The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 223

ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉજવાયો સંવિધાન દિવસ

ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય આત્મારામ પરમારની અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી.

ભારતનું સંવિધાન વિશ્વનાં સંવિધાનોમાં સૌથી લાંબું સંવિધાન છે. સંવિધાન તે રાષ્ટ્રનો સર્વોચ્ચ કાનૂન છે. તે દ્વારા રાષ્ટ્રની રાજ્ય વ્યવસ્થા તેનું માળખું, સરકાર અને તેની સંસ્થાઓના અધિકારો અને ફરજો નિશ્ચિત કરવામાં આવે છે. સંવિધાન તે દેશનો મૂળભૂત રાજકીય કાનૂન છે. આપણું સંવિધાન વિવિધ દેશોનાં સંવિધાનોનો ગહન અને તલસ્પર્શી અભ્યાસ કરી તેનાં ‘શ્રેષ્ઠ પાસા’ઓ પસંદ કરી રચવામાં આવ્યું છે.

ડૉ.બી.આર. આંબેડકરે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 26 નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર સૌપ્રથમ કાયદો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે 1930માં કોંગ્રેસ લાહોર કોન્ફરન્સમાં પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા પસાર કરવામાં આવી હતી, આ ઘટનાની યાદમાં, કાયદો દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારબાદ, 19 નવેમ્બર 2015 ના રોજ સામાજિક ન્યાય મંત્રાલયે ભારત સરકાર દ્વારા તેને મંજૂરી આપી હતી. 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. લોકોમાં બંધારણ વિશે જાગૃતિ આવે અને બંધારણીય મૂલ્યોનો પ્રચાર અને પ્રચાર થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંવિધાન દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહજી પરમાર, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહજી અટોદરિયા, જિલ્લાના આગેવાનો અને મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા.

મંત્રી નરેશ પટેલે કહ્યું મનસુખ વસાવાની ચિંતા બાબતે અમે મક્કમ છીએ

ગુજરાત સરકારે આદિવાસીઓને જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો નિર્ણય કરતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ નિર્ણયનો ખુલ્લે આમ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આદિવાસી સમાજના તમામ સંગઠનોની સાથે બે થી ત્રણ તબક્કામાં મીટીંગો કરવાની જરૂર હતી. આવો ઉતાવળિયો નિર્ણય લીધો તે અયોગ્ય નિર્ણય છે.

જેની સામે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે અમે તમામ આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો, આદિવાસી સંગઠનો અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી તમામને વિશ્વાસમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી આ નિર્ણય કર્યો છે, અમારો આ નિર્ણય યોગ્ય જ છે.મનસુખ વસાવા કદાચ એ દિવસે બહાર હશે એટલે એ બેઠકમાં હાજર નહિ રહી શક્યા હોય એ બની શકે.

મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે મનસુખ વસાવાની ચિંતા સાચી છે, એ અમારા વડીલ છે, ઘણી વાર એ પણ અમને સલાહ સુચન આપે છે.એમને એવી ચિંતા છે કે જો ખોટો દરવાજો ખોલી આપીએ તો લોકો ખોટા દાખલાઓ પણ લઈ જાય.મનસુખ વસાવાની ચિંતા બાબતે અમે મક્કમ છીએ આવનારા દિવસોમાં એ બાબતે પૂરેપૂરું ધ્યાન આપીશું.

સરકારનો આ નિર્ણય જ્યાં સુધી કોઈ નવો હુકમ ન થાય ત્યાં સુધી ફક્ત ગુજરાતની ગ્રામ પંચાયતોની ચુટણી પૂરતો જ છે.નોકરી માટે તો ઉમેદવારોએ વિશ્લેષણ સમિતિ સુધી જવું જ પડશે, એમા કોઈ સરળીકરણ કરાયું નથી.ચૂંટણી પૂરતો નિર્ણય લેવાનું કારણ એટલું જ કે 5888 ગ્રામ પંચાયતો આદિવાસી વિસ્તારમાં આવે છે, એટલે એમાં ઓછામાં ઓછા 50 થી 60 હજાર ઉમેદવારો થાય તો વિશ્લેષણ સમિતિ એટલા લોકોને સમય પર જાતિના દાખલા આપી જ ન શકે, એવા સંજોગોમાં ચૂંટણી થવી એ શક્ય જ નથી.

જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં વિવાદ છે એવા વિસ્તારમાં તો હજુ પણ આદિજાતિના દાખલાઓ આપવાની કામગીરી બંધ જ છે.સરકારે આ નિર્ણય બાદ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે જેમાં સ્પષ્ટ લખ્યુ છે કે જ્યાં સુધી બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ નિર્ણય ફક્ત ગ્રામ પંચાયતોની ચુંટણી પૂરતો અને ધોરણ-10 પછી આગળ અભ્યાસ માટે જરૂરી આદિજાતિના દાખલાઓ મેળવવા માટે જ છે.

•વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન,રાજપીપળા

ભરૂચ: પડોશી સાથેની નજીવી તકરારે બહારની ઉંડાઇમાં મહિલાએ ફાંસો ખાઇ કરી આત્મહત્યા

જૂના ભરૂચના બહારની ઉંડાઇ વિસ્તારમાં પડોશી સાથેની બોલાચાલીમાં માઠં લગાડી બે સંતાનોની માતાએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચીજવા પામી છે.

જૂના ભરૂચના બહારની ઉંડાઇ ખારવાવાડની મસ્જીદની બાજુમા રહેતા મહંમદ હુસૈન ગુલાબ મહંમદ શેખ પોતાની મારી પત્ની તથા બે સંતાનો સાથે રહેતા હતા. દરમિયાન તેમની પત્ની સકીનાબાનું ને પડોશમાં રહેતા આસિફાબાનુ સાથે ગટરના પાણી બાબતે બોલાચાલી થતા આ બાબતે લાગી આવતાં પોતાની જાતે જ તેમના ઘરના રસોડાનાં ભાગે ગળે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની જાહેરાત પતિ મહંમદ હુસૈન શેખે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આપતા જ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાસને પી.એમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે મૃતકનો લગન ગાળો પાંચ વર્ષનો હોય તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પેનલ પી.એમ કરાવવા પણ કવાયત હાથધરી હોવાની માહીતી સાંપડી રહી છે.

ભરૂચ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે આવ્યો ડોગ,1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવા થકી બચ્યો જીવ

•કોલ મળતા જ પ્રાણી બચાવ એમ્બ્યુલન્સમાં પાઇલોટ સાથે તબીબ પહોંચી

•ગંભીર રીતે ઘવાયેલા શ્વાનને ભરૂચ રેલવે સ્ટેશને જ આપાઇ સારવાર

ભરૂચમાં કાર્યરત 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવાને એક કેસ મળ્યો હતો. જેમાં ટ્રેન અડફેટે ગંભીર ઇજાગ્રસ્ત ડોગનો જીવ રેલવે સ્ટેશન પર જ સારવાર આપી બચાવી લેવાયો હતો.

ભરૂચ રેલવે સ્ટેશને એક ડોગ ટ્રેનની અડફેટે આવતા ગંભીર ઇજા પહોંચી હતી. સ્ટેશન ઉપર હાજર મહિલા પ્રવાસી સંગીતાબેન નામની વ્યક્તિએ તુરંત અબોલનો જીવ બચાવવા 1962 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. જોતજોતામાં સાયરન સાથે પ્લેટફોર્મ ઉપર એનિમલ એમ્બ્યુલન્સ સાથે પાયલોટ અને ડોકટર આવી ગયા હતા. સાથે જ સ્ટેશન ઉપર રેલવે પ્રોટેકશન ફોર્સ અને રેલવે પોલીસ પણ હાજર હતી.

સ્ટેશન ઉપર મુસાફરોની ભીડ વચ્ચે ટ્રેન અડફેટે ઇજા પામેલા ડોગને ટ્રેક પરથી ઉઠાવી પ્લેટફોર્મ ઉપર લવાયો હતો. તરત જ એમ્બ્યુલન્સના ડોક્ટર નીરવ તથા પાઇલોટ હિંમતસિંહ ત્યાં પહોંચી ડોગ ને સમયસર સારવાર આપી તેનો જીવ બચાવી લીધો હતો. અબોલા જીવને બચાવવાની આ કામગીરીની ત્યાં હાજર સૌ કોઈએ સરાહના કરી હતી.

