• કોરોનાને લઇ જાહેર સ્થળોએ છઠપૂજાનું આયોજન કરવાનું ટાળ્યું
ભરૂચ જિલ્લામાં રોજગારી અર્થે સ્થાયી થયેલા ઉત્તરભારતીય લોકોનો કોઈ પવિત્ર તહેવાર હોય તો તે છે દિવાળી ટાણે છઠપૂજા અને છઠપૂજામાં આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની પૂજા-અર્ચના કમર સમા પાણીમાં ઊભા રહીને કરાતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને ધ્યાને રાખી જાહેર સ્થળોએ છઠ પૂજા કરવાના આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. જેના પગલે ભરૂચમાં વસતા ઉત્તર ભારતીય લોકોએ પોતાના ઘરે જ કુત્રીમ જળકુંડ ઉભા કરી તેમાં ઊભા રહીને છઠ પૂજા નિમિત્તે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં ૭ ઓધોગિક વસાહતોના કારણે ઉત્તર ભારતીય લોકો રોજગારી અર્થે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાયી થયા છે અને તેઓનો પવિત્ર તહેવાર લાભ પાંચમ પછીનો છઠ માનવામાં આવે છે. આ દિવસે છઠ પૂજા કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે. ઉત્તર ભારતીય લોકો છઠ પૂજા નર્મદા નદીના પવિત્ર જળમાં ઊભા રહી આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની પૂજા-અર્ચના કરી છઠ પૂજાનું સામુહિક આયોજન કરતાં હોય છે. પરંતુ કોરોનાની મહામારીને ધ્યાને રાખી આ વખતે પણ જાહેર સ્થળોએ છઠપૂજાના આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે.
જેના કારણે ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તરભારતીય ભાઈ-બહેનોએ પોતાના ઘરે જ ધાબા ઉપર તથા મકાનની અગાસી તેમજ અન્ય સ્થળે આથમતા સૂર્ય ની પૂજા અર્ચના કરી હતી. પોતાના મકાનની અગાસી ઉપર જ કુત્રીમ જળકુંડ બનાવી તેમાં ઊભા રહી આથમતા સૂર્યની પૂજા-અર્ચના કરી હતી. જે પૂજાનું આવતીકાલે સવારે ઉગતા સૂર્યની પૂજા-અર્ચના કરી સમાપન કરાશે.