- ૮ હજાર વર્ષ જુનું ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચનો ભવ્ય ઇતિહાસ
- લક્ષ્મીજીના શ્રીનગર, ભૃગુઋષિના ભૃગુકચ્છ, અંગ્રેજોના બ્રોચથી હાલના ભરૂચ સુધીની જન્મગાથા
- વસંતપંચમીએ ભૃગુઋષિ એ કુર્મની પીઠ પર સવાર થઈ 18000 શિષ્યો સાથે વસાવેલી નગરી
ભરૂચ માટે કહેવત છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ પણ ભરૂચનો ભવ્ય ઇતિહાસ છે. ભારતમાં કાશી બાદ ભરૂચ સૌથી જુની પ્રાચિન નગરી છે. આજનું ભરૂચ અને તે સમયનું ભૃગુકચ્છ 8 હજાર વર્ષ જુની નગરી છે. આજે અમે તમને ભરૂચના ભવ્ય ઝાંખી કરાવી રહયા છીએ.
ભરૂચ ગુજરાતનું સૌથી જૂનું શહેર છે. ભરૂચનો આજે 8002 મો જન્મદિવસ છે. પૌરાણિક સમયે વસવાટની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી જૂનું શહેર પણ હતું જેનું નામ કાશી (વારાણસી) બાદ લેવાય છે.આજના ભરૂચનું નામ ભૃગુઋષિ ના નામ ઉપરથી પહેલા ભૃગુકચ્છ, બ્રોચ અને આજનું ભરૂચ પડ્યું છે.
પાંચ માળના ઊંચા વિક્ટોરિયા ટાવરને 1908 માં દસ હજાર રૂપિયાથી વધુ ખર્ચથી બાંધવામાં આવ્યો હતો. આ રકમ ભરૂચના નાગરિકોએ મહારાણી વિક્ટોરિયાની યાદમાં એકત્રિત કરી ભરૂચની ઓળખનું એક પ્રતીક બનાવ્યું હતું. આ ટાવરની ચાર બાજુવાળી ઘડિયાળ મુકવામાં આવી હતી. આ ઈમારત માત્ર શોભા માટે કે સમય બતાવવા માટે ન હતી. તેમાં જીવન બચાવવાની સુવિધાઓ હતી. ભરૂચ પૂરની સંભાવના ધરાવતું હતું. ટાવરની ટોચ પર એક લાલ લાઇટ સાયરન હતું જે પૂરના સમયે જ્યારે પાણીનું સ્તર વધે છે ત્યારે ચેતવણી આપતું હતું.
collBharuc
ભારતમાં કાશી બાદ સૌથી જુની પ્રાચિન નગરીમાં સમાવિષ્ટ 8 હજાર વર્ષ જુની ભૃગુકચ્છ એટલે કે ભરૂચનો શનિવારે વસંત પંચમીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોથી વર્ષગાંઠની ઉજવણી કરાશે. લક્ષ્મીજીના શ્રીનગર , ભૃગુઋષિનુ ભૃગુકચ્છ , અંગ્રેજોનું બ્રોચ અને હાલનુ ભરૂચ સુધીની ઐતિહાસિક સફરમાં ભરૂચે પ્રાચીનકાળથી હાલના આધુનિક સમયમાં તેની ખ્યાતી દેશ અને દુનિયામાં વિવિધ સમયોના વહાણા વચ્ચે પણ ઝળહળતી રાખી છે. નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ચંદ્રને કુંભ રાશિમાં સુર્ય વચ્ચે નર્મદા નદીના ઉત્તર કિનારે કુર્મની ( કાચબા ) ની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરી ભૃગુઋષિએ પોતાના 18000 શિષ્યો સાથે ભૃગુકચ્છ ( ભરૂચ ) વસાવ્યુ હતુ. જેનો ઉલ્લેખ નર્મદા પુરાણના રેવા ખંડમાં કરાયો છે.
વસંત પંચમીએ હાલના ભરૂચની સ્થાપના થઈ હોય ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2019 થી ભરૂચ નગરીનો જન્મોત્સવ ઉજવવાનો પ્રારંભ કરાયો હતો. ભરૂચ શહેરનો ઝળહળતો અને ભવ્ય ભૂતકાળ વિવિધ પુસ્તકો સાથે વિશ્વભરના પ્રવાસીઓ , વેપારીઓ , શાસનકર્તાઓના પુસ્તકોમાં અંકિત થયેલો છે.પુરાતનકાળમાં લક્ષ્મીજીના શ્રીનગર તરીકે ઓળખાતી ભરૂચ નગરી ભૃગુઋષિના આગમન બાદ ભૃગુનગર તરીકે પ્રસ્થાપિત થયુ હતુ. સદીઓના વહાણા વિત્યા બાદ સમૃધ્ધ ભરૂચમાં વેપાર ધંધા વિકસાવવા અને આધિપત્ય જમાવવા ફીરંગીઓ , ડચ , મોધલ , અંગ્રેજો સહિતે આક્રમણ કર્યા હતા . નર્મદા નદી કિનારે પાઘડીની પેઠે વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કિર્તી હતી . વિદેશોમાંથી આયાત થતી વસ્તુઓ મોટા જહાજોમાં ભરૂચ બંદરે આવતી હતી. જયારે નિકાસ થતી ચીજવસ્તુઓ અહીંથી વિશ્વભરમાં મોકલાતી હતી .
