- પ્રાથમિક શાળા કાંદાનાં શિક્ષક નિલેશભાઈ પ્રજાપતિનો રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં ઉત્કૃષ્ટ દેખાવ
રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત નર્મદા જિલ્લાના ત્રણ શિક્ષકોનું ઇડર ખાતે સન્માન કરાયું હતું.
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન ઇડરના સાયુજ્યે રાજ્યકક્ષાનો સાતમો ઇનોવેશન ફેસ્ટિવલ ઇડર મુકામે તાજેતરમાં યોજાયો હતો, આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળાના વડપણ હેઠળ નર્મદા જિલ્લાના ત્રણ શિક્ષકોએ પોતાનું શૈક્ષણિક ઇનોવેશન રજૂ કર્યું હતુ.
જેમાં ડેડીયાપાડા તાલુકાની પ્રાથમિક શાળા કાંદાના શિક્ષક નિલેશભાઈ એમ પ્રજાપતિ એ ધોરણ 4 આસપાસ (પર્યાવરણ) માં ગુજરાતની સૌપ્રથમ ડિજિટલ ઓડિયોબુક તથા ડિજિટલ આમંત્રણ પત્રિકાઓ દ્વારા ” અર્વાચીન આસપાસ ” નવતર પ્રયોગ રજુ કર્યો હતો ગરુડેશ્વર તાલુકાની ગોરા (ન.પુ.વ.) પ્રાથમિક શાળાના શિક્ષક શાંતિલાલભાઈ કે, ભોઈએ ICT નો ઉપયોગ કરી ” ઓપન સ્માર્ટ ક્લાસ ” નવતર પ્રયોગ રજુ કર્યો તથા તિલકવાડા તાલુકાની બુજેઠા પ્રાથમિક શાળાના શિક્ષક રાહુલભાઈએ સામાજિક વિજ્ઞાન વિષયમાં ” સામાજિક વિજ્ઞાન એકમ ચિત્રપોથી ”દ્વારા પોતાનો નવતર પ્રયોગ રાજ્યકક્ષાએ રજૂ કર્યો.
રાજ્યકક્ષાના આ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવસાહેબે ત્રણેય સ્ટોલની મુલાકાત લઇ તેમના કાર્યોને બિરદાવ્યા હતા. નર્મદા જિલ્લાના D.I.C દીપકભાઈ ચૌહાણના માર્ગદર્શન તથા K .R.P સનતભાઈ વણકરના સહકારથી ત્રણેય શિક્ષક મિત્રોએ ઉત્કૃષ્ટ રીતે પોતાના નવતર પ્રયોગ રજુ કર્યા. રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં નર્મદા જિલ્લાનું નામ રોશન કરનાર ત્રણેવ શિક્ષક મિત્રોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ તથા ડાયટ પ્રાચાર્ય એમ.જી. શેખ એ અભિનંદન પાઠવ્યા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા