- સાંસદ મનસુખ વસાવાએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર દ્વારા રજુઆત કરી
હાલમાં જ નેત્રંગ ગામમાં ૫0 વર્ષથી રેલવેની જગ્યામાં લોકો ઘર અને દુકાનો બનાવી રહેતા હતા. ઘણાખરા લોકોએ તો લાખો રૂપિયા ખર્ચી પાકા મકાનો પણ બનાવી દીધા હતા. આ બાબતે વર્ષોથી દબાણકર્તાઓને નોટિસ અને કોર્ટ કાર્યવાહી ચાલતી હતી. જેતે સમયે અગ્રણીઓએ વચ્ચે પડી સમાધાન કરી દબાણો તૂટતા બચાવ્યા હતા.
પરંતુ હાલમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા રેલવેના અધિકારીઓએ લોકોને નોટિસ આપી જગ્યા ખાલી કરવા સૂચના આપી હતી.જેમાં રેલવે દ્વારા કોઇ પણ વૈકલ્પીક વ્યવસ્થા વિના ઘરો,દુકાનો પર બુલ્ડોઝર ફેરવાતા સાંસદ મનસુખ વસાવાએ બેઘર લોકો અને દુકાનદારો માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવાની માંગ સાથે રેલમંત્રીને પત્ર પાઠવ્યો છે.
તેમણે પત્રમાં જણાવ્યું કે ભરૂચ લોકસભા ક્ષેત્રમાં આવતા નેત્રંગ તાલુકામાં પ્રશાસન દ્વારા રેલ લાઈનના કિનારે રહેનાર લોકોને કોઈપણ જાતની સુચના કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર હટાવી લીધા એના અંતર્ગત ભારત સરકારના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર દ્વારા રજુઆત કરી છે.