ઝઘડીયા તાલુકાના દધેડા ગામેથી મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના પ્રેક્ટિસ કરતા એક ડોકટરને પોલીસે દવાખાનાને લગતા સામાન સાથે ઝડપી લીધો હતો.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.11મીના રોજ પોલીસને બાતમી મળી હતીકે તાલુકાના દધેડા ગામે આવેલ એક દવાખાનામાં કથિત બોગસ ડોક્ટર દવાખાનું ચલાવે છે.પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા દવાખાનામાં એક માણસ ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું જોવા મળ્યુ હતું. પોલીસ તપાસ દરમિયાન તેનું નામ સમલ સુશાંતા સતિષ બિસ્વાસ હોવાનું જણાયુ હતું, તેમજ મુળ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાનો રહીશ આ ઇસમ હાલ અંકલેશ્વર ખાતે રહેતો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
સદર ઇસમ ઇન્ડિયન કાઉન્સિલ પેરા મેડિકલના જોન એસોસિયેશન કોલકાતા આધારે માત્ર દવાજ આપી શકે છે તેમ છતાં મેડિકલ ડોક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ વિના માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદાજુદા દર્દીઓને તપાસી ગેરકાયદેસર રીતે તેઓને એલોપેથીક દવા તથા ઇન્જેક્શનો આપી સારવાર કરતો હોવાનું જણાયુ હતું. પોલીસે દવાખાનામાં તપાસ કરતા વિવિધ દવા ઇન્જેક્શનો તેમજ દવાખાનાને લગતો અન્ય સામાન મળી આવ્યો હતો. ઝઘડિયા પોલીસે દધેડા ગામે મેડિકલ પ્રેક્ટિસ કરતા આ કથિત બોગસ ડોક્ટર સમલ સુશાંતા સતિષ બિસ્વાસ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.