- મહારાષ્ટ્રના મેહુલગઢ ખાતે આવેલ અતિ દુર્ગમ ગણાતા વજીર શિખર સર કર્યું
મંજિલ ઉનહી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, સિર્ફ પંખો સે કુછ નહિ હોતા, બુલંદ હોંસલો સે ઉડાન હોતી હૈ. આ પંક્તિને ભરૂચની 43 વર્ષીય મહિલા નિમિષા પટેલે સાર્થક કરી છે. નિમિષા પટેલે ભરૂચના દિવ્યેશ ઘેટિયા સાથે મળી સહ્યાદ્રી કલાઈમબિંગ ગ્રુપ સાથે અતિ દુર્ગમ ગણાતા 280 ફૂટ ઊંચાઈ ધરાવતા અતિ દુર્ગમ એવા વજીર શિખરના કપરા ચઢાણ કરી પોતાની સાહસિકતાનો પરિચય આપી ગુજરાતની યુવતીઓને એક મિશાલ આપી છે કે મહિલાઓ પણ ધારે તો ગમે તેવા પડકારોને પણ પાર કરી શકે છે.
ભરૂચના બાયપાસ રોડ પર મંગલતીર્થ સોસાયટીમાં રહેતા 43 નિમિષા પટેલ પોતે બ્યુટી પાર્લર ચલાવે છે. તેમના પતિ હિરેન પટેલ ગલ્ફ કન્ટ્રીમાં છે. ભરૂચમાં તેઓ તેમના બે સંતાનો સાથે રહે છે. મોટો દિકરો દેવ પટેલ કોલેજમાં અભ્યાસ કરે છે. સ્કૂલ લાઈફમાં તેઓ સ્પોર્ટ્સમાં ખૂબ રસ ધરાવતા દોડ અને ખોખોની રમતમાં તેમને વિશેષ રુચિ હતી. પરંતુ ધોરણ 12 પછી અભ્યાસ છૂટી જતા રમત ગમત ક્ષેત્રના સપનાઓ અકાળે નંદવાયા હતા.