The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 234

ભરૂચ: પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપાનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં દિપાવલી અને નૂતન વર્ષ નિમિત્તે રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે જિલ્લા ભાજપાના હોદ્દેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓ સાથે પાર્ટીનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત પાર્ટીના તમામ હોદ્દેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી હતી કે વિધાનસભાના દરેક બુથ પેજ કમિટીના સભ્ય સુધી ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી તથા સરકારે કરેલા વિવિધ પ્રજાલક્ષી કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૌ સાથે મળીને સંકલ્પ કરીએ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યમાં ભવ્ય વિજય થાય અને ભાજપાની સરકાર બને તે માટે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદી, પ્રદેશ મહામંત્રી પ્રદિપ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પ્રભારી જનક બગદાણા, ગુજરાત વિધાનસભાના ઉપ નાયબ દંડક દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, ઘારાસભ્ય અરૂણસિંહ રાણા, અંકલેશ્વરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, માજી. પ્રદેશ મહામંત્રી ભરત પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમીત ચાવડા, મહિલા હોદ્દેદારો, પાર્ટીના તમામ મહાનુભાવો તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ મિલન સભારંભ દરમિયાન વાલિયાના મહેન્દ્ર હરિસિંહ મહિડા, ધર્મેન્દ્ર મહિડા, રાજેન્દ્ર મહિડા, દેવેન્દ્ર મહિડા, જશવંત મહિડા, કિરણ મહિડા સહિત અન્ય આગેવાનો ભાજપમાં જોડાતાં ભાજ્પીઓએ સૌને આવકાર્યા હતા.

વાલિયા: પિતાનું મોત નિપજાવનાર આરોપીઓ જામીન પર છૂટતાં પુત્રીએ કરી ન્યાયની માંગ

વાલિયાના બાંડાબેડા ગામે પિતા-પુત્ર ઉપર ચપ્પુ વડે ત્રણ ઇસમોએ હુમલો કરતાં પિતાનું સારવાર દરમિયાન સુરત ખાતે મોત નીપજયું હતું. પોલીસ દ્વારા આ મામલામાં હત્યારાઓ સામે ગુનો નોંધાય અને તેમને સજા મળે તેવી માંગ મરનારની પુત્રીએ કરી હતી.

સમગ્ર ઘટનામાં વાલિયા બાંડાબેડા ગામે નિશાળ ફળિયામાં રહેતા 29 વર્ષીય કલ્પેશ ભારમલભાઇ વસાવા ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 3 નવેમ્બરના રોજ ફળિયામાં જ રહેતા અનિલ કાલીદાસ વસાવા, રાજેશ ઉર્ફે બાબર રામસિંગભાઇ વસાવા અને નીતિન રમણભાઇ વસાવા કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં ઇકો ગાડી સ્કૂલ પાસે કેમ મૂકી હતી કહી તેમની સાથે ઝઘડો કર્યો હતો અને તેમને ચપ્પુના ઘા પણ ઝીંકી દીધા હતા.

જેમાં તેમના પિતા ભારમલભાઈ તેમને છોડાવવા વચ્ચે પડતાં ત્રણેય આરોપીએ તેમને પણ ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા ભારમલ ગોવિંદભાઈ વસાવાનું સુરત ખાતે 7 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. જેમાં પોલીસે ત્રણેવ આરોપીને જામીન ઉપર છુટી જતા ભારમલભાઈની પુત્રીએ પિતાના હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધી આજીવન કારાવાસની સજા કરવાની માંગ કરી હતી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બે મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્શન કમિટીએ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માને બન્ને ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યું છે, જ્યારરે અજિંક્ય રહાણે પ્રથમ ટેસ્ટમાં ટીમની કમાન સંભાળશે અને ઉપ-કેપ્ટન ચેતેશ્વર પુજારા હશે. બીજી ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલી હશે. બીજી બાજુ, વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતને પણ આરામ આપવામાં આવ્યું છે. જસપ્રીત બુમરાહ પણ ટેસ્ટમાં જોવા નહીં મળે.

