- નોનવેજની લારીથી સ્થાનિક રહીશોની લાગણી દુભાઇ
ભરૂચના ઝાડેશ્વર તવરા રોડ ઉપર લારી ગલ્લા અને ચાઈનીઝ વેચનારાની દુકાનો ગેરકાયદે ઊભી કરી દેવાતા અહીંથી પસાર થતા લોકોને મુસ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને માંગલ્ય સોસાયટીના રહીશોએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી દબાણો હટાવવા માગણી કરી હતી. પરંતુ દબાણો યથાવત રહેતા ફરીથી આ મુદ્દે મેદાને આવ્યા છે.
અગાઉ કલેક્ટરને પાઠવેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેમની સોસાયટીની બહાર આવેલા માર્ગ ઉપર શાકબાજીની લારી અને પથારાવાળા તથા મટન-મચ્છી વેચનારાઓ પતરાના શેડ બનાવી શું વેચાણ કરી રહ્યાં છે. તંદુરી ફ્રાય અને ખુલ્લામાં મરઘી કટિંગ સહિતની પ્રવૃત્તિ થતી હોવાથી ધર્મપ્રેમી પ્રજાની લાગણી પણ દુભાઈ રહી છે. માત્ર એટલું જ નહીં પણ મચ્છી-મટન લેવા માટે આવતા લોકો પણ પોતાના વાહનો અડેધડ રસ્તા ઉપર જ પાર્ક કરી દે છે. જેથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. જેથી આ દબાણો સત્વરે દૂર કરવામાં આવે તેવી માગણી કરી છે.