જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા નજીક આવેલ ઠારની ખડકીમાં બે મકાનો ઘડાકાભેર મોડી સાંજે અચાનક ધરાશાયી થતાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે આ ઘટનામાં મકાનોનો સહિત માલસામાનને મોટુ નુકશાન થયું હતું પરંતું કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા નજીક આવેલ ઠારની ખડકીમાં મહાદેવ મંદિર સામે મકાન નંબર બી-૧૩,બી-૧૪ અને બી-૧૫ આવેલા છે. જેમાં એક મકાનમાં રહેતા નવીનભાઈ જાદવે પોતાનું નવું મકાન બાંધવા વર્ષો જૂના મકાનને ઉતરાવા કામગીરી છેલ્લા એક અઠવાડીયાથી શરૂ કરી હતી.આજે સાંજે પણ મજૂરો કામ પૂરૂ કરી ગયાના અડધો કલાક બાદ અચાનક ધડાકાભેર તેમના મકાનને અડીને આવેલ એક મકાનની છત અને બાજુના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.
આ ઘટનામાં બાજુમાં જ રહેતા જીગર અશોકભાઇ કાયસ્થના મકાનમાં તેમની માતા ભાવનાબેન,પત્ની હિના તથા પુત્રી નિત્યા ઘરમાં દબાયા હતા. અચાનક ધડાકાના પગલે આસપાસ્ના સ્થાનીકો દોડી આવ્યા હતા અને ઘરમાં ફસાયેલા ત્રણેવને હેમખેમ બહાર કાઢ્યા હતા.
ઘટની જાણ નગર પાલિકા ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ સહિત ૧૦૮ અને જી.ઇ.બીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિજપૂરવઠો કટ કર્યો હતો.ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા લોકટોળા એકત્રીત થયા હતા.ઘટનાના પગલે સ્થાનીક કોર્પોરેટર ચિરાગ ભટ્ટ અને માજી કોર્પોરેટર રાજેશ ચૌહાણ સહિતના ભાજપના અગેવાનો પણ દોડી આવ્યા હતા અને બચી ગયેલા ઘરના સભ્યોને સાંન્તવના પાઠવી હતી.