મૂળ ભરૂચની અને હાલમાં વડોદરા સ્થિત ફેશન ડિઝાઇનર દર્શિના અતિત બારોટે મિસિસ ગુજરાત 2021, મિસિસ બેસ્ટ પર્સનાલિટી 2021 પછી CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022નો તાજ પોતાના નામે કર્યો છે. કિશુ ચાવલા દ્વારા આયોજિત CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022 વિશે માહિતી આપતા ફેશન ડિઝાઈન દર્શિના અતિત બારોટે જણાવ્યું હતું કે, હું 18 વર્ષની હતી ત્યાર સુધી ભરૂચમાં રહેતી હતી. શાળાકીય શિક્ષણ મેં ભરૂચમાંથી જ પ્રાપ્ત કર્યું છે.
ભરૂચ સાથે મારી ઘણી યાદો સંકળાયેલી છે. હાલમાં હું વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહુ છું જ્યાં મારો ડિ ધ ડિઝાઇનર નામનો બુટીક સ્ટુડિયો છે. મેં MSUની ફેકલ્ટી ઓફ ફેમિલિ એન્ડ કમ્યુનિટિ સાયન્સિસમાંથી BSC નો અભ્યાસ કર્યો છે.ગત વર્ષે મારી બહેન જંકૃતિ પટેલ અને મિત્ર ભાવિકા પટેલે મિસિસ ગુજરાત 2021માં મારું ફોર્મ ભર્યું હતું. તે સમયે મારા પતિ અતિત બારોટનું કહેવું હતું કે, મારી પર્સનાલિટી પ્રમાણે મારે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવો જોઇએ.
મહિલા જન્મે ત્યારથી જ દરેક કાર્ય કરવા માટે સક્ષમ હોય છે પણ તેઓ પરિવારના સભ્યોને મહત્ત્વ આપતી હોય છે તેના કારણે લોકો એવું સમજે છે કે મહિલા બીજા પર નિર્ભર છે. મહિલાને સફળ થવા માટે ઉમર ક્યારેય બાધા નથી બનતી, બસ મહિલાઓએ હિંમત અને લગનથી કાર્ય કરવાની આવશ્યકતા છે. દરેક પત્નીએ પતિની ઇચ્છાનું માન રાખવું જોઇએ પણ તેની સાથે પોતાની પસંદનું કાર્ય કરવા માટે હંમેશા આગળ આવવું જોઇએ. કારણ કે પોતાની પસંદનું કાર્ય કરવાથી ચોક્કસ પણે સફળતા પ્રાપ્ત થશે તેવું દર્શિના બારોટે જણાવ્યું હતું.