યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં હતાં. જે પૈકી ભરૂચના સાત વિદ્યાર્થીઓનું યુક્રેનથી સુખદ પુનરાગમન થયેલ છે. સંતાનો સાથે સુખદ પુન:મિલન થતાં વાલીઓના આનંદની કોઈ સીમા ન રહી હતી. સંતાનો પરત ફરતા જ પરિવારજનોને હાશકારો થયો હતો, અને સૌ વાલીઓએ ભારત પરત આવવાની વિમાની વ્યવસ્થા ગોઠવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.
પરત આવેલા સાત વિદ્યાર્થીઓ પૈકી બે દીકરીઓ ચૌહાણ સંજનાબેન વિરેન્દ્ર, પારેખ હનીબેન કમલેશભાઈ તેમજ અગાઉ આવેલા રાજ અબરાકને આવકારવા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલ્કેટર તુષાર સુમેરા, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિત મહાનુભાવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સૌએ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ વેળાએ નાયબ મુખ્યદંડ દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય સતત સંપર્કમાં રહી યુક્રેનથી ભારતના નાગરિકો-વિદ્યાર્થીઓને પરત લાવવાનું કપરૂ કાર્ય ચાલી રહ્યું છે. મુંબઈ અને દિલ્હી એમ બે ફલાઈટોમાં નાગરિકોને લઈને સલામત રીતે આવી ચૂકી છે. હજુ પણ જે વિદ્યાર્થીઓ યુક્રેનથી આવવાના બાકી છે, તેમને ઝડપથી ભારત લાવવા માટે સરકાર પ્રયાસરત હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આ તકે ભારત સરકાર અને કેન્દ્ર સરકારનો હદયપૂર્વક આભાર માન્યો હતો.
તે જ રીતે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયાએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિદેશનીતિ અને કુટનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપશી માટે રશિયા અને યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની છે. જેના પરિણામે આપણે આપણા વિદ્યાર્થીઓને પરત લાવી શક્યા છે. બન્ને દેશોમાં ભારતનો ધ્વજ બતાવી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એ ભારતની તાકાત અને વૈશ્વિક ઓળખને પરિણામે શક્ય બન્યુ છે.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભારત સરકાર ધ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે કાર્યવાહી કરેલ છે જે સરાહનીય હોવાનું જણાવી નાગરિક તરીકે ગર્વ લેવા જેવી બાબત છે તેમ જણાવ્યું હતું.
યુક્રેનથી ભરૂચ આવેલ વિદ્યાર્થીઓમાં પટેલ રીયા ચંદ્રકાંત, ચૌહાણ સંજના વિરેન્દ્ર, પારેખ હનિબેન કમલેશભાઈ, પંચાલ શ્વનિ જીગનેશભાઈ, શાહ અંગી દીનેશભાઈ, પટેલ મોનાલી, શાહ અંશી આશિષકુમારનો સમાવેશ થાય છે.
પારેખ હનિબેન કમલેશભાઈ અને ચૌહાણ સંજના વિરેન્દ્રએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા તે સ્થિતિની આપવિતી વર્ણવી હતી. તા.૨૮મીએ સોમવારે ભરૂચના સાત વિદ્યાર્થીઓને ભરૂચમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હતી.