રશિયા-યુક્રેન યુદ્ધના ભયજનક માહોલની ચારેતરફ ચર્ચા છે, ત્યારે કેન્દ્ર સરકાર સંચાલિત તથા દેશના લશ્કરની ચોથી પાંખ નાગરિક સંરક્ષણ દળ એટલે કે સિવિલ ડિફેન્સના સુરત, અમરોલી તથા લાલગેટ ડિવિઝન દ્વારા મોટા વરાછા સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે સુદામા ટ્રસ્ટના સહયોગથી મોટા વરાછા, નાના વરાછાના સ્થાનિક નાગરિકો માટે તા.૨૧ થી ૨૫ ફેબ્રુ. દરમિયાન પાંચ દિવસીય ટ્રેનિંગ યોજાઈ હતી. જેમાં સુરતીઓને આગ, પૂર, ભુકંપ, બોમ્બ-વિસ્ફોટ, કેમિકલ એટેક, અકસ્માત, આતંકવાદી હુમલા કે યુદ્ધના કટોકટીના સમયમાં સ્વરક્ષણ તથા આસપાસના નાગરિકોના જાન-માલની રક્ષા અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુરત સિવિલ ડિફેન્સના ડેપ્યુટી ચિફ મહંમદ નાવેદ શેખ તથા ટ્રેનર વિજય પટેલ દ્વારા આગ, બોમ્બ વિસ્ફોટ, યુદ્ધના પ્રકારો તથા સમયાંતરે સર્જાતી કટોકટી વિશે વિશેષ સમજ પૂરી પાડી હતી. રેસક્રોસના ડો.જગ્ગીવાલાએ ફર્સ્ટ એઇડ અને યુદ્ધ, કુદરતી હોનારતો જેવા આકસ્મિક સંજોગોમાં માનસિક સંતુલન અને હિંમત ટકાવી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમના અંતિમ દિવસે શિસ્તબદ્ધ રીતે સિવિલ ડિફેન્સના વોર્ડનોની નિગરાનીમાં તમામ વિષયો પર ૫૦ માર્કસની પરીક્ષા પણ યોજાઈ હતી. આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલા, ડે.કમિશનર ઉપાધ્યાય, ટ્રાફિક એ.સી.પી. શેખ, સુરત ચીફ ફાયર ઓફિસર જે.જે.પટેલ, સુરત સિવિલ ડિફેન્સ ચીફ કાનજીભાઇ ભાલાળા, અમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરીયા, લાલગેટ ડિવીઝનલ વોર્ડન સત્ય દવે, મેહુલ સોરઠીયા, વિજય છૈરા, ડે.ડિવિઝનલ વોર્ડન આશિષ વડોદરીયા અને પ્રવિણ બુટાણી, મોટાવરાછાથી એફ.ઓ રાહુલ બાલાસરા, સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના વિપુલ દેસાઇ,રોનક ઘેલાણી તથા ફાયરના જવાનો હાજર રહ્યા હતા.