- માતા-પિતા સારવાર હેઠળ
- 3 બાળકોના કાટમાળમાં દબાઈ જતા મોત
- પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
ભરૂચના બંબાખાના વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે. જેમાં જુનું મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાતા 3 બાળકોના મોતને ભેટ્યા છે. જ્યારે તેમના માતા-પિતાને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે.
ભરૂચના બંબાખાના વિસ્તારના કુંભારિયા ઢોળાવ નજીક આવેલ હરિજન વાસના મકાન નં.૯૦૩માં વર્ષાબેન કિશોરભાઈ સોલંકી એક દીકરો અને ત્રણ દીકરી સાથે પોતાના પરિવાર સાથે રહે છે. પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ વર્ષાબેન હિંમત સાથે પોતાના પરિવારના ઘડતર માટે નગરપાલિકામાં હંગામી ધોરણે નોકરી કરી રહ્યા છે, ત્યારે આજરોજ પોતના રાબેતા મુજબ, વર્ષાબેન નગરપાલિકામાં કામ અર્થે નીકળી ગયા હતા, ત્યારે બાળકો મકાનમાં ઉંઘતા હતા. તે દરમ્યાન અચાનક મકાનની છત ધડાકાભેર ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.
આ ઘટનાની સ્થાનિકોએ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરી હતી. જેથી ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવતાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી, અંજના સોલંકી અને મોટી બહેન ગાયત્રી સોલંકી કાટમાળ નીચે દબાયેલ હાલતમાં મળી આવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી અને અંજના સોલંકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી, જ્યારે ગાયત્રી સોલંકી ઇજાગ્રસ્ત હોવાના કારણે તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તેમણે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.