The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 181

ભરૂચ: ભાડભુત બેરેજ પ્રોજેકટમાં રેતી ઉલેચતા દિલીપ બિલ્ડકોનના ૧૫ ટ્રકો અને બે હિટાચી મશીન પકડાયા

  • રૂ.૪ હજાર કરોડ ઉપરાંતનો પ્રોજેકટ જેણે હસ્તગત કર્યો છે એ જ કંપની નર્મદા નદીમાંથી રાતે હજારો ટન રેતી ઉલેચતા સમસ્ત ભરૂચ જિલ્લા માછી સમાજે ઝડપી
  • ગુજરાત સરકાર, સચિવ, GPCB, કલેકટર, CRZ માં EMaIi દ્વારા ફરિયાદ

ભરૂચ જિલ્લા માટે અતિ મહત્વની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ભાડભુત બેરેજ યોજનાનો રૂ. ૪ હજાર કરોડ ઉપરાંતનો કોન્ટ્રાકટ જે દિલીપ બિલ્ડકોન કંપનીએ હસ્તગત કર્યો છે તે જ નર્મદા નદીમાંથી ગેરકાયદે હજારો ટન રેતી ઉલેચતી હોવાનું સામે આવ્યું છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછી સમજે રાતના અંધારામાં કોન્ટેકટ કંપનીની રેતી ભરેલી ૧૫ ટ્રકો અને બે હિટાચી મશીન ઝડપી પાડ્યા હતા. જેનો રિપોર્ટ ઇમેઇલ દ્વારા કલેક્ટરથી લઈ સરકાર અને લાગતા વળગતા તંત્રને કરવામાં આવ્યો છે.

ભાડભુત બેરેજ યોજનાનો રૂ.૪ કરોડથી વધુનો કોન્ટ્રાક્ટર ઓક્ટોબર ૨૦૨૦ માં જ દિલીપ બિલ્ડકોનને અપાયો હતો. જેની કામગીરી જોરશોરમાં હાલ ચાલી રહી છે. કોન્ટ્રાક્ટની ટ્રકો રાત્રી દરમિયાન ગેરકાયદેસર રેતી કૌભાંડ  આચરતી હોવાની ફરિયાદ સાથે હકીકત બહાર આવી છે. ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજના લોકોએ હજારો ટન ગેરકાયદેસર નર્મદા નદીમાંથી રેતી વહન કરતી ૧૫ ટ્રકો અને બે ખોદકામ કરતા હિટાચી મશીનોને અટકાવ્યા હતા. પાસ પરમીટ વગર ઓવરલોડ રેતી ભરીને ટ્રકો જતી હતી. રેતી ખનન બાબતે ખાણ ખનીજ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી.

માછી સમાજે પુરાવા સાથે કલેકટર અને રાજ્ય સરકારને E-mail મારફતે કરેલી ફરિયાદ મુજબ રાત્રી દરમિયાન દિલીપ બિલ્ડકોન ભાડભૂત ડેમ-બેરેજ બનાવા માટે રાત્રીના અંધારાનો લાભ મેળવી લાખો ટન રેતી નર્મદા નદીની અંદર રસ્તો બનાવી ચોરી કરતા હોવાની જાણ માછી સમાજના લોકોને થઈ હતી. સમાજના અગ્રણીઓ દ્વારા સ્થળ પર જઈ તમામ ટ્રકોને અટકાવી કાયદાનું ઉલ્લંઘન કરતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી.

માછી સમાજ દ્વારા ટ્રકોના ચાલકો પાસે રોયલ્ટી પાસ માંગણી કરતા તેઓ પાસે કોઈ પણ પ્રકારના કાગળો ન હતા ,જેથી 15 ટ્રકો અને 2 હિટાચી મશીન નંબર વગરના હોય તેઓ દ્વારા મોટી માત્રામાં નદીમાંથી રેતી ખોડી ચોરી કરતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ નજરે પડ્યું હતું..આ તમામ ટ્રકો તેની વહન કરવાની ક્ષમતા કરતા ઓવરલોડ રેતી ભરીને બેફામ રેતી ચોરી વહન કરતી હોય કુકરવાડા રોડથી ભાડભૂતથી કાસવા-સમની સુધીના રોડ પર રેતી જોવા મળી રહી છે.

નદીમાં મોટા મોટા ખાડા કરી દીધેલા છે અને રેતી કાઢી રહેલા છે, તે બધા ખાડામાં તળાવ જેવું મોટી માત્રામાં પાણી ભરાવાથી લોકો તેમાં ડૂબી જવાની દહેશત પણ વ્યક્ત કરાઈ રહી છે. વેજલપુર, ભરૂચના સેંકડો માછીમારો જે નદીની ખાડી મારફતે પોતાની બોટો, હોડીઓથી અવર જવર કરે છે. તે ખાડી ને પુરાણ કરી દઈને માછીમારોની બોટો, હોડીઓ નો અવર જવર નો માર્ગ બંધ કરી દીધો છે.

આ ખાનગી કંપની જે નર્મદા નદીના વિસ્તારમાંથી રેતી કાઢી રહેલા છે તે CRZ થી પ્રતિબંધિત વિસ્તાર હોય, CRZ ના કાયદાનું પણ ઉલ્લંઘન થઈ રહેલું છે. કંપની દ્વારા લાખો ટન રેતી ચોરી કરીને સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરીને સરકારને કરોડોનું નુકશાન કરાઈ રહ્યું હોવાની રાવ સાથે ફરિયાદ કરાઈ છે. માછી સમાજે ટ્રકોને પકડી ફરિયાદ કરી તાત્કાલીક દિલીપ બિલ્ડકોન ના જવાબદાર માલિક પાસેથી સરકારી નુક્શાનીની વસુલાત અને બનાવમાં સંડોવાયેલા તમામ વાહનો જપ્ત કરવા અને સખતમાં સખત પગલાં લેવાની માંગ સાથે ઉચ્ચ સ્તર સુધી રજુઆત કરાઈ છે.

આમોદ:કોઠી – વાતરસામાં હજરત સૈયદ ઇસા પીરની સંદલ શરીફની વિધિ સંપન્ન

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ગામમાંથી સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ ઝુલુસ સ્વરૂપે નીકળ્યું હતું. ગામમાંથી પ્રસ્થાન થયેલું ઝુલુસ હજરત ઇસા પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું.

દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સૈયદ અહમદ અલી ઉર્ફે પાટણવાળા બાવા સાહેબ તેમજ સ્થાનિક આલીમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી.

ભરૂચ : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થવા મામલે યુથ કૉંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ

  • પ્લેકાર્ડ અને પૂતળા દહન કરી વિરોધ નોંધાવાયો

ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે યુવા બેરોજગારી અને બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાના મુદ્દે પ્લેકાર્ડ અને પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા 13મીએ ફેબ્રુઆરી અને રવિવારના યોજવાની હતી. પરંતુ કોઈ કારણોસર આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે યૂથ કોંગ્રેસ લાલધૂમ બન્યું છે અને ગૌણ સેવા પસંદગી મંડળના અણઘડ વહીવટને કારણે દર વખતે રદ્દ કરવામાં આવતી પરીક્ષાને પગલે યુવાનો નિરાશ થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે યુવા બેરોજગારી અને બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયનો વિરોધ કરવા સાથે પ્લેકાર્ડ અને પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

પોલીસે પૂતળા દહન કરી પ્રદર્શન કરતાં ચાર જેટલા યૂથ કોંગ્રેસનાં આગેવાનોની અટકાયત કરી હતી આ વિરોધ પ્રદર્શનમાં યૂથ કોંગ્રેસના પ્રમુખ સકિલ અકુજી,પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ અને અંકલેશ્વર-હાંસોટ યૂથ કોંગ્રેસના પ્રમુખ શરિફ કાનુગા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લાના ઇતિહાસનો પહેલો કિસ્સો બોગસ તબીબ ધકેલાયો પાસામાં

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબનો રાફડો ફાટી નીકડ્યો છે.ભોળા આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા બોગસ તબીબો પર એક વાર પોલીસ કાર્યવાહી થાય તો છે પણ પોલીસ મથક માંથી છુટી પોતાની કરતૂતો પાછી શરૂ કરી દે છે. આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા પોલીસે બોગસ તબીબને પાસામાં ધકેલી દેતા અન્ય બોગસ તબીબમાં ખળભળાટ મચ્યો છે.

