The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 225

ભરૂચ જિલ્લામાં ૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે સરપંચનો સંગ્રામ

•૪૮૩ ગ્રામ પંચાયતોની સામાન્ય તથા ખાલી પડેલ ૨૦ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી ૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે

રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તા.૦૧/૦૪/૨૦૨૦ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં મુદ્દત પૂર્ણ થતી ભરૂચ જિલ્લાની કુલ-૪૮૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલ વોર્ડ/સરપંચ બેઠકોની ૨૦ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.૧૯ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ યોજાશે.
ભરૂચ જિલ્લામાં કયા તાલુકામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં જંબુસર ૬૯, આમોદ ૪૪, વાગરા ૬૦, ભરૂચ ૭૭, અંકલેશ્વર ૪૩, હાંસોટ ૩૬, વાલીયા ૪૫, ઝઘડીયા ૭૪, નેત્રંગ ૩૫ મળી કુલ-૪૮૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.
તેની સાથે ૨૦ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. જેમાં આમોદ ૦૧, વાગરા ૦૧, ભરૂચ ૦૭, અંકલેશ્વર ૦૫, હાંસોટ ૦૪, ઝઘડીયા ૦૨ મળી કુલ-૨૦ ગ્રામ પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાશે. તેમ ભરૂચ કલેકટર કચેરીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાખા દ્વારા જણાવાયું છે.

ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ
1.ચૂંટણીની જાહેરાતની તારીખ – ૨૨-૧૧-૨૦૨૧
2.ચૂંટણીની નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તારીખ – ૨૯-૧૧-૨૦૨૧
3.ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ – ૦૪-૧૨-૨૦૨૧
4.ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ – ૦૬-૧૨-૨૦૨૧
5.ઉમેદવારી પરત ખેંચવાની તારીખ – ૦૭-૧૨-૨૦૨૧
6.મતદાનની તારીખ તથા સમય તારીખ – ૧૯-૧૨-૨૦૨૧ (રવિવાર) સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી
7.પુનઃ મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તારીખ – ૨૦-૧૨-૨૦૨૧
8.મતગણતરીની તારીખ – ૨૧-૧૨-૨૦૨૧
9.ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ – ૨૪-૧૨-૨૦૨૧

રાજ્પીપળાના ધારીખેડા ગ્રામ પંચાયતની મહિલા તલાટી લાંચ લેતા ઝડપાઇ

નાંદોદ તાલુકાનાં ધારીખેડા ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી મહિલા તલાટીએ માતા ના મૃત્યુ બાદ તેનું નામ મિલકત માંથી કમી કરવા માટે ફરિયાદી પાસે લાંચ પેટે રૂપિયા એક હજારની માંગણી કરતાં નર્મદા જીલ્લા ACB એ મહિલા તલાટીને રાજપીપળા મામલતદાર કચેરીમાં લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડી હતી.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સેજાના રેવન્યુ તલાટી વર્ગ-3 ને ગામના એક જાગૃત નાગરિકે પોતાના માતાજી મૃત્યુ થતા જમીનના 7/12 તથા 8-અ માંથી તેઓનું નામ કમી કરાવવા ગયા હતા. નામ કમી કરી આપવાના અવેજ પેટે મહિલા તલાટીએ પ્રથમ ₹1000 ની માંગણી કરી હતી. જે લાંચના રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ ACB નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
રાજપીપળા ACB પી.આઇ બી.ડી.રાઠવા અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કરતા આ તલાટી નિમિષા રાવતનો ફરિયાદીએ સંપર્ક કર્યો હતો. મહિલા તલાટીએ મામલતદાર કચેરી ખાતે હોવાનું જણાવતા ફરિયાદી ત્યાં પોહચતા રૂ.1000 ની લાંચની માંગણી પ્રમાણે રોકડ રકમ સ્વીકારતા ACB ના હાથે રેવન્યુ તલાટી નિમિષાબેન બળદેવભાઈ રાવત ઝડપાઇ ગયા હતા. મહિલા તલાટી વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હવે આગળની તાપસ વડોદરા ACBના મદદનીશ નિયામક એસ.એ. ગઢવી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલાજ મામલતદાર કચેરીમાં ભોઈતળિયે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી દિલીપ તરૈયા પણ ACBના છટકામાં રંગેહાથ ઝડપાયા હતા. ત્યારે આજે ફરી આ કચેરીમાં રેવન્યુ તલાટી પણ લાંચ લેતા ઝાડપાતા ટૂંકા સમયમાં એકજ કચેરીના અલગ અલગ વિભાગમાં ACB એ લાંચીયા કર્મચારીઓને પકડી ગુનો દાખલ કરતા સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.

