વડોદરામાં જન્મેલી યુવા બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2022માં બાંગ્લાદેશ સામે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યાસ્તિકાએ 50 રનની ઇનિંગ રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. તેણે વર્લ્ડ કપ માં સતત બીજી અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં તેણે 59 રન બનાવ્યા હતા. ભારતને વર્લ્ડ કપમાં આ યુવા બેટ્સમેન પાસેથી ઘણી આશાઓ હતી અને અત્યાર સુધી તે ઘણી હદ સુધી તેના પર ખરી ઉતરી છે. 21 વર્ષની યાસ્તિકાએ સપ્ટેમ્બર 2021માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે મિડલ ઓર્ડરનો ભાગ બની ગઈ છે.
યાસ્તિકા ભાટિયા લેફટી બેટ્સમેન છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં એક ટેસ્ટ, 12 વનડે અને ત્રણ T20 રમી છે. વનડેમાં તેણે ત્રણ અડધી સદીની મદદથી 369 રન બનાવ્યા છે. તે વડોદરાથી આવે છે. બાંગ્લાદેશ સામેની મેચમાં જ્યારે તે બેટિંગ કરવા ઉતરી ત્યારે ભારતની હાલત ખરાબ હતી. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને મિતાલી રાજની વિકેટ 74 રનમાં પડી ગઈ હતી. આવા સમયે તેણે 80 બોલનો સામનો કરીને 50 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. યાસ્તિકની બેટિંગના કારણે ભારતે 229 રન બનાવ્યા હતા, જે પિચની દૃષ્ટિએ ખૂબ જ સારુ કહી શકાય. બાદમાં ટીમ ઈન્ડિયાએ 110 રનની આસાન જીત નોંધાવી હતી.