તિલકવાડા વિસ્તારના સુભાષચંદ્ર સનાતન મલિક (મૂળ. પશ્ચિમ બંગાળ) દેવલિયા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવી રહ્યો હતો. નર્મદા પોલીસે એ બોગસ તબીબ વિરુદ્ધ અનેક વાર કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી.તે છતાં એ એની પ્રવૃત્તિ ન છોડી સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.જેથી તિલકવાડા પીએસઆઈ દ્વારા એ બોગસ તબીબ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી.સુભાષચંદ્ર સનાતન મલિકની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી પાસા હેઠળ અટકાયત કરી નડિયાદ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

તિલકવાડા વિસ્તારના સુભાષચંદ્ર સનાતન મલિક (મૂળ. પશ્ચિમ બંગાળ) દેવલિયા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવી રહ્યો હતો. નર્મદા પોલીસે એ બોગસ તબીબ વિરુદ્ધ અનેક વાર કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી.તે છતાં એ એની પ્રવૃત્તિ ન છોડી સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.જેથી તિલકવાડા પીએસઆઈ દ્વારા એ બોગસ તબીબ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી.સુભાષચંદ્ર સનાતન મલિકની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી પાસા હેઠળ અટકાયત કરી નડિયાદ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

જંબુસર : કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે દરિયા કિનારે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

જંબુસર તાલુકા ના ઉચ્છદ ગામ સ્થિત પીજીપી ગ્લાસ પ્રા લી દ્વારા સીઆરએસ પ્રોજેક્ટ અન્વયે તાલુકા ના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હોવાના તથા આ અભિયાન દરમ્યાન અંદાજે ૮૦૦ કિલો જેટલો પ્લાસ્ટિક નો કચરો એકત્ર કરી તેનો નિકાલ કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જંબુસર તાલુકા ના ઉચ્છદ ગામ સ્થિત પીજીપી ગ્લાસ પ્રા લી તેના સીઆરએસ પ્રોજેકટ અંતર્ગત જુદી જુદી સામાજીક એકટીવીટી કરી રહી છે. પીજીપી ગ્લાસ ના સીઆરએસ પ્રોજેકટ ચેરમેન હરવિન્દરસિંગ સૈની દ્વારા જંબુસર તાલુકા ના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે ગતરોજ તા ૧૨ મી એ દરિયા ના પટ મા તથા સ્તંભેશ્ર્વર તીર્થ સ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. આ સ્વચ્છતા અભિયાન મા હરવિન્દરસિંગ સૈની સહિત કંપની ના ૫૦ ની વધુ કર્મચારીઓ જોડાયા હતા. અને તેઓએ દરિયા પટ મા તીર્થ ખાતે સફાઇ અભિયાન હાથ ધરી અંદાજે ૮૦૦ કિલો જેટલો પ્લાસ્ટીક નો કચરો એકત્ર કરી તેનો નિકાલ કર્યો હતો. આ ઉપરાંત પીજીપી ગ્લાસ કંપની દ્વારા સીઆરએસ પ્રોજેક્ટ અંતર્ગત સ્તંભેશ્ર્વર તીર્થ ખાતે કચરો એકત્ર કરવા જુદાજુદા સ્થળો ઉપર ડસ્ટબીન મુકવા મા આવેલ હતી.

ભરૂચ : કે. જે. ચોક્સી પબ્લિક લાઈબ્રેરી દ્વારા દિવ્યાંગ બાળકોને પુસ્તકોની ભેટ

ભરૂચની કે. જે. ચોક્સી પબ્લિક લાયબેરી તેની અનોખી સાહિત્યિક પ્રવૃત્તિ માટે જાણીતી છે. અને આવા જ આશયથી લાયબ્રેરીએ એક અનોખી પહેલના રૂપે લાયબ્રેરીના ગ્રંથપાલની ટીમ ભરૂચની કલરવ શાળા (માનસિક વિકલાંગ બાળકોનું વિકાસ કેન્દ્ર) છે ત્યાં પહોંચી અને કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી વતી પુસ્તકોની પુસ્તકોની ભેટ આપી. એટલું જ નહીં પણ બાળકોને વાર્તા કહેતા કહેતા ગમ્મત પણ કરાવી. વાંચનનું મહત્વ આપણાં માનસિક વિકાસ માટે કેટલું જરૂરી છે એ પણ સમજાવ્યું. બાળકોને તેઓના રોજના કાર્યક્ર્મથી કઇંક અલગ પ્રવૃત્તિ થતી જોઈ પણ ખૂબ જ આનંદ આવ્યો.

કે જે ચોક્સી પબ્લિક લાયબેરીના ગ્રંથપાલ નરેન્દ્ર કે સોનારે જણાવ્યું કે,  તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે છે. આ દિવસ વર્ષ ૨૦૧૨થી ઉજવામાં આવે છે. બાળકને રોજ કઇંક નાની મોટી ભેટ આપવાનું રાખીએ. જે સામાન્યત: ઘરમાં જ મળી રહેતી હોય જેમ કે ચોકલેટ. તેની સાથે સાથે એકાદ પુસ્તક પણ બાળકોને ભેટ આપવાનો આગ્રહ રાખવો જોઈએ.

બાળકોમાં વાંચનની રુચિ આપણે કેળવવી પડશે. પહેલા તો ડિજિટલ વ્યસનથી થોડા દૂર રહેવું પડશે. પછી જ બાળકને તમારામાં વિશ્વાસ બેસશે બાળકોમાં વાંચનની રુચિ કેળવાય તે માટે વધારે મહેનત કરવી પડશે. અત્યારની પરિસ્થિતીમાં બાળકને મોબાઈલ અને ટીવીના વ્યસનથી છોડાવવાનું કાર્ય એક ભારથી કાર્ય છે. ફક્ત ઓનલાઈન શિક્ષણ પૂરતું તેઓ ઉપયોગ કરે તેની જવાબદારી ઉપાડવી જ રહી. આ જ ઉંમર છે કે તેઓ તમારા સૂચનો મુજબ વળી શકશે. એ સમયગાળો છૂટી ગયા પછી રોંદણાં રડવા નિરર્થક છે.

અંકલેશ્વર : રાજપીપળા ચોક્ડી પર ટેમ્પોચાલક પાસેથી રૂ.૧૦૦ની લાંચ લેતો TRB જવાન ઝડપાયો

વડોદરા-સુરત હાઈવે પર આવતા વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ પોઇન્ટના માણસો તથા ટી.આર.બી. હોમગાર્ડના માણસો માલવાહક, પેસેન્જર વાહન ચાલકોને રોકી તેઓ પાસેથી એન્ટ્રી ના નામે રૂ.૧૦૦ થી રૂ.૧૦૦૦ સુધીની લાંચની માંગણી કરી પૈસા પડાવે છેની બુમો ઉઠવા પામી હતી. વડોદરા એસીબી એ જે મળેલ માહિતી ની ખરાઈ કરવા અને સત્ય જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા ગત રવિવારે ટ્રેપ ગોઠવી હતી.

લાંચના ડીકોય છટકા નું આયોજન કરી ડિકોયરનો સહકાર મેળવી સહકાર આપનાર ડીકોયરના ટેમ્પાને વડોદરા થી ભરૂચ હાઇવે પર પસાર થતા. અંકલેશ્વર ની રાજપીપળા ચોકડી ના બ્રીજ નીચે આવેલા ટ્રાફિક પોઈન્ટના ફરજ પરના ટી.આર.બી. જવાને ડીકોયર ના છોટા હાથીને રોકી ડિકોયર પાસેથી રૂ.૧૦૦ની લાંચની માંગણી કરી હતી. લાંચ સ્વીકારતા અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા TRB જવાન મનીષ ગુમાન પટેલ રંગેહાથ પકડાઈ ગયો હતો. જે અંગે વડોદરા PI એસ.એસ.રાઠોડે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચ : ઓમકારનાથ કલાભવનની છતનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ

  • સ્વ. લતાજીને શ્રદ્ધાંજલી કાર્યક્ર પૂર્વે છત થઈ ધરાશાયી
  • સદ્નસીબે કોઇ જાનહાની ન થતાં હાશકારો

ભરૂચ શક્તિનાથ સ્થીત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના પ્રવેશદ્વારની ડાબી તરફ ની સીલીંગનો એક ભાગ અચાનક ધરાશાયી બનતા એક તબક્કે નાસભાગ મચી જવા પામી હતી.

