
- ગૌચર જમીન અને લેન્ડલુઝર્સ માટે નોકરીની માંગ કરી
વાગરા તાલુકાના સુવા ગામે દહેજ જીઆઈડીસીમાં ખાનગી જમીન સાથે ગૌચરની જમીન પણ સંપાદિત કરી લેવામાં આવી હતી. ગ્રામજનોના ગૌચર માટે 200 એકર જમીન અને લેન્ડલુઝર્સને કંપનીમાં કાયમી નોકરીની વખતો વખત રજૂઆતો રહી હતી. જો કે સત્તાધીશો કે કંપનીઓ દ્વારા ગ્રામજનોની માંગણીઓ ઉપર ધ્યાન નહિ અપાતા આજે સોમવારે સુવા ચોકડી નજીક ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
ભરૂચ-દહેજને જોડતા માર્ગ ઉપર બેસી જઇ ચક્કાજામ કરતા તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગ્રામજનોના રસ્તા રોકો આંદોલનને લઈ ભરૂચ-દહેજ માર્ગ ઉપર વાહનોની કતારો જોતજોતામાં સર્જાઈ ગઈ હતી. વિરોધ નોંધાવી રહેલા લોકોને પોલીસ કાફલાની સમજાવટ બાદ માર્ગ ખુલ્લો કરાતા આખરે થંભી ગયેલો વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.