વાલીયા તાલુકામાં ૯૧ રસીકરણ કેન્દ્રો ખાતે ૧૦૯૭૮ વેક્સીનેશનના ડોઝ અપાયા

•ખાસ ઝુંબેશમાં રસીકરણ કરાવનાર દરેક લાભાર્થીને પ્રોત્સાહન માટે “યુવા અનસ્ટોપેબલ સંસ્થા” ધ્વારા એક લિટર ખાધ તેલનું મફતમાં વિતરણ કરાયું

સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ કાર્યરત છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર તુષારભાઇ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં આજે કુલ ૯૧ રસીકરણ કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે વાલીયા તાલુકામાં આજે સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં ૧૦૯૭૮ વેક્સીનેશનના ડોઝ અપાઈ ગયા છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું.

આજરોજ વેક્સીનનો પ્રથમ તેમજ બીજો ડોઝ લેનાર વ્યક્તિને વિનામૂલ્યે ૧ લીટર ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ ધ્વારા વાલીયા તાલુકામાં ૯૧ જેટલાં વેક્સીનેશન સેન્ટરો ઉભા કરી વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોબાઈલ ટીમો ધ્વારા પણ વાલીયા તાલુકામાં વેક્સીનનો ડોઝ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ લેનારને વિનામૂલ્યે ૧ લીટર ખાદ્યતેલનું વિતરણ કરાયું હતું. ભરૂચ જિલ્લામાં ૯૭% લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અપાઈ ગયા હોવાનું પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

ભરૂચ: બી.એચ.મોદી. વિદ્યામંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા નિવૃત્ત શિક્ષકનું કરાયું સન્માન

માતા પિતા તો બાળકને માત્ર જન્મ જ આપે છે તેઓ પણ લાગણીના અતિરેકમાં ઘણીવાર બાળકનુ ઘડતર કરવામાં ઊણા ઉતરે છે, તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવાનુ કામ એક શિક્ષક જ કરી શકે છે. અનેક વિધાર્થીઓ ડૉક્ટર,વકીલ, ઈજનેર, વૈજ્ઞાનિક અને શિક્ષકો બન્યા છે. આ પરંપરાના આધારે ભરૂચની વર્ષો જૂની શાળા બી.એચ.મોદી.વિદ્યામંદિર, વેજલપુર ખાતે વયમર્યાદા કારણે નિવૃત્તિ લેતાં નિવૃત્ત શિક્ષકનું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક કાર્યક્રમ યોજી સમાજમાં શિક્ષકનું સ્થાન ઉચ્ચ સ્થાને રહે તેવા પ્રયત્ન કર્યા હતા.

આ શુભ અવસરે ટ્રસ્ટી મુળચંદ સર, આચાર્ય હરેન્દ્રસિંહ.એન.સિંધા, શિક્ષક કાજલમૅડમ, મનસુખ સર , મુખ્ય મહેમાન સિવિલ હોસ્પિટલના સ્ટાફ નસૅ સ્વેતા ગોહિલ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વતૅમાન વિધાર્થિઓએ હાજરી આપી ક્ષણને યાદગાર બનાવી હતી.આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાલ ઓઢાડી નિવૃત્ત શિક્ષકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટી દ્વારા શિક્ષણનું મહત્વ અને વિધાર્થી આગળ વધે તે મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરાઇ હતી. શાળાની જ વિદ્યાર્થીની અને સ્ટાફ નસૅ દ્વારા કોરોના મહામારીમા તેમજ શરીર ની કાળજી કેવી રીતે રાખવી, પૌષ્ટિક આહાર કેવો લેવો જોઈએ વિષે ચચૉ કરી હતી. સાથે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હીના પરમાર કે જે વકીલ હોવાની સાથે સખી વન સ્ટૉપ સેન્ટરમાં કેસવકૅરે તરીકે કાયૅરત છે. તેમણે આઝાદી અમૃત મહોત્સવ ના અંતગર્ત સખી વન સ્ટૉપ સેન્ટરની યોજના વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા કમૅચારીને સન્માન પત્ર આપી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરાઇ હતી.