આજે મોડી સાંજે પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે એક અગ્રીમ અખબાર દ્વારા આયોજીત સંગીતમય સ્વ. લતાજીને શ્રદ્ધાંજલી અર્પવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હોલમાં કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી દરમિયાન અચાનક મોટો ધડાકો થતાં લોકો હોલની બહાર ભાગ્યા હતા. જ્યાં પંડિત ઓમકારનાથ કલાભવનના પ્રવેશદ્વારની ડાબી બાજુએ સીલીંગનો એક ભાગ અચાનક જ  તૂટી પડ્યો હતો.

હોલના પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ જ્યાં આ ભાગ તુટી પડ્યો હતો ત્યાંજ કાર્યક્રમને શરૂ થવાને વાર હોય કેટલાક છોકરાઓ બાક્ડા ઉપર બેઠા હતા.જ્યાં અચાનક છતનોભાગ તુટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની ન થતાં હાજર સૌએ હાશકારો અનુભવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સરકારી ખાતા દ્વારા આ હોલ લાખોના ખર્ચે રીનોવેશન કર્યા બાદ વહીવટ માટે પાલીકાને સોંપાયો હતો. આ હોલમાં અચાનક છત તુટી પડવાની ઘટના તંત્રના સારા વહીવટની ચાડી ખાઇ રહી છે. ક્યાં તો યોગ્ય માવજત નથી કરાતી અથવા તો સરકારી બાબુઓએ લાખો રૂપિયાનો કાગળે હિસાબ દર્શાવી યોગ્ય ગુણવત્તા જાળવ્યા વિના હોલનું રીનોવેશન પૂર્ણ કરી હાશકારો મેળવ્યાની ચર્ચા ટોઅક ઓફ ધ ટાઉન બનવા પામવા સાથે યોગ્ય ઇજનેરો દ્વારા પુન: ભરૂચના એક માત્ર પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનની યોગ્ય મરામા કરાવાય જેથી કોઇ મોટી દુર્ધટના ના સર્જાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં સિંચાઈથી સર્વાંગી વિકાસનો ઉઠાવ્યો મુદ્દો

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત અને દેશમાં આદિવાસીના વિકાસ માટે સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી સહિતને લેખિત રજુઆત કરી ચેકડેમ અને તળાવોથી હાલ આદિવાસીઓ ખેતી કરી શકતા નથી
નહેર કે ટ્યુબવેલનું નેટવર્ક રાજ્ય અને દેશના આદિવાસી વિસ્તારોમાં ઉભું કરાઈ તો આદિવાસીઓ દેશની વિકાસયાત્રામાં સહભાગી થઈ શકે.
સંસદમાં બન્ને ગૃહના આદિવાસી સાંસદોની બેઠકમાં રાજ્ય અને દેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સિંચાઈ સુવિધા અનિવાર્ય હોવાની ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ રજુઆત કરી છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આદિવાસી પટ્ટી અને આદિવાસીઓના વિકાસ ઉપર મંથન કરવામાં આવ્યું હતું. જે માટે સંસદમાં બન્ને ગૃહના આદિવાસી સાંસદોની પ્રસ્તાવ અંગે બેઠક મળી હતી.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ બેઠકમાં આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો તેમને તાત્કાલિક સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજુઆત કરી હતી.આ અંગે સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આદિજાતિ મંત્રી અર્જુન મુંડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતને પણ પત્ર લખી લેખિત મત વ્યક્ત કર્યો છે. દેશના આદિવાસીઓને નહેર કે ટ્યુબવેલ મારફતે સિંચાઈ સુવિધા મળી રહેતા તેઓ ખેતી, પશુપાલન કરી પોતાના વિકાસ સાથે દેશની ઉન્નતિમાં પણ ફાળો આપી શકશે તેમ સાંસદ મનસુખ વસાવાએ અંતમાં કહ્યું હતું.
વધુમાં ચેકડેમ કે તળાવો મારફતે હાલ આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓ યોગ્ય રીતે ખેતી કરી શકતા નથી. જો નહેર અને ટ્યુબવેલનું નેટવર્ક ઉભું કરાઈ તો તેઓ સિંચાઈ સાથે ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ વિકસાવી શકે છે. આદિવાસી વિસ્તાર અને આદિવાસીઓનો આ થકી વિકાસ થતા તેઓ દેશની વિકાસયાત્રામાં સહભાગી થઈ શકશે તેઓ મત પણ ભરૂચના સાંસદ દ્વારા વ્યક્ત કરાયો છે.

