હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુ એકવાર વરસાદની આગાહી કરી
આજથી 10 દિવસ પહેલા અપર એર સર્ક્યુલેશનના કારણે ભરઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું હતુ. રાજ્યના અનેક ભાગોમાં ચોમાસામાં પડે તેવો આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ખેતરમાં ઉભો પાક ઢળી પડતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. જે બાદ છેલ્લા એક સપ્તાહથી આકાશ ખુલ્લું જોવા મળી રહ્યું છે, પરંતુ જાણીતા હવામાન નિષ્ણાંતે વધુ એક વખત ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યાનુસાર, ઉત્તર ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જેનો ટ્રફ અત્યાર દક્ષિણ-પાકિસ્તાન અને કચ્છના ભાગ સુધી લંબાઈ ચૂક્યો છે. આ ટ્રફનો ભેજ એન્ટી સર્ક્યુલેશનમાં મર્જ થઈ ચૂક્યો છે. આ અસ્થિરતાના કારણે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં આગામી 30 માર્ચ સુધી ફરીથી વરસાદ વરસી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. એમાં પણ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી જેવા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદની શક્યતા છે. તેમજ કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાની સૌથી વધુ અસર રહેશે. જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં અસ્થિરતાની નહીવત અસર જોવા મળશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાતમાં ફરીથી માવઠાનું સંકટ
ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી અપાઇ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ જવાનોએ ને નિયમિતતા પ્રમાણિકતા અને સદગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરાયો હતો અભિયાનના વક્તાઓએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ જો આધ્યાત્મિક રીતે મજબૂત હશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ પ્રભાવશાળી બનશે.

રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદિદિ એ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માનવીય મૂલ્યોનો દુકાળ છે ત્યારે સહનશીલતા અને સંબંધોમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે કાર્યક્રમના અંતે રાજયોગ મેડીટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત તમામ કર્મચારીઓને જીવનને આધ્યાત્મિકતાથી સંપૂર્ણ બનાવવા માટે સાત દિવસનો રાજયોગ કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ભરૂચ ડીવાયએસપી સી.કે પટેલ સાહેબ અને ગાંગુલી સાહેબ ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તાલીમાર્થીઓને બ્રહ્માકુમારીઝ સંસ્થાના ઇન્ટરનેશનલ સ્પીકર સોમીનાથભાઈએ આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કમલભાઈ જયશ્રીબેન તથા ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ પોલીસે ફિશિંગ કેપિટલ ઝારખંડના જામતાડાથી પોલીસે સાયબર ક્રાઇમના કુખ્યાત આરોપીની કરી ધરપકડ
ભરૂચ પોલીસને સાયબર ક્રાઈમના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે. સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતાડાથી 24 વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી પાડવામાં આવ્યો છે. ડિસેમ્બર 2004માં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ઠાકોરના ખાતામાંથી સાયબર ક્રાઇમ દ્વારા બારોબાર લોન લઇ રૂપિયા 5.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે 2000થી વધુ કોલ ડીટેઇલ તપાસી હતી જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા અને આ સમગ્ર ઠગાઈના તાર ઝારખંડના જામતાડા સુધી જોડાયા હતા.પોલીસે એક ટીમ જામતાડા રવાના કરી હતી.સતત 3 દિવસ સુધી ભરૂચ અને ઝારખંડ પોલીસની ટીમે વોચ રાખી મુખ્ય આરોપી રાજેશ મંડલની ધરપકડ કરી છે. જેની પૂછતાછમાં બહાર આવ્યું છે કે આરોપી જામતાડામાં જંગલ વિસ્તારમાં બેસે ચોરીના ફોન તેમજ સીમકાર્ડ દ્વારા લોકોને ઠગાઈ માટે કોલ કરતો હતો સાથે તેણે સમગ્ર દેશમાં 2018 જેટલા લોકોને નિશાન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ઠગાઈ માટે 15 મોબાઈલ અને 7 સીમકાર્ડનો ઉપયોગ થયું હોવાનું પણ ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.
ભરૂચ એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા ફોનમાં જો બેંક લોન કે KYC અપડેટનો ઉલ્લેખ કરવામાં આવે તો એ કોલ તરત જ બંધ કરી દેવા જોઈએ અને સત્તાવાર હેલ્પલાઈન દ્વારા જ માહિતી ચકાસવી જોઈએ.કોઈ અજાણી લીંક પર પણ ક્લિક ન કરવા તેઓએ લોકોને અપીલ કરી હતી.
થામ-દેરોલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બોઈલર ટ્રકની ટક્કરે પિક-અપ ટેમ્પોના બે ટુકડા!
