- કૃષિરાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
સુરત જિલ્લાના ઓલપાડ અને ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી કેટલીક ઈન્ડસ્ટ્રીઝમાંથી ટ્રીટમેન્ટ કર્યા વિના પ્રદુષિત પાણી છોડવા બાબતે કૃષિરાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરત અને ભરૂચ જિલ્લાના કલેકટર, જીપીસીબીના અધિકારીઓ, ગામના સરપંચો, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ, એસોસિયેશનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રદૂષિત પાણીને બંધ કરવા માટે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ ઈન્ડસ્ટ્રીઝ પર્યાવરણને પ્રદૂષિત કર્યા વિના કાર્યરત રહે અને સૌને રોજીરોટી મળતી રહે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે. લોકોના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય તે રીતે ઔદ્યોગિક એકમો કાર્ય કરે તેવી હિમાયત તેમણે કરી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારમાંથી ઓલપાડ તાલુકાના દેલાડ ખાતે સીઈપીટી પ્લાન્ટ તાજેતરમાં મંજૂર કરવામાં આવ્યો છે, જે સત્વરે શરૂ થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને દરેક ઈન્ડસ્ટ્રીઝની મુલાકાત લઈ એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ચકાસણી કરીને કાર્ય કરવા જણાવ્યું હતું.
સાયણની આસપાસના વિવિધ ઈન્ડસ્ટ્રીઝોના પ્રમુખોએ પણ પોતાની રજુઆતો કરીને પૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી અને જે ફેકટરીઓ પોતાના ETP પ્લાન્ટ ચલાવતા ન હોય તો તેની સામે કાર્યવાહી કરવાની હિમાયત તેઓએ કરી હતી.
આ બેઠકમાં સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક, ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, દ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી, જીપીસીબીના અધિકારીઓ, સાયણ આસપાસના ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.