અંતર્ગત લોહીનું ઉંચુ દબાણ (હાઈપરટેન્શન) મધુપ્રમેહ (ડાયાબીટીસ), મોઢા, સ્તન, ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બિમારી, પાંડુ રોગ(એનેમિયા), કેલ્શિયમની ઉણપ જેવા રોગોની સારવાર ઉપલબ્ધ બનવાની છે ત્યારે આ કેમ્પનો મહત્તમ લાભ લેવાની અપીલ જિલ્લાવાસીઓને તેમણે કરી હતી.
ભરૂચ જિલ્લામાં પાંચ લાખ એકસઠ હજાર જેટલાં લોકો આ અભિયાનનો લાભ લઈ શકે છે તેમ જણાવી બિનચેપી રોગોની આપણને ખબર હોતી નથી પરંતુ સમયસર તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. જેથી રોગોની જરૂરી સારવાર આપણને સમયસર મળી શકે છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના પ્રયત્નોને કારણે વધુમાં વધુ રસીકરણ આજે દેશમાં થઈ રહ્યું છે જેને કારણે આપણને કોરોના સામે પ્રતિરક્ષણ મળ્યું છે. આ વેળાએ તેમણે આરોગ્ય વિષયક અનેકવિધ યોજનાઓની માહિતી આપી હતી.
પ્રારંભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચન કરતાં સૌને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતાં સર્વે સંતુ નિરામય અભિયાન અંતર્ગત નિરામય ગુજરાત અભિયાનના સેવાયજ્ઞમાં આપણે સૌ ભાગીદાર બનીએ. આ અભિયાન ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો સુધી પહોંચે તેવું સુદઢ આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં નિરામય કાર્ડ, ડીજીટલ હેલ્થ આઈ.ડી., માં કાર્ડ, પી.એમ.જે.વાય કાર્ડનું લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. ઉપસ્થિત લોકોને નિરોગી રહેવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. પાલનપુર ખાતેથી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને નિરામય ગુજરાત અભિયાનના રાજ્યકક્ષાના શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્ટ સૌએ નિહાળ્યું હતું.
અંતમાં આભારવિધિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ કરી હતી. નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી અમીતભાઇ ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઇ મિસ્ત્રી,,સીવીલ સર્જન ડો.એસ.આર.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી મુનીરા શુકલા, આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારી- કર્મચારીઓ, લાભાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહયા હતા.

ભરૂચ: આઝાદીકા અમૃત મહોત્સવના આયોજન અંગે યોજાઇ બેઠક

• ભરૂચ જિલ્લા ઉદાહરણરૂપી કાર્યક્રમો યોજવા જણાવતાં કલેક્ટર

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૮ મી નવેમ્બરથી ૨૦ નવેમ્બર દરમિયાન જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામયાત્રા રથ કાર્યક્રમ અન્વયે તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

ભરૂચ જિલ્લાના ગ્રામ વિકાસને આત્મનિર્ભર થકી આગળ વધારવાના ધ્યેય સાથે માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આઝાદીકા અમૃત મહોત્સવ સંદર્ભે જિલ્લાની ત્રિદિવસીય કાર્યક્રમ થકી ઉદાહરણરૂપી બની રહે તેવો અનુરોધ ઉપસ્થિતોને કર્યો હતો.

વધુમાં સમાહર્તાએ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગતની ત્રિદિવસીય ઉજવણીમાં જિલ્લાની ૩૪ બેઠકોમાં ત્રણ રથ ફરશે જેમાં પ્રથમ દિવસે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, DRDA, ICDS, મહિલા બાળ વિકાસ, શિક્ષણ, સમાજ સુરક્ષા માર્ગ-મકાન વિગેરે વિભાગો થકી જિલ્લા ગ્રામ્ય સ્તરનું અને ગ્રામીણ વ્યક્તિને લક્ષમાં રાખી આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા થકી પરામર્શ કરી સંબધિત અધિકારીને સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીએ અધિકારીઓને સઘન આયોજન કરવા જણાવ્યું હતું. કલેક્ટરે જેમ બને તેમ પ્રજાજનોને વધુ સંદેશો જાય તેવા સુચારૂં આયોજન કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિભાગોના સ્ટોલ્સ, કાર્ય આયોજન, લાભાર્થીઓના ફોર્મ વિતરણ વિગેરે જેવી બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વિગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં, 14મીએ NZ સામે થશે ટક્કર

ટી20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પાકિસ્તાન સામેની બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો પાંચ વિકેટે વિજય થયો હતો. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન તરફથી ઓપનર મોહમ્મદ રિઝવાનના 52 બોલમાં 67 રન અને ફખર ઝમાનના 32 બોલમાં 55 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 176 રન કર્યા હતા. મિચેલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી જ્યારે પેટ કમિન્સ અને એડમ ઝામ્પાએ એક-એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો.

ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત કંગાળ રહી હતી. શાહિન શાહ આફ્રિદીની પ્રથમ ઓવરમાં ઓસિ. કેપ્ટન એરોન ફિન્ચ એકપણ રન કર્યા વગર એલબીડબલ્યુ આઉટ થયો હતો. ડેવિડ વોર્નરે (49) બીજી વિકેટ માટે મિચેલ માર્શ (28) સાથે 51 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાન પાસે ધારદાર બોલિંગ હોવા છતાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની ધમાકેદાર બેટિંગને લીધે પાકિસ્તાનનો સેમિફાઈનલમાં પરાજય થયો હતો. માર્ક્સ સ્ટોઈનિસે 31 બોલમાં 40 રનની અણનમ ઈનિંગ રમી હતી જ્યારે મેથ્યુ વેડ 17 બોલમાં વિસ્ફોટક 41 રન કરી અણનમ રહ્યો હતો.
છઠ્ઠી વિકેટ માટે વેડ અને સ્ટોઈનિસે 81 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનના બોલર શાહદાબ ખાને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી તેમજ શાહીન આફ્રિદીએ એક વિકેટ લીધી હતી. વેડ 22 રને હતો ત્યારે તેનો કેચ બાઉન્ડ્રી પર છૂટતા તેને જીવતદાન મળ્યું હતું અને આ કેચ છૂટવાની સાથે પાકિસ્તાનના હાથમાંથી વર્લ્ડ કપ ફાઈનલમાં સ્થાન પણ સરક્યું હતું.

આફ્રિદીની ઓવરમાં છેલ્લા ત્રણ બોલમાં સળંગ ત્રણ છગ્ગા મારીને ઓસ્ટ્રેલિયાએ જીત નિશ્ચિત કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને એક તબક્કે 28 બોલમાં 56 રનની જરૂર હતી પરંતુ વેડ અને સ્ટોઈનિસે ચારેતરફ ફટકાબાજી કરીને ફાઈનલની રાહ આસાન બનાવી હતી. 14 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈમાં ફાઈનલ મુકાબલો રમાશે.

ભારે વર્ષા બાદ ચેન્નઈમાં આવ્યું પૂર, 14 લોકોના મોત

તમિલનાડુની રાજધાની ચેન્નાઈ અને અન્ય ઉત્તરીય વિસ્તારોમાં ગુરુવારે ભારે વરસાદ થયો હતો, જ્યારે બંગાળની ખાડી પરનું દબાણ ક્ષેત્ર સાંજે ચેન્નાઈના દરિયાકાંઠે આગળ વધ્યું હતું. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે, પાક ડૂબી ગયો છે, વૃક્ષો ધરાશાયી થયા છે અને 1,000 થી વધુ ઝૂંપડાઓને નુકસાન થયું છે. 2015 પછી નવેમ્બર મહિનામાં એક જ દિવસમાં આ સૌથી વધુ વરસાદ છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 203.5 મીમી વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ ઉપરાંત, અહીંના ડેમમાંથી લગભગ 13,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને તામિલનાડુના મહાનગર અને અન્ય ઉત્તરીય પ્રદેશોના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં વીજળી કાપવામાં આવી છે. વરસાદના કારણે રસ્તાઓને પણ નુકસાન થયું છે.

છેલ્લા ચાર દિવસથી આવેલા પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ટ્રાફિક બદલાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કેકેએસએસઆર રામચંદ્રએ જણાવ્યું હતું કે ગુરુવારે તંજાવુર અને તિરુવરુરમાં બે લોકોના મોત થયા હતા.

સુરતની કોર્ટે 4 વર્ષની બાળકીના દુષ્કર્મીને જીવનના અંતિમ શ્વાસ સુધીના કેદની ફટકારી સજા

સચીન જીઆઇડીસી વિસ્તારમાં માસુમ 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ 39 વર્ષીય આરોપી અજય નિશાદની પોલીસ દ્વારા ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

માત્ર 5 દિવસની સુનાવણી દરમિયાન કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.કોર્ટે આરોપી અજય નિશાદને જીવનના અંતિમ શ્વાસ સુધીના કેદની સજા ફટકારી પીડિત પરિવારને ઝડપી ન્યાય આપ્યો છે. સાથે ગુનેગારોમાં ડર ઉભો થાય અને સમાજમા એક દાખલો બેસે. આ હેતુથી આજે ગુજરાતમાં ઐતિહાસિક સમયમાં ચુકાદો આવ્યો છે.જેમાં પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે કોર્ટમાં રાત્રે 12 વાગ્યા સુધી હિયરિંગ થયું હતું.