ભરૂચ તાલુકાના થામ અને દેરોલ ગામની વચ્ચે ગત રાત્રે લગભગ ત્રણ વાગ્યે એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહાકાય બોઈલર લોડેડ ટ્રકે એક પિક-અપ ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે પિક-અપ ટેમ્પોના ચેસીસના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા હતા. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના અંધારામાં અને વહેલી સવારના સમયે આ ઘટના બની હતી. બોઇલર લોડ કરીને જઈ રહેલા ટ્રકના ચાલકે બેફામ ડ્રાઇવિંગના કારણે પિક-અપ ટેમ્પોને એવી જોરદાર ટક્કર મારી કે પિક-અપ ગાડીની હાલત અત્યંત ગંભીર બની ગઈ અને તેના મુખ્ય ભાગના બે ટુકડા થઈ ગયા હતા.

અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે સ્થાનિક લોકોની સતર્કતા અને કાર્યવાહીને કારણે આ ડ્રાઇવર દેરોલ ગામ નજીક એક પેટ્રોલ પંપ પાસેથી ઝડપાઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અકસ્માતની જાણ થતાં જ પિક-અપ ટેમ્પોના માલિકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. અને ટ્રક ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સદભાગ્યે જાનહાનિના કોઈ મોટા સમાચાર નથી. પરંતુ આ ગમખ્વાર અકસ્માતને કારણે માલ-સામાન અને વાહનને મોટું નુકસાન થયું છે. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના જીતાલી ગામે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમની કરી અટકાયત
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામથી સેંગપુર તરફ જતા જીતાલી ગામ તળાવની પાળ ઉપર એક ઇસમ ગેરકાયદેસર હથિયાર લઇ ફરે છે.

બાતમી આધારે તપાસ કરતા નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુતના નામના ઈસમ પાસેથી બીનઅધિકૃત રીતે આધાર પુરાવા કે પરવાના વગર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ અગ્નિશસ્ત્ર મળી આવ્યું હતું.જેથી પોલીસે નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુત, ઉ.વ.૪૫, રહે.હાલ. મીરાં નગર દુર્ગામાતાના મંદિર પાસે ઝુપડપટ્ટી અંકલેશ્વરની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હાલમાં તો હથિયાર સાથે ઝડપાયેલ ઈસમ હથિયાર ક્યાંથી લાવ્યો હતો એ સહિતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ, વેરહાઉસ બળીને ખાખ
ભરૂચના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના વેરહાઉસમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી. કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
પ્રાથમિક માહિતી મુજબ આગ કંપનીના વેરહાઉસમાં કોઈ અગમ્ય કારણોસર લાગી હતી. અને જોતજોતામાં જ તેણે આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આગની ભયાનકતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.વફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. જોકે આ ઘટનામાં વેરહાઉસમાં રાખેલો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. જેના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ કામદાર કે કર્મચારીને ઇજા થઈ હોવાના એહવાલ નથી. જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. આગનું કારણ અને નુકસાનનો અંદાજ મેળવવા માટે કંપનીના અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
ભરૂચમાં એસ.જી આંગડીયાના બે શખ્સો 74 લાખનું ફૂલેકું ફેરવી ફરાર!
અમદાવાદના ન્યુ નરોડા ખાતે રહેતાં અને મુળ પાટણના ચણાસ્મા તાલુકાના મંડલોપ ગામના વતની કિરણ દિલીપજી ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી એસ. જી. એન્ટરપ્રાઇઝના નામથી આંગડિયા પેઢી ચલાવે છે. તેમણે ગત 26મી મેના રોજ ભરૂચના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આવેલાં લક્ષ્મી કોમ્પલેક્ષ ખાતે નવી શાખા ચાલુ કરી હતી. જેમાં સ્ટાફ તરીકે પાટણની અંબાજીનગર સોસાયાટીમાં રહેતાં હાર્દિક ડાહ્યા પટેલ તેમજ ચાસણમાના ખારી ધારીયાલ ગામે રહેતાં અજય ડાહ્યા પટેલને રાખ્યાં હતાં. તેમની પેઢી ચાલુ થયાં બાદ દરરોજ સવારે ૧૧ વાગ્યે રાજકોટ ઓફિસેથી આગલા દિવસનો હિસાબ લેવામાં આવતો હતો.
ગત 26મી જૂનના રોજ સાંજે તેમની સુરત ઓફિસે જાણ કરી હતી કે, ભરૂચ ઓફિસમાંથી 40 લાખનું પેમેન્ટ થયું નથી. જેના પગલે તેમણે હાર્દિક અને અજય સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમના નંબર બંધ આવતાં હતાં. જેતી તે દિવસે જ રાત્રીના સમયે તેમણે ભરૂચ આવી તપાસ કરતાં ઓફિસ બંધ હોવાનું માલુમ પડ્યું હતું.