ભરૂચ: કતોપોર બજારના1200 વેપારીઓ રસ્તાનો પ્રશ્ન ના ઉકેલાય તો કરશે ધરણાં

ભરૂચનું કતોપોર બજારની ગણના NRI માર્કેટ તરીકે થાય છે અને ખાસ કરી શિયાળા વેકેશનમાં વિદેશમાં રહેતા NRI પરત આવતા હોય લગ્નસરાની મોસમમાં પુરબહારમાં ખરીદારી ખીલી ઉઠે છે. એક વર્ષથી કોરોનાના કારણે વિદેશથી શિયાળાની લગ્નસરાની મોસમમાં NRI નું આગમન બંધ હતું. હવે NRI વતન આવી કતોપોર બજારમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે, ત્યારે ખરાબ રસ્તા ઉપર ઉભરાતી ગટરોના કારણે પગ મુકવાની જગ્યા જ ન હોય ગ્રાહકો સાથે વેપારીઓ બજારમાં આવતા પાછીપાની કરી રહ્યાં છે.

ભરૂચના સૌથી ધમધમતા કતોપોર બજારના વેપારીઓ સ્થાનિક સમસ્યાઓથી પરેશાન થઇ ઉઠ્યા છે. નગરપાલિકા તંત્ર દ્વારા તેઓની સમસ્યાનું નિરાકરણ ન લવાતા અંતે તેઓએ ૩ દિવસનું અલ્ટીમેટમ આપવાની ફરજ પડી છે. કતોપોર બજારમાં રોડ રસ્તા તેમજ ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિક વેપારીઓ પરેશાન થઇ ઉઠ્યા છે. અવારનવારની રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. હાલ સુધીમાં આ વેપારીઓ દ્વારા 61 જેટલા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. છતાં પરિણામ આવ્યું નથી.

થોડા દિવસ પૂર્વે જ વેપારીઓ દ્વારા નગરપાલિકા બહાર દેખાવો કરાતા મુખ્ય અધિકારીએ 22 તારીખ સુધીમાં સમસ્યાનો નિકાલ લાવવા બાંહેધરી આપી હતી. પરંતુ તેના બે દિવસ વીતી ગયા છતાં હાલ સુધી કોઈ નિરાકરણ ન આવતા આજે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને 3 દિવસનું અલ્ટીમેટમ આપવાની ફરજ પડી છે. જો 3 દિવસમાં ઉકેલ નહિ આવે તો 1200 વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ કરી મુખ્ય અધિકારી અને પ્રમુખની ઓફીસ બહાર ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જંબુસર: ગજેરા PHCના મેડિકલ ઓફિસરને ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાનું કહી કરાયું ચિટિંગ

જંબુસરના ગજેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને એક મહિલાએ SBI બેંકમાંથી બોલું છું કહી, ક્રેડિટ કાર્ડ અપડેટના નામે વિગતો તેમજ OTP મેળવી 3 વખત નાણાં ઉપાડી કરાયેલી ઓનલાઈન છેતરપિંડી અંગે તબીબે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા તરસાલી ખાતે રહેતા ડો.કમલેશસિંગ ભુનીલાલસિંગ રાજપુત જંબુસરના ગજેરા PHC ખાતે મેડીકલ ઓફીસર તરીકે 17 વર્ષથી ફરજ બજાવે છે. હાલ ગજેરા મેડીકલ ઓફીસર ક્વાટર્સ ખાતે રહેતા તબીબ SBIનું ક્રેડીટ કાર્ડ ધરાવતા હોય એક અજાણી મહીલાનો ફોન આવ્યો હતો. મહિલાએ હું SBI ક્રેડીટ કાર્ડ કંપનીમાંથી બોલુ છુ. તમારુ ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાનું છે, કહી ક્રેડીટ કાર્ડનો નંબર, એક્સ્પાયર્ડ ડેટ અને CVVની વિગતો મેળવી લીધી હતી.

આ તબીબના મોબાઈલ ઉપર આવેલા 3 OTP પણ મેળવી લઈ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાંથી 3 ટ્રાન્ઝેક્શનમાં ઓનલાઈન રૂપિયા 55 હજાર 152 સેરવી લઈ ફોન કટ કરી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. ડોક્ટરને પોતાની સાથે ઓનલાઈન ચિટિંગ થઈ હોવાની જાણ થતાં તેમણે જંબુસરના વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે તબીબની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

એક ભ્રષ્ટ શિક્ષક આખા સમાજને ભ્રષ્ટ બનાવી શકે છે…બ્લોગ બાય જગદીશ પરમાર,ભરૂચ

તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ શિક્ષકોને સંબોધિત કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ એક સવાલ શિક્ષકોને પૂછ્યો કે, તમારે નોકરી માટે કે બદલી માટે રૂપિયા આપવા પડે છે ? અને શિક્ષકો સામુહિક જવાબ આપે છે , હા…..

