દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.દહેજ સ્થીત ઓમ ઓર્ગેનિક્સમાં મોડી રાતે ૨ વાગે પ્લાન્ટમાં અચાનક કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે પ્લાન્ટમાં આસપાસ કામ કરતા કામદારો દૂર સુધી ફંગોળાઈ ગયા હતા.
ગત મોડી રાતે ભરૂચના દહેજમાં આવેલી API અને ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ કાટી નીકળી હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવને પગલે ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે, 6 લોકોના દાઝી જવાથી મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કંપનીમાં ફાયર સેક્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકોમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં જોલવા ખાતે સેફરોન સીટીમાં હાલમાં રહેતા અને ઓપરેટર તરીકે ફરજ બજાવતા પારસનાથ રામ ઇકબાલ યાદવ, મૂળ જૂનાગઢના તથા કંપનીમાં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતા જયદિપભાઇ પ્રભુદાસભાઇ બાંભરોલીયા (રહે. અશ્વિન સોસાયટી, ખોડીયારનગર રોડ), નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ભગવડના વતની તથા કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા રામુભાઇ ઉર્ફે પ્રકાશ મંગળદાસ વસાવા, ઝારખંડના પલામુ જિલ્લાના રોલ તાલુકાના વઘમરી ગામના વતની તથા કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા પનીત મોતી મહંતો, મધ્યપ્રદેશના જાજાગઢના વતની તથા કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા તિરથ કુંજીલાલ ગડારી તથા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના કુવા ગામના વતની તથા કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા રતન કુશવાહનો સમાવેશ થાય છે.