સુરતના પુણાગામ વિસ્તારમાં મોબાઈલ શોપના માલિક અને મિત્ર દુકાનનું શટર બંધ કરી હિસાબ કરતા હતા. ત્યારે શટર ઊંચું કરી અંદર આવેલા ત્રણ લૂંટારું પાઈપ અને તમંચા બતાવી 30 હજાર લૂંટી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી. જે લુટારુઓ માત્ર 3 મિનિટની અંદર લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં પાંચ આરોપીને પોલીસે નવી મુંબઈથી ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી બે દેશી તમંચા અને ચાર જીવતા કારતૂસ કબજે કર્યા છે.
પુણાગામ સ્થિત રહેતા રાહુલ બઘેલ શિવાજી નગર સોસાયટી પાસે જયમાં શિતલા નામની મોબાઈલની દુકાનમાં ધરાવે છે. મોબાઇલ ફોન વેચાણ, રીપેરીંગ, રિચાર્જ ઉપરાંત મની ટ્રાન્સફરનું કામ કરે છે. ગત 5 ફેબ્રુઆરીને શનિવારે રાત્રે તેની બાજુમાં રહેતો મિત્ર અજય પટેલ દુકાને આવતા બંને મિત્રો 10 વાગ્યે દુકાનનું શટર પાડી બહારની લાઈટ બંધ કરી હિસાબ કરતા હતા. ત્યારે 10.45 કલાકે શટર ખોલી મોઢા પર માસ્ક અને મફલર પહેરેલા 25 થી 30 વર્ષના ત્રણ અજાણ્યા અંદર આવ્યા હતા. તે પૈકી એકના હાથમાં લોખંડનો પાઈપ હતો. જયારે બાકીના બે પાસે તમંચો હતો.
એકે પાઇપ બતાવી જયારે બાકીના બંનેએ રાહુલ અને અજય તરફ તમંચા તાકી ધમકી અને ગાળો આપતા કહ્યું હતું કે જીતના પૈસા હૈ ઉતના દે દો. આથી બંનેએ ગભરાઈને કેશ કાઉન્ટરમાં મુકેલા 30 હજાર કાઉન્ટર પર મુકતા તે રકમ લૂંટી લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. એટલું જ નહી રાહુલ અને અજય તેમની પાછળ બહાર નીકળતા તેઓ જે બાઈક પર ભાગતા હતા તે સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને દુકાન માલિકે પોલીસ ફરિયાદ કરી હતી. લુંટની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.
આ બનાવને લઈને પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં બાતમીના આધારે પુણા પોલીસની ટીમે નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાંથી રાજ પલટન સહાની, રાજુ સુરેનાથ ગોસ્વામી, બીપીન ઉર્ફે બીટુ રામસાગર સહાની, સમસુદીન કમરૂદિન અન્સારી અને નાગનાથ દયાનંદ મૂળકરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી દેશી હાથ બનાવટની 2 તમંચા, 4 જીવતા કારતૂસ, તેમજ 15 હજારની રોકડ અને 4 મોબાઈલ ફોન મળી કુલ 71 હજારની મત્તા કબજે કરી હતી. વધુમાં આરોપીઓએ 3 દિવસ સુધી દુકાનની રેકી કર્યા બાદ લુંટને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.