પંતની જગ્યાએ ઋદ્ધિમાન સાહાની વિકેટકીપર તરીકે પંસદગી કરવામાં આવી છે અને વિકેટકીપરના બેકઅપ માટે કેએસ ભરતને જગ્ચા આપવામાં આવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 25 નવેમ્બરથી કાનપુરમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઇમાં રમાશે. બીજી ટેસ્ટ માટે કેપ્ટન વિરાટ કોહલીની ટીમમાં વાપસી થશે.

પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા: અજિંક્ય રહાણે (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા (ઉપ-કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, ઋદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

બીજી ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, ઋદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

US સરકારનો નિર્ણય ભારતીય મહિલાઓ માટે લાભકારક

• H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથીને ઓટોમેટિક વર્ક પરમિટ આપવા સંમતિ

સેંકડો ઇન્ડિયન અમેરિકન મહિલાઓ માટે લાભદાયી વધુ એક મોટી હિલચાલમાં અમેરિકાની બાઇડન સરકાર H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથીને આપોઆપ વર્ક ઓથોરાઇઝેશન પરમીટ આપવા સંમત થઈ છે. આનો અર્થ એવો થાય છે કે H-1B ધરાવતા લોકોને તેમના જીવનસાથી માટે આપોઆપ નોકરી કરવાની મંજૂરી મળશે અને અરજી કરવાની જરૂર પડશે નહીં.

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) H-1B વિઝા હોલ્ડર્સના પરિવારના નજીકના સભ્યો (જીવનસાથી અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો)ને એચ-ફોર વિઝા જારી કરે છે. આ વિઝા સામાન્ય રીતે એવા વ્યક્તિને આપવામાં આવે છે કે જેમને અમેરિકામાં રોજગાર આધારિત કાયદેસરના કાયમી નિવાસીના દરજ્જા માટે પ્રોસેસ ચાલુ કરી છે.H-1B વિઝાને સામાન્ય રીતે નોન ઇમિગ્રન્ટ વિઝા ગણવામાં આવે છે, જેનાથી અમેરિકાની કંપનીઓ ખાસ કુશળતાની કામગીરી માટે વિદેશી કામદારોને નોકરીએ રાખી શકે છે. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી હજારો લોકોને નોકરી આપવા માટે આ પ્રકારના વિઝાનો ઉપયોગ કરે છે.

ઇમિગ્રન્ટના જીવનસાથી વતી અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિયેશનને દાખલ કરેલા કાનૂની દાવા બાદ હોમલેન્ડ સિક્યોરિટીઝ વિભાગ જીવનસાથીને ઓટોમેટિક વર્ક પરમીટ આપવા સંમત થયો છે.
એસોસિયેશનના જોન વેસ્ડેને જણાવ્યું હતું કે એચ-ફોર વિઝા હોલ્ડર્સ એક એવું ગ્રૂપ છે કે જે હંમેશા એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ્સ (EADs)ના ઓટોમેટિક એક્સ્ટેન્શન માટેના નિયમનકારી ટેસ્ટમાં પાસ થાય છે, પરંતુ આ એજન્સીએ અગાઉ આ લાભ આપ્યો ન હતો અને ફરી ઓથોરાઇઝેશન માટે રાહ જોવાની ફરજ પાડી હતી. લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. તેઓ કોઇ કાનૂની કારણ વગર તેમની ઊંચા વેતનની નોકરી ગુમાવી રહ્યાં છે. તેનાથી આ લોકોને અને અમેરિકાના બિઝનેસને નુકસાન થાય છે.

કોર્ટમાં આ લિટિગેશનને પગલે યુએસ સિટિજનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ને એવી નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી છે કે જેમાં માત્ર એક સભ્યની EAD અરજીઓ પેન્ડિંગ હોય તે દરમિયાન તેમને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશનના ઓટોમેટિક એક્સ્ટેન્શનનો લાભ મળતો ન હતો.

અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિયેશનને જણાવ્યું હતું કે આ એક મોટી સિદ્ધી છે. પક્ષકારોની સમજૂતીથી USCIS ના વલણમાં મોટો ફેરફાર થશે. USCIS હાલમાં સ્વીકારે છે કે એલ-ટુ જીવનસાથીને ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશનનું સ્ટેટસ મળે છે. આનો અર્થ એવો થાય છે છે કે એક્ઝિક્યુટિવ અને મેનેજર્સના આવા જીવનસાથીઓએ અમેરિકામાં નોકરી કરતા પહેલા એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન માટે અરજી કરવી પડશે નહીં.
AILAના ડિરેક્ટર (ફેડરલ લિટિગેશન)ના જેસી બ્લેસે જણાવ્યું હતું કે અમે આ સમજૂતીથી આનંદ થયો છે. તેનાથી એચ-ફોર વિઝા હોલ્ડર્સના જીવનસાથીને લાભ મળે છે. વહીવટીતંત્ર એ માનવા તૈયાર થયું છે કે નોન ઇમિગ્રન્ટના જીવનસાથીની લિટિગેશનની પતાવટ થવી જોઇએ અને ઝડપથી થઈ છે તે વાતથી અમને સંતોષ થયો છે.

ઓબામા સરકારે H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથીની કેટલીક કેટેગરીમાં વર્ક ઓથોરાઇઝેશનને મંજૂરી આપી હતી. અત્યાર સુધી આશરે 90,000 એચ-ફોર વિઝા હોલ્ડર્સને વર્ક ઓથોરાઇઝેશન મળ્યું છે. આમાંથી ઇન્ડિયન અમેરિકન મહિલાની સંખ્યા ઘણી મોટી છે.

•સૌજન્ય: એજન્સી, વોશંગ્ટન

અંકલેશ્વર ત્રણ દિવસથી રેડ ઝોનમાં : AQI 313 પર પહોંચ્યો

હવામાનમાં ઈન્વર્ઝન નહીં થતાં અંકલેશ્વરની હવાની ગુણવત્તા બગડી રહી છે. અંકલેશ્વરની હવા અત્યંત પ્રદુષિત બનતા સતત ત્રણ દિવસે સુધી રેડ ઝોનમાં રહ્યું હતું. 10 નવેમ્બરે 333 AQI (એર ક્વોલિટી ઈન્ડેક્ષ), 11 નવેમ્બરે 332 અને 12 નવેમ્બરે 313 AQI નોંધાયો હતો. જેથી લોકોને શ્વાસોચ્છવાસમાં પણ તકલીફ પડી રહી છે.

છેલ્લા 15 દિવસથી સતત ઓરેન્જ ઝોનમાં AQI રહ્યા બાદ હવે રેડ ઝોનમાં આવતા લોકોના સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટી વાગી રહી છે. હવામાં રહેલા ડસ્ટનું પ્રમાણ પણ વધ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ, એસ.ઓ.2 , એન.ઓ.2 અને એન.એચ.3 ની માત્રા પણ વધી છે.

શિયાળાનું ઠંડુ વાતાવરણ થતાં પુનઃ અંકલેશ્વરનું હવામાન બગાડ્યું છે. ખાસ કરીને શિયાળામાં હવામાં રહેલા પી.એમ.2.5, પી.એમ 10. એન.ઓ.2 એન.એચ. 3 , એસ.ઓ.2 સી.ઓ. સહિતના તત્વો જમીન લેવલ પર રહેતા તેનું ઈન્વર્ઝન નહીં થવાના કારણે હવા પ્રદુષણ વધ્યું છે.

અંકલેશ્વરમાં બે મહિનાની સ્થિતિ પર નજર કરીએ તો ઓક્ટોબર મહિનામાં શિયાળની શરૂઆત સાથે જ હવાનું સ્તર બગડવાની શરૂઆત થઇ હતી. ઓક્ટોબર માસમાં માત્ર 3 દિવસ ગ્રીન ઝોન એટલે શુદ્ધ હવા જોવા મળી હતી. જયારે 11 દિવસ યલો અને 13 દિવસ ઓરેન્જ ઝોનમાં AQI નોંધાયો હતો.

