ગુજરાત સરકારે આદિવાસીઓને જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો નિર્ણય કરતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ નિર્ણયનો ખુલ્લે આમ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આદિવાસી સમાજના તમામ સંગઠનોની સાથે બે થી ત્રણ તબક્કામાં મીટીંગો કરવાની જરૂર હતી. આવો ઉતાવળિયો નિર્ણય લીધો તે અયોગ્ય નિર્ણય છે.
જેની સામે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે અમે તમામ આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો, આદિવાસી સંગઠનો અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી તમામને વિશ્વાસમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી આ નિર્ણય કર્યો છે, અમારો આ નિર્ણય યોગ્ય જ છે.મનસુખ વસાવા કદાચ એ દિવસે બહાર હશે એટલે એ બેઠકમાં હાજર નહિ રહી શક્યા હોય એ બની શકે.
મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે મનસુખ વસાવાની ચિંતા સાચી છે, એ અમારા વડીલ છે, ઘણી વાર એ પણ અમને સલાહ સુચન આપે છે.એમને એવી ચિંતા છે કે જો ખોટો દરવાજો ખોલી આપીએ તો લોકો ખોટા દાખલાઓ પણ લઈ જાય.મનસુખ વસાવાની ચિંતા બાબતે અમે મક્કમ છીએ આવનારા દિવસોમાં એ બાબતે પૂરેપૂરું ધ્યાન આપીશું.
સરકારનો આ નિર્ણય જ્યાં સુધી કોઈ નવો હુકમ ન થાય ત્યાં સુધી ફક્ત ગુજરાતની ગ્રામ પંચાયતોની ચુટણી પૂરતો જ છે.નોકરી માટે તો ઉમેદવારોએ વિશ્લેષણ સમિતિ સુધી જવું જ પડશે, એમા કોઈ સરળીકરણ કરાયું નથી.ચૂંટણી પૂરતો નિર્ણય લેવાનું કારણ એટલું જ કે 5888 ગ્રામ પંચાયતો આદિવાસી વિસ્તારમાં આવે છે, એટલે એમાં ઓછામાં ઓછા 50 થી 60 હજાર ઉમેદવારો થાય તો વિશ્લેષણ સમિતિ એટલા લોકોને સમય પર જાતિના દાખલા આપી જ ન શકે, એવા સંજોગોમાં ચૂંટણી થવી એ શક્ય જ નથી.
જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં વિવાદ છે એવા વિસ્તારમાં તો હજુ પણ આદિજાતિના દાખલાઓ આપવાની કામગીરી બંધ જ છે.સરકારે આ નિર્ણય બાદ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે જેમાં સ્પષ્ટ લખ્યુ છે કે જ્યાં સુધી બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ નિર્ણય ફક્ત ગ્રામ પંચાયતોની ચુંટણી પૂરતો અને ધોરણ-10 પછી આગળ અભ્યાસ માટે જરૂરી આદિજાતિના દાખલાઓ મેળવવા માટે જ છે.
•વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન,રાજપીપળા