• મૂલદ ચોકડીથી ટોલ પ્લાઝા વચ્ચે નેશનલ હાઇવે ક્રોસ કરતી વેળા દિપડો વાહનની અડફટે આવ્યો
ભરૂચ – અંકલેશ્વરની મૂલુદ ચોકડી થી ટોલ પ્લાઝાની વચ્ચે નેશનલ હાઇવે પર ગત રાત્રે અજાણ્યા વાહનની અડફેટે આવેલા દિપડાનું મોત નિપજ્યુ હોવાની ઘટના બની હતી. વાહન અકસ્માતનો ભોગ બનેલા દિપડાને રેસ્ક્યુ કરવા માટે વનવિભાગના વીસ થી વધુ ફોરેસ્ટરોએ ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, સારવાર પૂરતી મળે તે અગાઉ તો દિપડાનું મોત નિપજ્યુ હતુ.
ભરૂચની મૂલદ ચોકડીથી ટોલ પ્લાઝા વચ્ચે મંગળવારે રાતે પોણા નવ વાગ્યાના સુમારે સુરતથી ભરૂચ આવતી લેન ઉપર એક દિપડો હાઇવે ક્રોસ કરતા વાહન અડફેટે આવી ગયો હતો. વાહન અડફેટે ગંભીર રીતે ઘવાયેલો કદાવર દિપડો હાઇવે ઉપર પડેલો જોતા પાછળથી આવતા વાહન ચાલકોના પણ શ્વાસ ક્ષણિક થંભી જવા સાથે આપો આપ વાહનને બ્રેક લાગવાની શરૂ થઇ ગઇ હતી. જોતજોતામાં ભરૂચ હાઇવે પર મુલદ નજીક ઘાયલ દિપડો પડ્યો હોવાના મેસેજ અને વીડિયો વાયરલ થઈ ગયા હતા.
ઘટના અંગે વન વિભાગને જાણ કરાતા હાઇવે ઉપર ઘાયલ પડેલા દીપડાને રેસ્ક્યુ કરવા ત્રણ દિશામાંથી ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મદદનીશ વન સંરક્ષક પરેશ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા આરએફઓ એમ.કે.પરમાર સહિત વીસ વ્યક્તિઓની રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે દોડી આવી ઘાયલ દિપડાને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.
સુરતથી ભરૂચ તરફની હાઈવેની એક લેન રોકાઈ જતા ટ્રાફિકજામ વચ્ચે વન વિભાગની ત્રણ રેન્જ દ્વારા ઘાયલ દિપડાનું દિલધડક રેસ્ક્યુ ચાલ્યું હતું. ઘાયલ હોવા છતાં જાળમાં દિપડાને પકડતી વેળા તેની દહાડ માત્રથી જ ટોળે ટોળા વળેલા વાહન ચાલકો પણ ડરના માર્યા દોડતા થઈ ગયા હતા.
વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યા બાદ સારવાર માટે ઝઘડિયા પશુ દવાખાને લાવી તેની સારવાર શરૂ કરી હતી. જો કે રાતે ૧૧.૩૦ કલાકે ઘાયલ દિપડાએ વેટરનીટી દવાખાનામાં જ દમ તોડી દીધો હતો. અઢી કલાકનું રેસ્ક્યુ, હાઈવેનો વાહન વ્યવહાર રોકવા છતાં દિપડાનો જીવ બચી નહિ શકતા વન વિભાગની ટીમ પણ નિરાશ થઈ ગઈ હતી.
ઝઘડિયા આરએફઓ મીનાબેન પરમારે જણાવ્યું હતું કે, ઘાયલ દિપડો પુખ્ત વયનો હતો. નર દીપડાની ઉંમર ૧૦ વર્ષની હતી. તેને માથા અને પેટના ભાગે ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું.
[breaking-news]
Date: