ચારેવના ૭ દિવસના રિમાન્ડ, ભરૂચનો મૌલવી હજી પોલીસ પકડથી દૂર
આમોદ તાલુકાના પુરસા ગામે રહેતાં એક શખ્સનું ગેરકાયદે રીતે ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાયો છે. જેની તપાસ જંબુસર ડિવિઝનના ઇન્ચાર્જ ડિવાયએસપીને સોંપવામાં આવી છે. ત્યારે ડિવાયએસપીની ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડી તેમને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના 25મી માર્ચ સુધીના રિમાન્ડ મંજુર રાખ્યાં હતાં.
આમોદ તાલુકાના કાકરિયા ગામના આદિવાસી પરિવારોના ધર્માંતરણના બહુચર્ચિત કેસ બાદ આમોદ તાલુકાના જ પુરસા ગામના શખ્સના ધર્માંતરણનો કિસ્સો સામે આવ્યો છે. પુરસા ગામે રહેતાં છગન રયજી પરમારને 15 વર્ષ પહેલાં ગામમાં જ રહેતાં ઇમરાન નુરભા મલેક તેમજ જહાંગીર ગુલામ સરદાર મલેક, ગેમલસંગ ભારતસંગ સિંધા તથા જહાંગીર ગુલામ સરદાર મલેક નામના શખ્સોએ ધમકીઓ આપી હતી કે, ઇસ્લામ ધર્મ અંગિકાર કરો નહીં તો ગામ છોડી દો. જે બાદ ભરૂચના ભોલાવ ગામના મોલવીની મદદથી તેનું ધર્મપરિવર્તન કરાવી તેનું નામ અબ્દુલ રહેમાન પરમાર રાખ્યું હતું.
પછી તેને પુરસા ગામની મરીયમ મસ્જીદમાં કામ પર રાખ્યો હતો. જોકે, બે વર્ષથી તેને પગાર નહીં આપવા સાથે ધર્માંતરણ બાદ તેને રહેવા માટે મકાન-પ્લોટ આપવા માટેનું એફિડેવિટ કરવા છતાં તેને તે સહૂલિયત ન મળતાં આખરે તેણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ સંદર્ભે ઇમરાન નુરભા મલેક, જહાંગીર ગુલામ સરદાર મલેક, ગેમલસંગ ભારતસંગ સિંધા તથા જહાંગીર ગુલામ સરદાર મલેકની ધરપકડ કરી તેમને શનિવારે કોર્ટમાં રજૂ કર્યાં હતાં. દરમિયાનમાં કોર્ટે ચારેય આરોપીઓને 25મી માર્ચ સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.