આ અંગે આર.આર. વ્યાસ, પ્રાદેશિક અધિકારી જીપીસીબીએ જણાવ્યું કે, ઉદ્યોગોને રાત્રે ઇન્સિલેટર બંધ કરવા અને કોમન ફેસિલિટી ઇન્સિલેટર બંધ કરવા તાકીદ કરી છે. શિયાળામાં ઈન્વર્ઝન નહીં થતા આ સ્થિતિ સર્જાઈ છે. જે માટે નોટીફાઈડ વિભાગને પ્રથમ તો વોલ ટુ વોલ કાર્પેટિંગ અને બિસ્માર માર્ગને રીપેર કરવાની સૂચના આપી છે. માર્ગો પર ઉડતી ડસ્ટ દૂર કરવા પણ સૂચના આપી છે. રાત્રીના ઈન્સિલેટર બંધ કરવા તેમજ કોમન ફેસિલિટી ઇન્સિલેટર બંધ કરવા પણ તાકીદ કરી છે. સતત મોનિટરિંગ વધારી શિયાળાની સ્થિતિને ધ્યાને રાખી એક્શન પ્લાન અમલમાં મૂકી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
સીપીસીબી વેબ સાઈડ પર નોંધાયેલ એર કોલેટી ઈન્ડેક્ષ મુજબ પી.એમ 2.5 ની માત્રા સૌથી વધુ એટલે 391 પર પહોંચી છે જે એવરેજ 332 આવી રહી છે. જયારે પી.એમ 10 ની માત્ર સૌથી વધુ 241 જયારે એવરેજ 187 પર પહોંચી છે. એન.ઓ.2 વધુમાં વધુ 24 અને એવરેજ 21 જયારે એન.એચ.3 વધુ માં વધુ 29 અને એવરેજ 12 પર માત્રા પહોંચી છે. એસ.ઓ.2 વધુ માં વધુ 138 જયારે એવરેજ 114 પર અને કાર્બન ડાયોક્સાઇડ વધુ માં વધુ 116 અને એવરેજ 98 પર માત્રા પહોંચી ગઈ છે. જયારે ઓઝોનની માત્ર વધુ માં વધુ 73 અને એવરેજ 48 આવી રહી છે. જેને લઇ છેલ્લા 3 દિવસ થી હવાની ગુણવત્તા બગડી સાથે રેડ ઝોનમાં આવી ગયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આઝમગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉત્તર પ્રદેશ માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે રાજ્યની મુલાકાતે છે. મળતી માહિતી મુજબ, અમિત શાહ આજે સદર તહસીલના યશપાલપુર આઝમબંદ ગામમાં સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. સાથે જ તેઓ ત્યાં યોજાનાર ભૂમિપૂજનમાં પણ ભાગ લેશે. અમિત શાહનો આઝમગઢ પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવે છે. કારણ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અહીં માત્ર એક જ બેઠક મળી હતી.

ગૃહમંત્રી અમિત શાહના આગમનના એક દિવસ પહેલા શુક્રવારે તમામ સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમની સુરક્ષામાં લગભગ બે હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ડ્યુટી લગાવવામાં આવી છે. પોલીસ આસપાસના ગામના શકમંદોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.એસપી અનુરાગ આર્યએ જણાવ્યું કે ગૃહમંત્રીના કાર્યક્રમની સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે.

અમિત શાહની સુરક્ષામાં પોલીસકર્મીઓની સાથે PAC અને RFના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સ્થળ, હેલીપેડ, રસ્તાઓની સુરક્ષા અને સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસકર્મીઓની ડ્યુટી લગાવવામાં આવી છે. આ સાથે તમામને આઈ-કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા સાદા ગણવેશમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ માટે આઝમગઢમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ અલગ-અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે. VVIP, VIP અને કોમન બ્લોક બનાવવામાં આવ્યા છે. કોમન બ્લોકમાં 36 બ્લોક પણ બનાવવામાં આવ્યા છે અને આ માટે પાંચ મોટા જર્મન હેંગર ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત સ્થળ પર બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. સ્થળ પર, અમિત સૌપ્રથમ સ્ટેજની પાછળ બનેલ પ્રદર્શન જગ્યાનું નિરીક્ષણ કરશે અને તેમાં યુનિવર્સિટીનું મોડેલ પ્રદર્શિત કરવામાં આવશે. આ પછી શાહ તેની બાજુમાં ભૂમિપૂજન કરશે અને ભૂમિપૂજન પછી અમિત શાહ સ્ટેજ પરથી બધાને સંબોધશે. જિલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.

પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ભારતીય સેનાનું ફાઈટર એરક્રાફ્ટ કરશે ગર્જના, PM મોદી કરશે ઉદ્ઘાટન

16 નવેમ્બરે PM નરેન્દ્ર મોદી C-130j સુપર હર્ક્યુલસથી ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે અને એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ઘાટન કરશે.ભારત તેના પડોશી દેશો ચીન અને પાકિસ્તાન સાથે ભવિષ્યમાં ટુ ફ્રંટ વોરની શક્યતાઓને કારણે તેની તૈયારીઓ પર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. સરકાર ભારતીય સેનાને નવા ફાઈટર, હથિયારો, એરબેઝ, હેલિપેડ અને અન્ય આધુનિક શસ્ત્રો અને સાધનો સાથે મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે. આ જ તર્જ પર ભારતીય વાયુસેનાના વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગ માટે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પણ એર સ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 નવેમ્બરે આવા જ એક એક્સપ્રેસ હાઈવે અને તેના પર બનેલી ઈમરજન્સી એર સ્ટ્રીપનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 16 નવેમ્બરે PM નરેન્દ્ર મોદી C-130j સુપર હર્ક્યુલસથી ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે અને એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ઘાટન કરશે. ખાસ વાત એ છે કે આ અવસર પર ભારતીય વાયુસેનાના વિમાન અદ્ભુત ઉડ્ડયન કૌશલ્ય રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમના લેન્ડિંગ બાદ મિરાજ 2000 તે હાઈવેની લેન્ડિંગ સ્ટ્રીપ પર ઉતરશે. C-130 J એરક્રાફ્ટ દ્વારા, ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડો અને સ્પેશિયલ ફોર્સના કમાન્ડો જૂથ નિવેશ કવાયત હાથ ધરશે.

આ દરમિયાન હવામાં લો લેવલ ફ્લાઈ કરીને સુખોઈ, જગુઆર અને મિરાજ તેમનું ઉડવાનું કૌશલ્ય બતાવશે. સૂર્ય કિરણ એરોબેટીક ટીમના ત્રણ એરક્રાફ્ટ ટ્રાઈ કલર પ્રેઝન્ટેશન સાથે બે સુખોઈ વિમાન આકાશમાં ઉડાન ભરતા જોવા મળશે. કાર્યક્રમ પૂરો થયા બાદ પીએમ તે એક્સપ્રેસ વે પરથી C-130 દ્વારા રવાના થશે. ઉત્તર પ્રદેશમાં આ ત્રીજી વખત હશે જ્યારે ભારતીય વાયુસેનાના વિમાન હાઇવે પર ઈમરજન્સી લેન્ડિંગ અને ટચડાઉનની કવાયત હાથ ધરશે.

વાલિયા: સ્કૂલ પાસે ગાડી મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ચપ્પુ વડે હુમલામાં સારવાર દરમિયાન પિતાનું મોત

વાલિયાના બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરાતા પિતાને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા. જ્યાં 7 દિવસની સારવાર બાદ સુરત ખાતે પિતાનું મોત નીપજતા વાલિયા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાલિયા બાંડાબેડા ગામે નિશાળ ફળિયામાં રહેતા 29 વર્ષીય કલ્પેશ ભારમલભાઇ વસાવા ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેમના ફળિયામાં જ રહેતા અનિલ કાલીદાસ વસાવા, રાજેશ ઉર્ફે બાબર રામસિંગભાઇ વસાવા અને નીતિન રમણભાઇ વસાવા ગત 3 નવેમ્બરે કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં તે લોકોએ ગઈકાલે તારા શેઠની ઇકો ગાડી સ્કૂલ પાસે કેમ મૂકી હતી એમ કહીને યુવક સાથે ઝઘડો કર્યો હતો.
જેમાં યુવાને ત્રણેયને અપશબ્દો બોલવાનું ના કહેતા તેઓ મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં તેમણે યુવકને ચપ્પુના બે ઘા ઉપરાછાપરી ઝીંકી દીધા હતા. જેમાં પુત્રને છોડાવવા પિતા ભારમલ વસાવા વચ્ચે પડતા ત્રણેય આરોપીએ તેમના ઉપર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ ભારમલ વસાવાને સુરત ખાતે દાખલ કરાયા હતા. જ્યાં તેમનું 7 દિવસની સારવાર બાદ મોત થતા વાલિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપીને ઝડપી પાડવા કવાયત હાથધરી છે.

