ભરૂચ નગર પાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં બજેટ ની ચર્ચા ના મુદ્દે વિપક્ષે મચાવેલા હોબાળા સાથે કોંગ્રેસે બજેટને ભરૂચની જનતા માટે અંધારપટ સમાન ગણાવી બજેટ ના કાગળો ફાડી હવામાં ઉડાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો . પાલિકા પ્રમુખે દરેક બેઠક મા વિપક્ષ જોર થી અને જુઠ્ઠું બોલતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભરૂચ નગર પાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં બોર્ડમાં વરવા દ્રશ્યો સર્જાયા હતા. વિપક્ષ કોંગ્રેસે બજેટને ભરૂચની જનતા માટે અંધારપટ સમાન ગણાવી બજેટને ફાડી તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તો શાસક પક્ષ ભાજપે બહુમતીના જોરે રૂ. 153.19 કરોડના રૂ.20.30 કરોડ ના પૂરાંતવાળા બજેટને બહાલ કર્યું હતું. ભરૂચ નગર પાલિકાની બજેટ સભા વિરોધ, આક્ષેપ અને પ્રતિઆક્ષેપ વચ્ચે વિપક્ષ તેમજ શાસક વચ્ચે તું તું મે મે થતાં બજેટ પર ચર્ચા સાથે પાલિકા ના દેવા ના મુદ્દે આક્રમક બની ભારે સૂત્રોચ્ચાર સાથે બજેટનો વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા પ્રમુખ સામે ધસી જઈ બજેટને ફાડી કાગળિયા હવામાં ઉડાવ્યા હતા.બોર્ડમાં કોંગ્રેસી સભ્યોએ નારા લગાવ્યા હતા કે, જાહેર કરો ભાઇ જાહેર કરો, શાસક ભાજપ પક્ષને ભાગેડું જાહેર કરો.
વિપક્ષે વધુમાં પાલિકા ઉપર રૂ. 41 કરોડનું દેવું હોય વર્ષોથી ભાજપના શાસનમાં ભરૂચ નગર પાલિકાની ઘોર ખોદી નાખી હોવાના આક્ષેપ કરતા વાતાવરણ ગરમાયું હતું. આ દરમ્યાન પ્રમુખે સભા પૂર્ણ થયા ની જાહેરાત કરતા શાસક પક્ષ ના સભ્યો સભા ખંડ છોડી ગયા હતા પણ વિપક્ષી સભ્યો પાલિકા સભાખંડમાં બેસી રહ્યા હતા.