સ્ટેટ મોનિટરીંગની ટીમ દ્વારા સુરતના ઉધના પોલીસ ચોકીથી માત્ર 200 મીટર દૂર ચાલતા દારુના અડ્ડા પર દરોડો કરવામાં આવ્યો હતો અને ત્યારથી 1.10 લાખ રૂપિયાના દારુના મુદ્દામાલને કબ્જે કર્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં રામુ અને કાલુ નામના બુટલેગરો પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો અડ્ડો ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
સ્ટેટ મોનિટરીંગની ટીમને બાતમી મળી હતી કે, સુરતના ઉધના વિસ્તારમાં હેડગેવાર વાડમાં આવેલા પટેલ નગરમાં દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જેથી પોલીસ દ્વારા બાતમીના આધારે આ જગ્યા પર દરોડો કરવામાં આવ્યો હતો. પોલીસે અશોક રાજપત વિશ્વકર્માની ઓરડી પાસેથી વિદેશી દારુની 367 બોટલો, 58 બિયરના ટીન ઝડપી પાડ્યા હતા.
સાથે પોલીસે ઘટના સ્થળ પરથી દારૂનું વેચાણ કરનાર અશોક, સાગર બોન્ડારે અને કામટા મુન્નીલાલની ધરપકડ કરી હતી. ત્રણ આરોપીઓની સાથે પોલીસ દ્વારા ઘટના સ્થળ પરથી 67,870નો દારૂ અને 1935 રૂપિયા રોકડાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આરોપીના 4 મોબાઈલ અને તેનું મોપેડ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.