આ ઘટનામાં ગત 12 ઓક્ટોબર 2021ના રોજ 4 વર્ષની બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું. ગણતરીની કલાકોમાં પોલીસે આરોપી અજય નિશાદની ધરપકડ કરી હતી. કોર્ટમાં મોબાઇલમાં બાળકીએ આરોપીને ઓળખી બતાવ્યો. એક સમય આ કેસ માટે સેશન્સ કોર્ટે મોડી રાત સુધી કોર્ટની કાર્યવાહી ચાલું રાખી હતી. સુરતની પોક્સો કોર્ટે કેસને પ્રાયોરિટી આપી છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 234એ પહોંચી !

ગુજરાતમાં 4 મહિના બાદ કોરોના ફરી એકવાર માથુ ઉચકી રહ્યો છે. ગુજરાતમાં બુધવારે 42 નવા કેસ નોંધાયા બાદ પાછલા 24 કલાકમાં નવા 40 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેમાં તહેવારો બાદ કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતા વધી છે. રાજ્યમાં 234 એક્ટિવ કેસ છે.જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 7 થઇ છે. જોકે શૂન્ય મૃત્યુઆંક સૌથી મોટી રાહત આપનારો છે.

ભરૂચના MP એ ભાખી ભવિષ્ય વાણી : ગુજરાતમાં આગામી 5-6 મહિનામાં જ આવશે ચૂંટણી

ગુજરાત વિધાન સભાની ચૂંટણી આગામી 5 થી 6 મહિનામાં જ યોજાશે તેવું ભવિષ્ય ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાખ્યું છે. રાજપીપળામાં નોંધારાનો આધાર પ્રોજેક્ટના લોન્ચિંગ વેળા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જ આ નિવેદન MP એ આપ્યું છે.
રાજ્યમાં આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતના ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું હાલ એક મહત્ત્તવપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

ભરૂચ MP મનસુખ વસાવાએ રાજ્યમાં આગામી 5 થી 6 મહીનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાશે તેવો સીધો સંકેત તેમના નિવેદનમાં આપી દીધો હતો. ગુજરાતમાં વહેલી ચૂંટણી સાથે તે CM ભુપેન્દ્ર પટેલના વડપણમાં યોજાશે અને ભાજપ BJP ભવ્ય વિજય પતાકા લહેરાવશે. સાથે જ નર્મદા જિલ્લાની વિધાનસભાની તમામ 2 બેઠક BJP જીતશે તેવો પણ આશાવાદ સાંસદે વ્યક્ત કર્યો છે. હાલ નર્મદા જિલ્લાની ડેડીયાપાડા અને નાંદોદ બેઠક BTP અને કોંગ્રેસના હાથમાં છે.

ગુજરાતના સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડીશું. અને નર્મદા જિલ્લાની તમામ બેઠકો ભાજપ જીતશે.રાજપીપળામાં ગુરૂવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અદયક્ષ સ્થાને નોંધારાનો આધાર પ્રોજેક્ટના વેબ પોર્ટલનું લોન્ચિંગ કરાયું હતું. આ પ્રસંગે મંત્રી પુરણેશ મોદી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા.

સુરતના ચકચારી દુષ્કર્મ કેસમાં નારાયણ સાઇ સહિત પાંચને થશે 30મીએ સજા

સુરતના ચકચારી દુષ્કર્મ કેસમાં શુક્રવારે સુરત કોર્ટે નારાયણ સાઇ સહિત પાંચને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ 30મી એપ્રિલે આ દોષિતોને સજા જાહેર કરશે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે નારાયણ સાઇને કોર્ટમાં લવાયો હતો, સવારથી કોર્ટ પરિસરમાં પોલીસે સલામતી માટે બેરીકેડ ગોઠવી દીધા હતા.ચુકાદો જાહેર થયો ત્યારે નારાયણ સાંઇનું મોઢું પડી ગયું હતું.

