ભરૂચ તાલુકાના વગુસણા ગામે સર્વે નંબર 420ની જમીનના મુળ માલિક મોનચેસ્ટ ઇલેક્ટ્રોનિક પ્રા.લી કંપનીના ડાયરેક્ટર ભરત છગન પટેલ રહે. નહેરૂ પાર્કસ સોસાયટી, જૂના પાદરા રોડ, વડોદરાએ ધંધાકિય કામ અર્થે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ પાસેથી લોન લઇ કંપની ગિરવે મુકી હતી. જોકે, રૂપિયા નહીં ચુકવી શકતાં મિલકતની હરાજી થઇ હતી. જેમાં મુળ આગ્રાના અને હાલ ભાવનગર રહેતાં અંજય મહાવીરપ્રસાદ જૈને વિદ્યારામ ગ્રેસીસના ભાગીદાર તરીકે તેમના ભાઇએ વર્ષ 1995માં લીધી હતી.
દરમિયાનમાં અમદાવાદના પરાગ ગિરધર ગણાત્રાએ તેના મળતીયાઓ સાથે વર્ષ 2016માં આ મિલકતમાં પ્રવેશી સિક્યુરિટી ગાર્ડને આ મિલકત મારી છે તેમ કહીં ધમકાવી મિલકત ખાલી કરાવી હતી. જેના પગલે અંજન જૈને પરાગ ગણાત્રાના દસ્તાવેજી પુરાવા તપાસતાં તેણે સરકારી દસ્તાવેજો ઉભા કરવા કંપનીના માલિક અને ડાયરેક્ટર ભરત છગન પટેલનું વર્ષ 2016નું પાવર ઓફ એટર્ની રજૂ કર્યું હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગેની તપાસ કરતાં ભરત પટેલના પુત્ર અનિશે જણાવ્યું હતું કે, તેના પિતાનું મૃત્યુ 2013માં થયું હતું. તેણે તેના પિતાનું બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કર્યું હતું. નબીપુર પોલીસમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે.