ભરૂચ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિની ઉજવણી ના ભાગ રૂપે રેલી સહિત અનેક કાર્યક્રમો અને પૂજન અર્ચન કરાયા હતા.
મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રવર્તક ભગવાન શ્રીઆદિનાથની પરંપરામાં ચોવીસમાં તીર્થકર માનવામાં આવે છે. મહાવીર સ્વામીએ અહિંસા પરમો ધર્મ સૂત્ર આપ્યું હતું.મહાવીર સ્વામીનો જન્મ કુંડલગ્રામમાં થયો છે. તેઓ જન્મથી ક્ષત્રિય હતાં અને બાળપણમાં તેમનું નામ વર્ધમાન હતું. જાતક કથાઓ પ્રમાણે તેઓ ક્ષત્રિય હોવાના કારણે અતિ વીર હતાં અને જ્યારે તેઓ તપસ્યામાં લીન હતાં ત્યારે તેમના ઉપર જંગલી જાનવરોના અનેક હુમલાઓ થયા અને તેમણે સહનશીલતા અને વીરતાથી બધાને પરાસ્ત કર્યાં. તેમના આ જ ગુણના કારણે તેમનું નામ મહાવીર સ્વામી થયું.
માનવ સમાજને અંધકારથી પ્રકાશ તરફ લઇ જતાં ભગવાન મહાવીરનો જન્મ ઈસાથી 599 વર્ષ પહેલાં ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં તેરસ તિથિએ લિચ્છિવી વંશમાં થયો હતો. આ વર્ષે મહાવીર જયંતી 6 એપ્રિલ એટલે આજે છે. મહાવીર સ્વામીએ દુનિયાને જૈન ધર્મના પંચશીલ સિદ્ધાંત જણાવ્યાં છે. જેમાં અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય છે.
મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોથી જનમાનસને યોગ્ય રાહ બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રત, પાંચ સમિતિ અને છ જરૂરી નિયમોનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો. જે જૈન ધર્મના પ્રમુખ આધાર બન્યાં. જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પંચશીલ કહેવામાં આવે છે.