મુંબઈ આતંકી હુમલાને 13 વર્ષ પૂરાં : ભારતીયોએ 26/11 હુમલાના મૃતકોને કર્યા યાદ

•આ હુમલામાં 6 યહુદીના પણ થયા હતા મોત

મુંબઈ આતંકી હુમલાને 13 વર્ષ પૂરાં થયા છતા દુઃખ સમગ્ર વિશ્વ આ ઘટનાને હજુ ભુલી શકતો નથી. 26/11ની એ કાળરાત્રિએ અનેક લોકોના ઘરોમાં અંધકાર ફેલાવી દીધો. માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશમાંથી ભારત પ્રવાસે આવેલા કેટલાક લોકોએ પણ 26/11ના આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હુમલાઓમાં માર્યા ગયેલા લોકોમાં છ યહૂદીઓ પણ સામેલ હતા. ત્યારે હુમલામાં લશ્કર-એ-તૈયબા દ્વારા માર્યા ગયેલા લોકોને ઈઝરાયેલમાં ભારતીયો યાદ કરે છે.

ઇઝરાયેલમાં મોટા પ્રમાણમાં ભારતીય સમુદાય પણ વસવાટ કરે છે. ત્યારે 2008ના 26/11ના મુંબઈ હુમલામાં લશ્કર-એ-તૈયબા દ્વારા માર્યા ગયેલા લોકોને ઈઝરાયેલમાં ભારતીયોએ યાદ કર્યા. મુંબઈ હુમલામાં લશ્કર-એ-તૈયબા દ્વારા ઇઝરાયેલના 6 યહુદી પણ માર્યા ગયા હતા.

ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય યહૂદી સમુદાયના સભ્યો અને ઇઝરાયેલમાં રહેતા અને કામ કરતા ભારતીયોએ 26/11ના હુમલાની પૂર્વસંધ્યાએ એટલે કે ગુરુવારે ઇઝરાયેલની તમામ મુખ્ય સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઇઝરાયેલમાં યોજાયેલા કાર્યક્રમમાં કેટલાક સહભાગીઓએ મુંબઈ હુમલામાં ભારતીય સૈનિકોના સાહસિક પ્રયાસોને પણ યાદ કર્યા હતા અને હુમલાખોરોના નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પરના કાયરતાપૂર્ણ કૃત્યને વખોડી કાઢ્યો હતો.

અંકલેશ્વર: કેસા કલર કેમ કંપની ગેરકાયદેસર પ્રદુષિત પાણીનું નિકાલ કરતી ઝડપાઇ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં ગેરકાયદેસર રીતે પ્રદુષિત પાણીનું નિકાલ કરી રહી હતી. જેને એનસીટીની મોનિટરિંગ ટીમે ઝડપી પાડીને જીપીસીબીને જાણ કરી હતી.

ગુરૂવારે રાતે અંકલેશ્વર એનસીટીની ટીમ દ્વારા અમલાખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર-7517 પર આવેલી કેસા કલર કેમ કંપનીમાંથી બારોબાર પ્રદુષિત પાણી ખાડીમાં આવી રહ્યું હોવાનું મોનિટરિંગ ટીમે ઝડપી પાડ્યું હતું. તેમજ ટીમે આ અંગે જીપીસીબીની કચેરી ખાતે પણ જાણ કરી હતી. જીપીસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તેમણે સેમ્પલ લઈ ગાંધીનગર વડી કચેરીએ મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વરમાં દિવ્યાંગને કૃત્રિમ પગ મળતાં જ તે મનમૂકીને નાચ્યો

•અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ 3 દિવસીય દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરાયું

•અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ થયાં ભાવુક

ભરૂચના અંકલેશ્વરમાં સરદાર પટેલ હોસ્પિટલ ખાતે અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ 3 દિવસીય દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પહેલા દિવસે જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં એક દિવ્યાંગને જયપુરના તબીબે કૃત્રિમ પગ લગાવતાં જ તે ઉભો થઇને ખુશીથી નાચવા લાગ્યો હતો.

આ દિવ્યાંગ કે અકસ્માતમાં જેનો એક પગ જતો રહ્યો હોય તેવી વ્યક્તિને અચાનક પગ મળી જાય તો એના હરખની કલ્પના જ કરવી અશક્ય છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે મરહુમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ આયોજિત 3 દિવસીય દિવ્યાંગ સાધન સહાય કેમ્પના પહેલા દિવસે જોવા મળ્યા હતા. જ્યાં એક દિવ્યાંગને જયપુરના તબીબે કૃત્રિમ પગ લગાવતાં જ તે ઉપસ્થિત મહાનુભવોની વચ્ચે ઉભો થઇ મનમૂકીને ડાન્સ કરવા લાગ્યો હતો.

