- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
- વિદ્યાશાખાની ૧૦૧ જેટલી પદવીઓ અને મેડલ્સ ૩૬,૭૬૨ યુવા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૩મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ૧૨ વિદ્યાશાખાની ૧૦૧ જેટલી પદવીઓ અને મેડલ્સ ૩૬,૭૬૨ યુવા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, ૬૨ પી.એચ.ડી. તથા ૧૩ એમ.ફિલ ધારકોને પદવીઓ એનાયત થઈ હતી.
કવિ નર્મદની પાવન પુણ્યતિથિએ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં ઓનલાઈન દીક્ષાંત પ્રવચન કરતાં રાજ્યપાલએ શિક્ષણનો મહિમા વર્ણવ્યો હતો, અને વિદ્યાર્થીઓને સુશિક્ષિત બની સમાજ-રાજ્ય-દેશના વિકાસમાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતું. રાજ્યપાલએ જણાવ્યું કે, પદવી પ્રાપ્ત કરી યુવાનો જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી પોતાના કાર્યક્ષેત્રમાં ડગ માંડી રહ્યા છે, ત્યારે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેના કર્તવ્યના પાલન દ્વારા યુવાનો ખરા અર્થમાં કર્મયોગી બને. શિક્ષિત એ વ્યક્તિ છે, જે પોતાના કર્તવ્યને જાણીને તેના પાલન માટે પ્રમાણિક પુરૂષાર્થ કરે છે.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણસંસ્થાઓમાં જ માનવનિર્માણનું કાર્ય થાય છે. પ્રાચીન ગુરૂકુલ શિક્ષાપદ્ધતિમાં ઋષિઓ પ્રકૃતિની ગોદમાં શિષ્યોને શિક્ષણ આપી જીવનના પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવી તેમના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતન કરતા.
રાજ્યપાલએ પ્રાચીન ગુરૂકુલ શિક્ષા પદ્ધતિમાં દીક્ષાંત સમયે ગુરૂજનો દ્વારા આપવામાં આવતા ઉપદેશનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે,પદવીપ્રાપ્તિ કરનારા વિદ્યાર્થીઓ સત્યના માર્ગ પર પોતાના કર્તવ્યધર્મનું પાલન કરે. સતત અભ્યાસરત રહે, એટલું જ નહી પોતાની જ્ઞાનસંપદાથી અન્યને પણ સમુદ્ધ કરે એમ જણાવી તેમણે યુવાનોને માતા પિતા અને ગુરૂજનોને દેવતુલ્ય ગણી તેમનો આદર કરવાની શીખ પણ આપી હતી.
આજે સમગ્ર દેશ સ્વતંત્રતાના ૭૫ વર્ષને “આઝાદીના અમૃત મહોત્સવ” સ્વરૂપે ઉજવી રહ્યો છે એનો સહર્ષ ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા યુવાનો પુરૂષાર્થ કરે તેવું આહવાન કરી જણાવ્યું હતું કે, પરિશ્રમ જ સફળતાની ચાવી છે. ભારત દેશ ભૂતકાળની ભવ્યતા અને ગૌરવની પુન:સ્થાપના માટે પરિવર્તન સાથે ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે યુવાનો પરિશ્રમની પરાકાષ્ઠા દ્વારા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે તેવો આગ્રહ તેઓએ વ્યક્ત કરી પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ સમારોહને ઓનલાઈન સંબોધતા ઉચ્ચ શિક્ષણ બાદના નવા જીવનમાં પગલાં માંડી રહેલા યુનિવર્સિટીના તમામ તેજસ્વી તારલાઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, સમગ્ર ભારતમાં સૌથી વધુ યુનિવર્સિટી ધરાવતાં રાજ્યોમાં ગુજરાત બીજા નંબરે છે. આજે જ્યારે શિક્ષણ જગતમાં જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણો ગુજરાતનો વિદ્યાર્થી પાછો ન પડે, વૈશ્વિક પડકારોનો સામનો કરે, પરિસ્થિતિ પ્રમાણે તે વધુ સુસજ્જ અને સફળ બને એ માટે નવીન અભિગમ ધરાવતી યુનિવર્સિટીઓની સ્થાપના કરવી તે ગુજરાત સરકાર દ્વારા કરાયેલી ખુબ સરાહનીય પહેલ છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં સૌથી વધુ નુકસાન શિક્ષણ ક્ષેત્રને થયું છે. આ મહામારીમાં પણ ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે એ માટે ઓનલાઇન માધ્યમથી પણ વિદ્યાર્થીઓને શિક્ષણનું ભાથું મળતું રહે એ માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં સરકાર સફળ રહી છે.
નવી શિક્ષણ નીતિના પ્રોત્સાહક પરિણામો મળશે એમ જણાવતાં મંત્રીએ પ્રત્યેક વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર સતત અને સખત મહેનતથી કારકિર્દીના રાહ પર આગળ વધવાની શુભકામનાઓ પાઠવી હતી.
ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે આ પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધન કરી સ્નાતક, અનુસ્નાતક ઉપાધિ મેળવનાર ૩૬,૭૬૨ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું કે, શિક્ષણ એ સામાજિક મૂલ્યો સહિત જ્ઞાનનું યોગ્ય મિશ્રણ છે, જે યુવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિર્માણ તરફ પ્રેરિત કરી શકે છે. જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે એમ જણાવતાં મંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ એન.ચાવડાએ જણાવ્યું કે, યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શાળા-કોલેજ અને યુનિવર્સિટીના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નીકળી કારકિર્દીની પડકારજનક સફર તરફ આગળ વધવા માટે સજ્જ બનવાની સાથે તેમણે ઉપસ્થિત યુવાધનને નવા પડકારોનો સામનો કરીને સમાજ-દેશના હિત કાજે લક્ષ્યને હાંસલ કરવાની શીખ આપી હતી.
આ પ્રસંગે કુલસચિવ ડો.જયદીપ ચૌધરી, વિભાગીય વડાઓ, યુનિવસિર્ટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.