સુરતના આ દુષ્કર્મ કેસમાં શુક્રવારે સુરતની કોર્ટમાં ચુકાદો જાહેર થવાનો હોવાથી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યે નારાયણ સાઇને લાજપોર જેલથી સુરતની કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટે બપોરે નારાયણ સાઇ,કૌશલ ઉર્ફે હનુમાન ઠાકુર,ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા,જમના ઉર્ફે ભાવના અને રમેશ મલ્હોત્રાને દોષિત જાહેર કર્યા છે જેની સજા 30મી એપ્રિલે સજા જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મોહિત ભોજવાણી, પંકજ દેવડા, અજય દિવાન, નેહા દિવાન અને મોનિકા અગ્રવાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

ડ્રગ્સ કેસમાં પરસ્પર આક્ષેપબાજીથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસને રૂ. 5 કરોડની માનહાનીની નોટિસ મોકલી છે. સમીર ખાને દાવો કર્યો છે કે આક્ષેપો પાયાવિહોણા છે અને તેણે લેખિતમાં માફી માંગવી જોઈએ. આ મુદ્દે મહારાષ્ટ્રના ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ આ માનહાનીની નોટિસનો કાયદાદીય જવાબ આપશે.

મલિકની દીકરી નિલોફર મલિક ખાને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, જૂઠા આરોપોથી જીવન બરબાદ થાય છે. કોઈએ કોઈપણ સામે આક્ષેપો કરતા પૂર્વે તપાસ કરવી જોઈએ કે તેઓ શું બોલી રહ્યા છે. ફડવિસે મારા પરિવાર સામે કરેલા જુઠા આક્ષેપો અને દાવાઓ બદલ આ માનહાનીની નોટિસ મોકલવામાં આવી છે. અમે પીછેહઠ નહીં કરીએ.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને નવાબ મલિક તેમજ દેવેન્દ્ર ફડણવિસ બન્ને આમને-સામને આવી ગયા છે અને રોજ નવા આક્ષેપો કરી રહ્યા છે. અગાઉ ફડણવિસે એનસીપી નેતા સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેઓના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે અને તેમણે મુંબઈ બ્લાસ્ટના આરોપીઓ પાસેથી કેટલીક જમીન મેળવી હતી.

જ્યારે મલિકે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, ફડણવિસની મહેરબાનીથી નોટબંધી બાદ મહારાષ્ટ્રમાં બોગસ ચલણી નોટોનો કેસ દબાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફડણવિસે સરકારી વિભાગોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓની નિયુક્ત કરી રાજકારણનું અપરાધીકરણ કર્યું હતું.

ભરૂચ: રિવરફ્ર્ન્ટના બાંધકામમાં વેજપુર સ્મશાનની ભૂમિ પર ખોદકામના પલગે નારાજગી

ડેમ પ્રશાશન દ્વારા હાથધરાયેલા રિવરફ્રન્ટ ના કામ માં વેજલપુર સ્મશાન ભૂમિ ઉપર ખોદાણ કરાતા વેજલપુર સમાજની લાગણી દુભાવા પામી છે.

ભરૂચના વેજલપુર મુકામે આવેલું જાહેર સ્મશાન ઘાટ જ્યાં સરકારી જમીનમાં હિન્દુ સમાજના મૈયત બાળકોની અંતિમ દફનવિધિ થાય છે, ત્યાં એ જ સ્મશાન ભૂમિ ઉપર રિવરફ્રન્ટના ભાગરૂપે કામ ચાલી રહેલું છે અને સ્મશાન ભૂમિ પર કેટલુંક ખોદકામ પણ કરવામાં આવેલું છે, જેનાથી વેજલપુર સમાજની લાગણી દુભાયેલી છે.
આ બાંધકામ થયા પછી હિન્દુ સમાજના મૈયત બાળકોની અંતિમ દફનવિધિ ક્યાં થશે ? એ બાબતની ડેમ પ્રશાસન દ્વારા ભવિષ્યની કોઈ યોજના કરવામાં આવી નથી. જે બાબતે વેજલપુર સમાજના આગેવાનો દ્વારા વેજલપુર સ્મશાન ભૂમિ પર ચાલી રહેલા આ કામના સ્થળની મુલાકાત લેવામાં આવી અને જ્યાં સુધી હિન્દુ સમાજના મૈયત બાળકોની અંતિમ દફનવિધિ માટેની સ્મશાન ભૂમિના પ્રશ્નનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્મશાન ભૂમિ પર કામ બંધ રાખવાની ડેમ પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે અને જો તેમ નહીં થાય તો વેજલપુર સમાજ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી સૂચના પણ આપવામાં આવી છે. હાલમાં તો ડેમ પ્રશાસન દ્વારા આ સમસ્યાનું સમાધાન કરવાની વેજલપુર સમાજના આગેવાનોને બાંહેધરી આપવામાં આવી છે.

error: Content is protected !!