દિવ્યાંગને ખુશીથી નાચવાના દ્રશ્યો જોઈ અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ પણ ગદગદિત થઈ ગયાં હતાં. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગી આગેવાનો, નિષ્ણાત તબીબોની ટીમ અને અન્ય દિવ્યાંગ દર્દીઓ વચ્ચે કૃત્રિમ પગ મળતા જ યુવાને ડાન્સ કરી વ્યક્ત કરેલી ખુશીથી ઉપસ્થિત સૌના ચહેરા ઉપર પણ આનંદ છવાઈ ગયો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં કોવિડ-૧૯ની રસીકરણની મહાઝુંબેશ

• કુલ ૧૧૩ રસીકરણ કેન્દ્રો ખાતે સાંજે ૦૪:૦૦ કલાક સુધીમાં ૧૫૯૪૦
વેક્સીનેશનના ડોઝ અપાયા

સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ કાર્યરત છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર તુષારભાઇ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજે કુલ ૧૧૩ રસીકરણ કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે ઝઘડીયા તાલુકામાં આજે સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં ૧૫૯૪૦ વેક્સીનેશનના ડોઝ અપાઈ ગયા છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું.

181 મહિલા હેલ્પલાઇન દ્વારા ભરૂચ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 25 નવેમ્બર ને મહિલાઓ સામેની હિંસા નાબૂદી દિવસ જાહેર કરવામાં આવેલ છે. અભયમ 181 મહિલા હેલ્પલાઇન ભરૂચ દ્વારા એમ. કે. કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ મા કોલેજ ની વિદ્યાર્થીનીઓ માટે જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અભયમ રિસ્ક યુ ટીમ ભરૂચ દ્વારા વિદ્યાર્થીનીઓ ને મહિલાઓ ઉપર થતી શારીરિક, માનસિક, જાતીય અને ઘરેલુ હિંસા સહિત થી વાકેફ કરી તેના સામે કેવી રીતે બચી સકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કોઈપણ પ્રકારની હિંસા, કામના સ્થળે જાતીય સતામણી, બિન જરૂરી ટેલીફોનીક કોલ મેસેજ થી હેરાનગતિ, છેડતી કે અન્ય પ્રકાર ની હેરાનગતિ મા વિના મૂલ્યે ચોવીસ કલાક કાર્યરત 181 મહિલા હેલ્પલાઇન નો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અભયમ મોબાઈલ એપ્લિકેશન નો પોતાના સ્માર્ટ મોબાઈલ મા ડાઉનલોડ કરી મુશ્કેલી ના સમયે અભયમ સેવાઓ ઝડપી મેળવી સકાય છે તે બાબત ની જાણકારી પણ આપવામાં આવી હતી.

કોંગ્રેસના ટ્રબલશૂટર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલને અર્પાયા શ્રધ્ધાસુમન

પ્રથમ પુણ્યતિથિએ માદરે વતન અંકલેશ્વર અને પીરામણ ગામે પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થના સભા, દિવ્યાંગ સહાય કેમ્પ થકી જનનાયકને શ્રધ્ધાસુમન અર્પવામાં આવ્યા હતા.
• મરહુમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ જનસેવા એ જ પિતાને સાચી અંજલિ : મુમતાઝ પટેલ

કોંગ્રેસના ટ્રબલશૂટર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલની ગુરૂવારે પ્રથમ પુણ્યતિથિએ માદરે વતન અંકલેશ્વર અને પીરામણ ગામે પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થના સભા, દિવ્યાંગ સહાય કેમ્પ થકી જનનાયકને શ્રધ્ધાસુમન અર્પવામાં આવ્યા હતા.

કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રાજ્યના દિગ્ગજ નેતાઓ તેમના ગામ ખાતે આવી પહોંચ્યા હતા.મરહુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સર્વધર્મના લોકોની પ્રાર્થના અને દુઆને જ પિતાને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી હતી. જન નાયક આજે પણ જનજનમાં જીવંત હોય અને તેમના જનસેવાના કાર્યક્રમોને આગળ ધપાવવા તેને જ સાચી અંજલિ કહી હતી.

પિરામણ ગામ ખાતે રાજસ્થાનના CM અશોક ગેહલોટ, અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, મૌલીન વૈષ્ણવ, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા, સહિતના ભરૂચ જિલ્લાના કોંગી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

અહેમદ પટેલની કબર પર ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તમામ મહાનુભાવોએ પીરામણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે મર્હુમ અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝ પટેલની હાજરીમાં સર્વ ધર્મના ધર્મગુરૂઓએ પ્રાર્થના કરી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે મહાનુભવોએ ત્રિદિવસીય દિવ્યાંગ સહાય કેમ્પનો આરંભ કરાવ્યો હતો.

error: Content is protected !!