ફ્રાન્સના ચિત્રકાળ જેકબ પીટરે વિવિધ સ્થળોએ ફરીને ભરૂચના કીલ્લાઓ , નદીઓ , ટાપૂઓના વર્ણનને ચિત્રના રૂપમાં રજુકરવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચમાં મોગલોના શાસન 1690 માં ભરૂચનુ ચિત્ર દોર્યું હતુ. જેમાં બ્રોચ તરીકે જાણિતા ભરૂચની ભવ્યતાને ઈમારતો , કિલ્લા અને નદીમાં વિહાર કરતા મોટા જહાજોના સ્વરૂપમાં નિરૂપણ કર્યું હતું. ભરૂચમાં 300 વર્ષ પહેલા પણ 3 મંજલી 71 ઈમારતો હતી જે ભરૂચની ભવ્ય કલ, આજ અને કલને ઉજાગર કરે છે.
ઈ.સ .1777માં અંગ્રેજોએ ભરૂચનુ વસ્તીપત્રક રજુ કર્યુ હતુ. જેમાં 50,000 ની વસ્તી ગણના થઈ હતી. શહેરમાં 30 હજાર અને પરામાં 20 હજાર લોકો નોંધાયા હતા. વર્ષ 1812 ના વસ્તી પત્રક વખતે 32716 લોકોની વસ્તી હતી. જેમાં હિન્દુ 26852, મુસલમાન 12022 , પારસી 2153 , ક્રિશ્ચિયન 506 , શ્રાવક 721 , શિખ 3 , એનિમિસ્ટીકસ 638 હતા.
ભરૂચ શહેરની બીજી વખત વર્ષ 1874-75 માં કરાયેલી માપણી મુજબ કુલ 10443 મકાનો હતા. જેમાં ત્રણ માળથી વધારેમાં 71 મકાનો , બે માળના 661 મકાનો , એક માળના 3221 મકાનો અને માળ વગરના 2838 મકાનો હતા. શહેરમાં 2354 કાચા ઝૂપડા હતા. સાથે જ 19 કારખાના , 1278 દુકાનો હતી , ઘરવેરો માળીયાના પ્રમાણમાં લેવાતો હતો.
ભરૂચને 8000 વર્ષોમાં મળ્યા શ્રીનગર , લાટપ્રદેશ , ભૃગુકચ્છ, ભૃગુનગરી, બારૂગાજા , બરગોસા, બરૌઝ , બરૂસ, બરૂહ , બીહરોજ, પોલુકેછીપુ, બ્રોચ , ભરૂચ જેવા કુલ 13 ઐતિહાસિક નામ
ભરૂચના પહેલા કલેકટર : એમ.એસ.મૌલવી 1942-43, સાંસદ : ચંદ્રશંકર ભટ્ટ 1952-57, ધારાસભ્ય : મોતીલાલ વીણ 1952-57, પ્રધાન : દિનકરરાવ દેસાઈ 1946 માં મુંબઈ રાજયના કાયદા પ્રધાન,પોલીસવડા : આર.કે.રાયસિંધાણી 1951, ડીડીઓ : પી.પી.રાઠોડ 1963, જિલ્લા પંચાયત પ્રમુખ : ડાહ્યાભાઈ પટેલ 1963, નગરપાલિકા પ્રમુખ : ચુનીલાલ દેસાઈ 1900, શિક્ષણાધિકારી : એમ.જે.દવે 1953, રેલ્વે : ભરૂચ રેલ્વે સ્ટેશન 1862,બ્રિજ : ગોલ્ડન બ્રિજ 1881
ભરૂચ પર 500 વર્ષ સુધી રહ્યું વિવિધ આક્રમણકારોનું શાસન રહ્યું જેમાં ભરૂચ પર દિલ્હી સલ્તનતનું શાસન 94 વર્ષ. સ્વતંત્ર સલ્તનતનું શાસન 181 વર્ષ. અંગ્રેજોનું શાસન 164 વર્ષ. સ્વતંત્ર અમીરોનું રાજ 36 વર્ષ. મરાઠાઓનું આધીપત્ય 19 વર્ષ. સાથે જ મોગલ, ડચ , વલંદા અને ફીરંગીઓ તેમજ રજવાડાઓનું રાજ રહ્યું હતું.
ભરૂચ શહેરની પહેલી માપણી 1 ફેબ્રુઆરી 1866 માં આજથી 156 વર્ષ પહેલા શરૂ થઈ હતી જે 15 ઓકટોબર 1875 માં 9 વર્ષ બાદ પુર્ણ થઈ હતી. શહેર અને પરા મળી 52.18 લાખ ચોરસવાર જમીન મપાઈ હતી. જેમાં 11.63 લાખ ચોરસવારમાં ખાનગી મકાનો , 10.96 લાખ ચોરસવાર જમીનમાં લોકો પાસેથી સમરી સેટલમેન્ટ લેવાતા હતા. શહેરની માપણી કરવા તે સમયે 1.07 લાખનો ખર્ચ થયો હતો .
ભરૂચના નવરત્નોમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, કનૈયાલાલ મુન્શી, ડો.ચંદુભાઈ દેસાઈ ( છોટે સરદાર ), ડો. કમાં કાકા, ઈચ્છાલાલ મામલતદારના, નથુ થોભણ, માધવરાવ જોગ,સર શાપુરજી બરજોરજી ભરૂચા અને જશવંતલાલ ચોકસીનો સામાવેશ થાય છે.