ભરૂચ: VHP અને બજરંગદળ દ્વારા પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી કરાઈ ગોપાષ્ટમીની ઉજવણી

આજે ભરૂચ પાંજરાપોળ ખાતે VHP, બજરંગ દળ અને પાંજરાપોળ સાથે રહી ગોપાષ્ટમીની ઉજવણી કરી હતી.

યશોદાજીએ મહર્ષિ શાંડિલ્યજીને પૂછતાં તેમણે કૃષ્ણને ગોવાળિયા બનાવવાનું શુભમુહૂર્ત આપી કહ્યું કે કારતક સુદ આઠમનો દિવસ આ માટે ઉત્તમ છે. યશોદાજીએ આ દિવસે કાનાના ભાલે કુમકુમ તિલક કરી કોઇની નજર ન લાગે તે માટે મેંશનું ટપકું કરી ઓવારણાં લઈ અન્ય ગોવાળો સાથે ગાયો ચરાવવા વિદાય કર્યો. આ દિવસ તે ગોપાષ્ટમી…!!
સનાતન ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે ગાયના શરીરમાં 33 કરોડ દેવી-દેવતાઓ વસે છે. અને હિન્દુ સંસ્કૃતિ ગાયની સેવાને ઉત્તમ માને છે.આજરોજ ગોપાષ્ટમીના શુભદિવસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને પાંજરાપોળ સાથે રહી જે.બી મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરવામાં આવી હતી.
ભરૂચ પાંજરાપોળ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનો ગિરીશ શુક્લ,અજય વ્યાસ,વિરલ દેસાઈ,દુષ્યંત સોલંકી સહિત પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા સહિત કાર્યકરોના હસ્તે ગૌ પૂજા કરી ગોપાષ્ટમીની ઉજવણી કરી હતી.

ઝઘડીયાના સારસા ગામે ખેતરમાંથી ઝડપાયો ૬ ફુટ લાંબો અજગર

• ગામના ખેડૂતોએ સલામત રીતે પકડીને ઝઘડીયા વનવિભાગને સુપરત કર્યો

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામની સીમના ટેકરા વગામાં આવેલ એક ખેતરમાંથી ખેડૂતોને અજગર નજરે પડતા ખેડૂતો અને શ્રમિકોએ ભેગા મળી અજગરને સલામત રીતે ઝડપી ઝઘડીયા વનવિભાગને સુપરત કર્યો હતો.
આજરોજ ઝઘડીયા તાલુકાના સારસા ગામના દિનેશ કપ્તાન તેમજ કિરણ કપ્તાન નામના બે યુવાનો શ્રમિકો સાથે ખેતરમાં ખેતી વિષયક કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે ખેતરમાં એક અજગર ફરતો નજરે પડ્યો હતો. આ યુવાનોએ નજીકના ખેતરમાં હાજર ખેડૂત અને સામાજિક ક‍ાર્યકર હિરલ પટેલને ફોન કરી જાણ કરતા હિરલ પટેલે ત્યાં આવીને આ યુવાનોની અને શ્રમિકોની મદદથી અંદાજે છ ફુટ જેટલા લાંબા અજગરને રેસ્ક્યુ કરીને પકડી લીધો હતો.
આ ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓએ આ અજગરને ઝઘડીયા વનવિભાગને સોંપ્યો હતો વનવિભાગના જણાવ્યા મુજબ અજગર અંદાજે ૬ ફુટ લંબાઇનો અને ૧૦ કીલો વજનનો સ્વસ્થ અજગર હોવાનુ જણાવ્યું હતુ ઉલ્લેખનીય છેકે ઝઘડીયા પંથકમાં અજગર જેવા સરિસૃપ પ્રાણીઓ ઘણીવાર નજરે પડતા હોય છે વનવિભાગના જણાવ્યા મુજબ આ ઝડપાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા વન્ય વિસ્તારમાં સલામત સ્થળે છોડી દેવામાં આવશે.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

error: Content is protected !!