•અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ 3 દિવસીય દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરાયું
•અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ થયાં ભાવુક
ભરૂચના અંકલેશ્વરમાં સરદાર પટેલ હોસ્પિટલ ખાતે અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ 3 દિવસીય દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પહેલા દિવસે જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં એક દિવ્યાંગને જયપુરના તબીબે કૃત્રિમ પગ લગાવતાં જ તે ઉભો થઇને ખુશીથી નાચવા લાગ્યો હતો.
આ દિવ્યાંગ કે અકસ્માતમાં જેનો એક પગ જતો રહ્યો હોય તેવી વ્યક્તિને અચાનક પગ મળી જાય તો એના હરખની કલ્પના જ કરવી અશક્ય છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે મરહુમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ આયોજિત 3 દિવસીય દિવ્યાંગ સાધન સહાય કેમ્પના પહેલા દિવસે જોવા મળ્યા હતા. જ્યાં એક દિવ્યાંગને જયપુરના તબીબે કૃત્રિમ પગ લગાવતાં જ તે ઉપસ્થિત મહાનુભવોની વચ્ચે ઉભો થઇ મનમૂકીને ડાન્સ કરવા લાગ્યો હતો.
દિવ્યાંગને ખુશીથી નાચવાના દ્રશ્યો જોઈ અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ પણ ગદગદિત થઈ ગયાં હતાં. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગી આગેવાનો, નિષ્ણાત તબીબોની ટીમ અને અન્ય દિવ્યાંગ દર્દીઓ વચ્ચે કૃત્રિમ પગ મળતા જ યુવાને ડાન્સ કરી વ્યક્ત કરેલી ખુશીથી ઉપસ્થિત સૌના ચહેરા ઉપર પણ આનંદ છવાઈ ગયો હતો.