આ સંવાદ કે ઘટના ભલે ક્ષણ ભરના હોય પરંતુ તેમાં વર્તમાન ભારતની છબી સ્પષ્ટ થાય છે. શિક્ષણ એ એવું ક્ષેત્ર છે જ્યાં માનવીનું ઘડતર થાય છે. પુસ્તકના બે પૂંઠા વચ્ચેના સિલેબસ ઉપરાંત અહીં જન્મ અને મૃત્યુ વચ્ચેનું જીવન જીવવા માટે ધાર્મિક વિભાવનાઓ, માનવતાના મૂલ્યો, સત્ય, પ્રામાણિકતા અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણો પણ વ્યક્તિમાં જન્મે તે પ્રકારે ઘડતર કરવામાં આવે છે. શિક્ષકો થકી જ રાષ્ટ્રને સારા વિજ્ઞાનીઓ, સારા તબીબો, સારા એન્જીનિયરો, સારા અધિકારીઓ, સારા ઉદ્યોગપતિઓ, સારા વેપારીઓ, સારા નેતાઓ અને સારા નાગરિકો મળે છે. એક ભ્રષ્ટ શિક્ષક આખા સમાજને ભ્રષ્ટ બનાવી શકે છે.

રાજસ્થાનના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તો બધા જ શિક્ષકો ભ્રષ્ટાચારના માર્ગથી જ શિક્ષણ જગતમાં આવ્યા છે ત્યારે આ શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને ક્યાં પાઠ ભણાવશે ? કદાચ આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ઉભી થવાથી જ દેશમાં શિક્ષણ અવદશાના માર્ગે છે. આ સ્થિતિ માત્ર રાજસ્થાનની છે તેમ નથી. ગુજરાત પણ આ સ્થિતિથી બાકાત નથી. ગુજરાતના શિક્ષણ માટે અનેક સ્વાનુભવ અને ઘટનાઓ લખી શકાય તેમ છે. આપણે સિસ્ટમ સુધારવાની અને દેશભક્તિની વાતો કરતા કરતા સિસ્ટમ બગાડવાની અને ભ્રષ્ટાચાર ને પોષણ આપી દેશ વિરોધી કૃત્ય કરતા રહીએ છીએ. અને છતાં વારંવાર ભારત માતા કી જય તથા વંદે માતરમના નારા લગાવીએ છીએ.

શુ આ રીતે ભારત માતાની આરાધના થઈ શકે ? શુ આ માર્ગે ભારત પરમ વૈભવના શિખરે બિરાજશે ? શુ આપણો દેશપ્રેમ ભ્રષ્ટાચારથી રંગાયેલો રહેશે ? આવનારી પેઢીને આપણે કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ તે ચોક્કસ વિચારવું રહ્યું…

•જગદીશ પરમાર, મો: 94271 16916

કોમી એકતા સંદભે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઇ

આઝાદીકા અમૃત મહોત્સવ કાયક્રમ હેઠળ આજરોજ નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સંયુકત ઉપક્રમે કોમી એકતા અને કોમી સૌહાર્દ ઉજાગર કરવા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જે.એસ.એસનાં તાલીમાથી ભાઇ-બહેનોએ વિવિધ થીમ ઉપર પોતાની રંગોળી બનાવી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું આયોજન જે.એસ.એસનાં નિયામક ઝૈયનુલ આબેદ્દીન સૈયદ તથા નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રી સુબ્રોતો ઘોષનાં માગદર્શન હેઠળ યોજાયો હતો.

નિર્ણાયક તરીકે શ્રીમતિ ક્રિષ્ણા કઠોલીયા તથા આઇ.આઇ.પટેલે સેવાઓ આપી હતી. વિજેતા વિદ્યાર્થીઓને નહેરૂ યુવા કેન્દ્ર તરફથી ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાશે અંતમાં લાઇવલી હૂડ કો.ઓર્ડિનેટર શ્રીમતિ શિતલબેન ભરૂચાએ સૌનો આભાર વ્યકત કર્યા હતો.

આદિવાસી નેતાઓના નામે ભરૂચ MPએ ફોડ્યો વધુ એક લેટર બૉમ્બ

જૂની પદ્ધતિએ જાતિના દાખલા આપવાના નિર્ણયની તરફદારી કરનાર ગુજરાતના BJP ના 2 મંત્રીઓ અને 1 નેતા ઉપર ભરૂચ અને નર્મદાના ભાજપ સાંસદ મનસુખ વસાવા કોપાયમાન થવા સાથે નારાજગી વ્યક્ત કરતો વધુ એક લેટર બૉમ્બ ફોડ્યો છે.

