
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત અને દેશમાં આદિવાસીના વિકાસ માટે સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી સહિતને લેખિત રજુઆત કરી ચેકડેમ અને તળાવોથી હાલ આદિવાસીઓ ખેતી કરી શકતા નથી
નહેર કે ટ્યુબવેલનું નેટવર્ક રાજ્ય અને દેશના આદિવાસી વિસ્તારોમાં ઉભું કરાઈ તો આદિવાસીઓ દેશની વિકાસયાત્રામાં સહભાગી થઈ શકે.
સંસદમાં બન્ને ગૃહના આદિવાસી સાંસદોની બેઠકમાં રાજ્ય અને દેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સિંચાઈ સુવિધા અનિવાર્ય હોવાની ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ રજુઆત કરી છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આદિવાસી પટ્ટી અને આદિવાસીઓના વિકાસ ઉપર મંથન કરવામાં આવ્યું હતું. જે માટે સંસદમાં બન્ને ગૃહના આદિવાસી સાંસદોની પ્રસ્તાવ અંગે બેઠક મળી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ બેઠકમાં આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો તેમને તાત્કાલિક સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજુઆત કરી હતી.આ અંગે સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આદિજાતિ મંત્રી અર્જુન મુંડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતને પણ પત્ર લખી લેખિત મત વ્યક્ત કર્યો છે. દેશના આદિવાસીઓને નહેર કે ટ્યુબવેલ મારફતે સિંચાઈ સુવિધા મળી રહેતા તેઓ ખેતી, પશુપાલન કરી પોતાના વિકાસ સાથે દેશની ઉન્નતિમાં પણ ફાળો આપી શકશે તેમ સાંસદ મનસુખ વસાવાએ અંતમાં કહ્યું હતું.
વધુમાં ચેકડેમ કે તળાવો મારફતે હાલ આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓ યોગ્ય રીતે ખેતી કરી શકતા નથી. જો નહેર અને ટ્યુબવેલનું નેટવર્ક ઉભું કરાઈ તો તેઓ સિંચાઈ સાથે ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ વિકસાવી શકે છે. આદિવાસી વિસ્તાર અને આદિવાસીઓનો આ થકી વિકાસ થતા તેઓ દેશની વિકાસયાત્રામાં સહભાગી થઈ શકશે તેઓ મત પણ ભરૂચના સાંસદ દ્વારા વ્યક્ત કરાયો છે.