- દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયાના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે લેવાયેલો નિર્ણય
સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રિના દિવસથી શરૂ થતાં મેળાની ઉજવણી ચાલુ વર્ષે પણ કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને લોકોનું સ્વાસ્થય અને સલામતી જળવાઇ રહે તેવા ઉમદા હેતુથી જાહેરહિતમાં મોકૂફ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે અને મંદિરે દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓ માટે કોવિડ-૧૯ ની સ્થાયી સુચનાઓ-માર્ગદર્શિકા-પ્રોટોકોલ સહિતની કેટલીક બાબતોનું ચૂસ્ત પાલન થાય તે સુનિશ્વિત કરવા દિશાનિર્દેશ અપાયા છે.
દેડીયાપાડાના પ્રાંત અધિકારી દિપક બારીયાના અધ્યક્ષપદે તાજેતરમાં મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ, સાર્વજનિક માઇ મંદિર ટ્રસ્ટ-દેવમોગરાના પ્રમુખ તથા સભ્યઓ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જરૂરી ચર્ચા-વિચારણા બાદ મહાશિવરાત્રિના રોજથી પ્રારંભાતા દેવમોગરા ખાતેનો મેળો ચાલુ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સાર્વજનિક માઇ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ-સરપંચ સાથે ચર્ચા થયા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે દેવમોગરા માતાજીની સ્નાનવિધિમાં બહોળી સંખ્યામાં લોકો ભેગા થઇ શકશે નહિ તેની તકેદારી રાખવી અને વધુમાં વધુ ૧૫૦ શ્રધ્ધાળુઓથી સંખ્યા વધવી જોઇએ નહીં. દેવમોગરા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ રહેશે. મંદિરના ત્રણેવ ગેટ પાસે આવનાર શ્રધ્ધાળુઓ માટે સેનીટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે તથા અન્ય કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. મંદિરના ગેટ ઉપર તથા અન્ય જગ્યાએ મેળાનું આયોજન કરેલ નથી તેવી સૂચના પ્રદર્શિત કરવાની રહેશે.
શ્રધ્ધાળુઓએ રાતવાસો કરવાને બદલે ફક્ત દર્શન કરીને સ્થળ છોડી જવાનું રહેશે. લાઉડ સ્પીકર પર મોટેથી તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. મંદિરને ખોલતા પહેલા અને મંદિર બંધ કરતી વખતે નિયત ધોરણોનું પાલન કરીને સેનિટાઇઝ કરવાનું રહેશે. મંદિરના કમ્પાઉન્ડમાં આવેલી દુકાનો સવારે ૫:૦૦ કલાકથી રાત્રીના ૧૧:૦૦ કલાક સુધી ખૂલ્લી રાખી શકાશે. મંદિરના કમ્પાઉન્ડમાં મોટો જનસમુદાય એકત્રીત ન થાય તે સુનિશ્વિત કરવાની સાથોસાથ સરકારની કોવિડ-૧૯ ની સ્થાયી/ વખતો વખતની સુચનાઓ અને ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
- સર્જન વસાવા, ન્યુઝલાઇન, દેડીયાપાડા