પ્રથમ પુણ્યતિથિએ માદરે વતન અંકલેશ્વર અને પીરામણ ગામે પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થના સભા, દિવ્યાંગ સહાય કેમ્પ થકી જનનાયકને શ્રધ્ધાસુમન અર્પવામાં આવ્યા હતા.
• મરહુમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ જનસેવા એ જ પિતાને સાચી અંજલિ : મુમતાઝ પટેલ
કોંગ્રેસના ટ્રબલશૂટર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલની ગુરૂવારે પ્રથમ પુણ્યતિથિએ માદરે વતન અંકલેશ્વર અને પીરામણ ગામે પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થના સભા, દિવ્યાંગ સહાય કેમ્પ થકી જનનાયકને શ્રધ્ધાસુમન અર્પવામાં આવ્યા હતા.
કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રાજ્યના દિગ્ગજ નેતાઓ તેમના ગામ ખાતે આવી પહોંચ્યા હતા.મરહુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સર્વધર્મના લોકોની પ્રાર્થના અને દુઆને જ પિતાને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી હતી. જન નાયક આજે પણ જનજનમાં જીવંત હોય અને તેમના જનસેવાના કાર્યક્રમોને આગળ ધપાવવા તેને જ સાચી અંજલિ કહી હતી.
પિરામણ ગામ ખાતે રાજસ્થાનના CM અશોક ગેહલોટ, અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, મૌલીન વૈષ્ણવ, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા, સહિતના ભરૂચ જિલ્લાના કોંગી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
અહેમદ પટેલની કબર પર ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તમામ મહાનુભાવોએ પીરામણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે મર્હુમ અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝ પટેલની હાજરીમાં સર્વ ધર્મના ધર્મગુરૂઓએ પ્રાર્થના કરી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે મહાનુભવોએ ત્રિદિવસીય દિવ્યાંગ સહાય કેમ્પનો આરંભ કરાવ્યો હતો.