હાર્દિક અને અજયના કોઇ સગડ મળ્યાં ન હતાં. તેમણે શાખામાં લગાવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતાં હાર્દિક અને અજય સાંજે પાંચેક વાગ્યે બે બેગ લઇને જતાં દેખાયાં હતાં. તેમણે તમામ એકાઉન્ટની તપાસ કરતાં તેઓને કુલ 74 લાખથી વધુની રકમ સિલ્લક હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તપાસ કરાવતાં હાર્દિકે પોતાના ભાઇ નિકુલ તેમજ અજયે પોતાના ભાઇ નિતીન સાથે પોતાના અંગત આર્થિક લાભ માટે રૂપિયા લઇ ગયાં હોાવનું માલુમ પડતાં તેમણે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી. જેની પ્રાથમિક તપાસ બાદ પોલીસે આખરે મામલામાં ફરિયાદ નોંધી આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચના શ્રવણ ચોકડીથી શક્તિનાથ માર્ગ પરથી દબાણો અને આડેધડ પાર્કિંગ દૂર કરાયા
ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સવારે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદે દબાણો હટાવવાની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

આ અચાનક કાર્યવાહીથી દબાણકારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો, આડેધડ પાર્કિંગ અને રસ્તા પરના ખાડાઓને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે, જેનાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે, શુક્રવારે વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલદાર માધવી મિસ્ત્રી, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, અને બૌડા, આરએનબી, જીએસઆરડીસીના અધિકારીઓની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેદાનમાં ઉતરી હતી.
ટીમે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગ પર બંને બાજુના ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. દબાણો હટાવવાની સાથે, રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહનોને પણ પોલીસે જપ્ત કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલની આશા બંધાઈ છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. આ કામગીરીથી દબાણકારોમાં ગભરાટ ફેલાયો છે અને શહેરના ટ્રાફિકને સુચારુ બનાવવા માટે આ એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.
ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટના લીરેલીરા
ભરૂચની 1000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટના લીરેલીરા ભાજપના જ ધારાસભ્યે ઉડાવ્યા છે.ભરૂચ – નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રે અગ્રણી દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપના જ ધુરંધરો માટે જાણે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પ્રદેશ ભાજપ CR પાટીલે આપેલા મેન્ડેટની ઐસીતૈસી કરી 12 બેઠકો માટે પોતાના ઉમેદવાર યથાવત રાખ્યા હતા. તેમના એક ઉમેદવાર પ્રકાશ દેસાઈ પહેલાથી જ બિન હરીફ થઈ ગયા છે. હવે 15 પૈકી 14 બેઠકો માટે 19 મી એ ભાજપ વિરુદ્ધ ભાજપ ચૂંટણી જંગ જામશે.
દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે ભાજપ સામે જ ખેલ ખેલ્યો છે. મેન્ડેટ માટે મોવડીઓની મધ્યસ્થી છતાં હવે ચૂંટણી નક્કી થઈ ગઈ છે.ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ આવી ગયું છે. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો પરંતુ ક્ષેત્રીય નેતાઓએ આ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું છે. મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામસામે મેદાનમાં આવી ગયા છે.
ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાની પેનલમાંથી સી.આર. પાટીલના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ 12 ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે. અરુણસિંહ રણાના સમર્થનમાં ઊભેલા 3 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધો છે પણ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નમતું જોખ્યું નહિ. ઘનશ્યામ પટેલે કહ્યું છે કે, પોતાના પુત્ર સાગર પટેલ સહિત ભાજપનો મેન્ડેટ ન મેળવનાર કેટલાક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા છે. જેનાથી તેઓ સી આર પાટીલના મેન્ડેટને માન આપી રહ્યા છે.
બીજી તરફ અરુણસિંહ રણા અને પ્રકાશ દેસાઈ તેમની પેનલને ચૂંટણી લડાવવા મક્કમ છે. જો કે અમુલ ડેરીની ચૂંટણી જેવી પરિસ્થિતિ પુનરાવૃત્તિ થાય અને પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી થાય તો રણા અને પ્રકાશ દેસાઈની મુશ્કેલી વધી શકે છે.ચૂંટણી પ્રક્રિયાની અંતિમ વિગતો મુજબ, કુલ 21 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે અને 1 બેઠક બિનહરીફ ગઈ છે. હવે 14 બેઠકો માટે 19 સપ્ટેમ્બરએ 30 ઉમેદવારો વચ્ચે મતદાન યોજાવાનું છે.આ બધાની વચ્ચે એક ગણગણાટ એ પણ છે કે, મેન્ડેટ ન મેળવનાર સામે ભાજપ શીસ્તનો કોરડો વીંઝે તો બળવો કરી નવો રાજકીય પક્ષ ઊભો કરવની ચીમકી પણ અપાઈ શકે છે.