સુરત: પુણાગામ વિસ્તારમાં માત્ર 3 મિનિટમાં લૂંટ કરનાર 5 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

સુરતના પુણાગામ વિસ્તારમાં મોબાઈલ શોપના માલિક અને મિત્ર દુકાનનું શટર બંધ કરી હિસાબ કરતા હતા. ત્યારે શટર ઊંચું કરી અંદર આવેલા ત્રણ લૂંટારું પાઈપ અને તમંચા બતાવી 30 હજાર લૂંટી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી. જે લુટારુઓ માત્ર 3 મિનિટની અંદર લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં પાંચ આરોપીને પોલીસે નવી મુંબઈથી ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી બે દેશી તમંચા અને ચાર જીવતા કારતૂસ કબજે કર્યા છે.

પુણાગામ સ્થિત રહેતા રાહુલ બઘેલ શિવાજી નગર સોસાયટી પાસે જયમાં શિતલા નામની મોબાઈલની દુકાનમાં ધરાવે છે. મોબાઇલ ફોન વેચાણ, રીપેરીંગ, રિચાર્જ ઉપરાંત મની ટ્રાન્સફરનું કામ કરે છે. ગત 5 ફેબ્રુઆરીને શનિવારે રાત્રે તેની બાજુમાં રહેતો મિત્ર અજય પટેલ દુકાને આવતા બંને મિત્રો 10 વાગ્યે દુકાનનું શટર પાડી બહારની લાઈટ બંધ કરી હિસાબ કરતા હતા. ત્યારે 10.45 કલાકે શટર ખોલી મોઢા પર માસ્ક અને મફલર  પહેરેલા 25 થી 30 વર્ષના ત્રણ અજાણ્યા અંદર આવ્યા હતા. તે પૈકી એકના હાથમાં લોખંડનો પાઈપ હતો. જયારે બાકીના બે પાસે તમંચો હતો.

એકે પાઇપ બતાવી જયારે બાકીના બંનેએ રાહુલ અને અજય તરફ તમંચા તાકી ધમકી અને ગાળો આપતા કહ્યું હતું કે જીતના પૈસા હૈ ઉતના દે દો. આથી બંનેએ ગભરાઈને કેશ કાઉન્ટરમાં મુકેલા 30 હજાર કાઉન્ટર પર મુકતા તે રકમ લૂંટી લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. એટલું જ નહી રાહુલ અને અજય તેમની પાછળ બહાર નીકળતા તેઓ જે બાઈક પર ભાગતા હતા તે સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને દુકાન માલિકે પોલીસ ફરિયાદ કરી હતી. લુંટની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.

આ બનાવને લઈને પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં બાતમીના આધારે પુણા પોલીસની ટીમે નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાંથી રાજ પલટન સહાની, રાજુ સુરેનાથ ગોસ્વામી, બીપીન ઉર્ફે બીટુ રામસાગર સહાની, સમસુદીન કમરૂદિન અન્સારી અને નાગનાથ દયાનંદ મૂળકરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી દેશી હાથ બનાવટની 2 તમંચા, 4 જીવતા કારતૂસ, તેમજ 15 હજારની રોકડ અને 4 મોબાઈલ ફોન મળી કુલ 71 હજારની મત્તા કબજે  કરી હતી. વધુમાં આરોપીઓએ 3 દિવસ સુધી દુકાનની રેકી કર્યા બાદ લુંટને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!