-
સામલોદ, ભરથાણા, ઝનોર અને શાહપુરાના ગ્રામજનોએ રેતી વહન સામે ફરિયાદ ઉઠાવી ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજુઆત કરી હતી.
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ભરૂચ તાલુકાના નર્મદા નદી કિનારાના સામલોદ, ભરથાણા, ઝનોર અને શાહપુરા ગામના લોકોએ નદીમાં પુલિયા બનાવી બેફામ રીતે રેતી વહન કરવા સામે ઉઠાવેલા સૂર માં સૂર પુરાવી જિલ્લા કલેકટરને લેખિત અને મૌખિક રજુઆત કરી કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ઉભો થયો છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી રેતી માફિયાઓ બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ઝઘડિયા તાલુકામાં અને વડોદરા જિલ્લાની હદમાં લિઝો ધરાવતા રેતી માફિયાઓ નર્મદા નદીમાં પુલિયા બનાવી ભરૂચ તાલુકાના ગામોમાંથી બેફામ બની રેતી વહન કરે છે. જેનાથી માર્ગો તૂટવા ઉપરાંત અકસ્માતનો ભય ઉભો થાય છે. સામલોદ, ભરથાણા, શાહપુરા અને ઝનોર ગામમાં અભ્યાસ માટે આવતા બાળકોના જીવન જોખમ ઉભા થયા છે.
રેતી માફિયાઓ ગેર કાયદેસર રીતે પુલિયા બનાવી રેતી વહન કરવા સામે ચારે ગામના લોકોએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. ચારે ગામના લોકોએ સરપંચોની આગેવાનીમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆતો કરી હતી. જેના પગલે અરૂણસિંહ રણાએ પણ ગ્રામજનોના સૂરમાં સૂર પુરાવી જિલ્લા કલેકટરને લેખિત અને મૌખિક રજુઆત કરી તત્કાલ પગલાં લેવાની માંગ કરી હતી.
-
ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરે છે.
નદીમાં પુલિયા બનાવી રેતી વહન કરવાનો કોઈ નિયમ નથી. છતાં રેતી માફિયાઓએ ગેરકાયદેસર રીતે નદીમાં પુલિયા બનાવ્યા છે. જેની સામે ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરે છે. રોજ બેફામ રીતે રેતી ભરેલ વાહનો દોડે છે. જેનાથી અકસ્માતનો ભય ઉભો થાય છે. જો કોઈ પણ અકસ્માત થશે અને જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ખાણ ખનીજ વિભાગની રહેશેમહાવીરસિંહ વાંસદીયા… (સરપંચ- સામલોદ )
-
5000 માછીમારોએ રોજી રોટી ગુમાવી છે.
ચાર ગામો ઉપરાંત નદી કિનારાના આસપાસના ગામોમાં 5000 હજાર જેટલા માછીમાર પરિવારો છે. જેમનો જીવન નિર્વાહ નર્મદા નદી પર છે. નદીમાં પુલિયા બનાવવાથી નદીના પાણી અવરોધાય છે. દરિયાના ખારા પાણીના કારણે નર્મદાનો જળ પ્રવાહ અટકી જતા ખારા પાણી ભરાય છે. જેના કારણે માછીમાર પરિવારોએ રોજગારી ગુમાવવી પડી છે.નું નિલેશભાઈ માછી, ડે. સરપંચ-ઝનોરે જણાવ્યું હતું.
-
જિલ્લા કલેકટરે પગલાં લેવા ખાતરી આપી છે.-અરૂણસિ,હ રણા-ધારાસભ્ય-વાગરા
નર્મદા નદીમાં નિયમ ન હોવા છતાં રેતી માફિયાઓએ પુલિયા બનાવ્યા હોવાની ફરિયાદ ગ્રામજનોએ ઉઠાવી રજુઆત કરી હતી.
ઝઘડિયા તાલુકામાં લીઝ હોય અને ભરૂચ તાલુકામાંથી રેતી વહન કરે તે દુઃખદ બાબત છે. જે અંગે ગ્રામજનોની સાથે મળી જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. જિલ્લા કલેકટરે પણ સહકાર આપી યોગ્ય પગલાં લેવા ખાતરી આપી છે.
-
ડમ્પરની અડફેટમાં ઝનોરના માછીમાર પરિવારના ત્રણ સભ્યોના મોત : એક ઘાયલ
એક તરફ ચાર ગામના લોકો બેફામ રીતે રેતી ભરી દોડતા વાહનો સામે ધારાસભ્યની આગેવાનીમાં જિલ્લા કલેકટરને રજુઆત કરતા હતા. દરમ્યાન ઝનોર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોને ડમ્પરે અડફેટમાં લેતા મોત થયા હોવાની ઘટના બહાર આવી હતી.
ઝનોર ગામના ઈશ્વરભાઈ માછી, તેમના પત્ની ભીખીબેન માછી, પૌત્ર મયંકભાઈ માછી સહિત ચાર વ્યક્તિઓ બાઇકો લઈ વાસણા ગામ જઈ રહ્યા હતા. દરમ્યાન કરજણ તાલુકાના માલોદ ગામ પાસે બેફામ રીતે દોડતા ડમ્પરે અડફેટમાં લેતા ઈશ્વરભાઈ માછી, ભીખીબેન માછી અને પૌત્ર મયંકભાઈ માછીનાં મૃત્યુ થયા હતા. જ્યારે સોમાભાઈ માછીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે માછીમાર સમાજના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા ગ્રામજનોમાં રોષ ઉભો થયો છે. જે ગમે ત્યારે વિસ્ફોટક બને તેવી સંભાવનાઓ છે.