ખાસ કરીને આદિવાસીઓને અપાતા ખોટા પ્રમાણપત્ર બાબતે MP મનસુખભાઈ લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. આ પ્રશ્ને તેમણે રાજીનામુ આપવા સુધીની ચીમકી પણ આપી હતી. રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગના મંત્રી નિમિષાબેનના જાતિ અંગેના ખોટા દાખલા અંગે સૌથી પહેલા મનસુખભાઇએ અવાજ ઉઠાવ્યો હતો.

હવે આજે વધુ એક ટિપ્પણી કરી મનસુખભાઈએ ધડાકો કર્યો છે. અને સોસીયલ મીડિયામા વાયરલ થયેલો આ લેટર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સાંસદ મનસુખ વસાવાએ જાતિ અંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણયની તરફેણ કરનારા 3 નેતા, મંત્રીઓ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવા, આદિજાતિ કલ્યાણ વિભાગના મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગનામંત્રી નિમિષાબેનને આડે હાથે લઈ ઝાટકણી કાઢી છે.

સાંસદે જણાવ્યું છે કે, આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવા, આદિજાતિકલ્યાણ વિભાગના મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગનામંત્રી નિમિષાબેને જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણય આદિવાસી સમાજને ભારે અન્યાય કરતો સાબિત થશે. દાખલા મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી, તે માટે નિયમો હળવા કરવાની જરૂર હતી. દાખલાઓ આપવા માટે કચેરીઓમાં વધુ સ્ટાફની નિમણૂક કરવાની જરૂર હતી. સરકારે લોકોને દ્વારે જે કાર્યક્રમો થયા, તેમાં લોકોને જાતિ અંગેના દાખલાઓ આપવા જોઈતા હતા.

ઉપરાંત નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આદિવાસી સમાજના તમામ સંગઠનોની સાથે બે થી ત્રણ તબક્કામાં મીટીંગો કરવાની જરૂર હતી. આવો ઉતાવળિયો નિર્ણય લીધો તે અયોગ્ય નિર્ણય છે. આ નિર્ણયથી ખોટા આદિવાસીઓ ગેલમાં આવી ગયા છે અને સાચા આદિવાસીઓ ઊંઘમાં છે. દરેક પક્ષના આદિવાસી નેતાઓ તથા આદિવાસી સંગઠનોને આદિવાસી યુવાનોની ભાવિ પેઢીની ચિંતા નથી તેવું મને દેખાય છે, તેથી જ બધા જ નેતાઓ ભારે ઘોર નિંદ્રામાં છે. તેથી હું ખોટા નિર્ણય કરનારાઓને પૂછવા માંગુ છું કે, પાછલા વર્ષોમાં લાખો ખોટા જાતિ અંગેના દાખલાઓ રદ નથી કરી શક્યા, ત્યાં આ નવા દાખલાઓ ખોટા આદિવાસીઓ ચૂંટણીના બહાને તથા શિક્ષણના બહાને લઈ જશે, તો એક વખત જાતિ અંગેના દાખલાઓ અપાઈ ગયા પછી તમે કઈ રીતે તે રદ્દ કરી શકશો.

ભરૂચ: એહમદ મુન્શી આઇ.ટી.આઇ.ભરૂચમાં સ્પોર્ટસ વિકનું કરાયું સમાપન

મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ.ભરૂચમાં સ્પોર્ટસ વિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ, વોલીબોલ તથા બહેનો માટે સંગીત ખુરસી તથા અન્યો રમતોનું અયોજન કરવામાં આવ્યું હતું.

અલગ અલગ રમતો માં પ્રથમ તથા બીજા ક્રમે આવનાર તાલીમાર્થીઓને આજ રોજ ઇનામ વિતરણ નો પ્રોગ્રામ સંસ્થાના ક્રિકેટ ગ્રાઉન્ડ માં રાખવામાં આવ્યો હતો.આ પ્રોગ્રામમાં ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ તથા કરોબારી સભ્યોમાં પ્રો.ઉસ્માન તથા સલીમભાઈ અમદાવાદી તથા નજીરભાઈ હિટર તેમજ તમામ આઇ.ટી.આઇ.સ્ટાફગણ હાજર રહ્યા હતા અને તેઓના હાથે ઇનામ વિતરણ કરી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. ટ્રસ્ટી દ્વારા સુંદર સ્પોર્ટસ વિકના આયોજન બદલ સ્ટાફગણ તથા તાલીમાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા.

error: Content is protected !!