ગુજરાત રાજ્ય કર્મચારીઓના બનેલા ” ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ” અને “ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ” તરફથી ગુજરાત રાજ્યમાંનવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવાની માંગ સાથે ભરૂચ ધારાસભ્ય અને વાગરા ધારાસભ્યને એક આવેદન પાઠવાયું હતું.
આજરોજ તારીખ ૧૪ મી એપ્રીલ ડૉ . બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવાની માંગણીઓ સાથે એક આવેદનપત્ર સુપરત કરીને તેમની માંગણી અને લાગણી રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડવા રજૂઆત કરી હતી.
આવેદનમાં રાજ્યના સર્વે કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના પુન : સત્વરે ચાલુ કરવામાં આવે તેવી વિનંતી કરીને તેમની મુખ્ય માંગણીઓ પ્રશ્નો જુની પેન્શન યોજના પુન : ચાલુ કરવી, ફિક્સ પગારનો કેસ સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા / કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી,ગુજરાત સરકારે સૈધ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગારપંચની ભલામણો અનુસાર સાતમા પગારપંચના તમામ બાકી ભથ્થાઓ તુરંત આપવા,મૂળ નિમણુક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી, તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ મળે તેવી રજૂઆત સરકારમાં પહોચાડવા માંગ કરી હતી.