ભરૂચ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ કોકીલાબેન તડવી દ્વારા બળાત્કારીઓને આકરામાં આકરી સજા ફટકારવામાં આવે તે સહિતના મુદ્દાઓ સાથે ભરૂચ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અપાયેલ આવેદનમાં ઉલ્લેખાયું છે કે ગુજરાતમાં મહિલાઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે જે અત્યંત ચિંતાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલાઓની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. વિકાસ અને મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપા સરકાર અવારનવાર સ્ત્રીઓ સાથે છેડતી બળાત્કાર હત્યા સહિતની ઘટનાઓ ગુજરાતમાં બનતી રહે છે તેમ છતાં સત્તાધીશો શું કરે છે તેવા અનેક સવાલો આલેખિત આવેદનમાં ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના મહિલા પ્રમુખે કર્યા છે.
સ્ત્રીઓને રક્ષણ આપે એવો કોઈ કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકારે આજદિન સુધી આવ્યો નથી. હાલના સંજોગોમાં ગુજરાતમાં અવારનવાર બળાત્કારની ઘટના સામે આવતી રહે છે અને બળાત્કારીઓને જામીન પર છોડી મુકવામાં આવે છે આટલા બધા અત્યાચારો સ્ત્રી ઉપર થાય છે તેમ છતાં સરકાર દ્વારા સ્ત્રીઓને રક્ષણ આપે તેવા કુલ કાયદાનું ઘડતર કરવામાં આવતું નથી. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ જેમ કે વિધવા સહાય, સહકારી માળખામાં મહિલા અનામત અને ખાનગી કંપનીઓમાં અને સહકારી ક્ષેત્રમાં નોકરી કરતી મહિલાઓને પણ પ્રસુતિના લાભ મળે તથા ભરૂચમાં પાંચ વર્ષની બાળા પર અને નેત્રંગમાં સગીરા પર બળાત્કાર થયો છે તે મામલે પોક્સો હેઠળ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવામાં આવે અને બળાત્કારીઓને ફાંસીના માંચડે ચઢાવવામાં આવે તેવી માંગ કરી છે. જો આ બળાત્કારીને ફાંસીની સજા આપવામાં નહીં આવે તો ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની મહિલા પાંખ રોડ પર આવી ઉહાપોહ કરવાની ચીમકી પણ સરકાર સમક્ષ ઉચ્ચારી છે.