-
ગુજરાતમાં સુરત ફરી શર્મસાર થયું
ગુજરાતમાં સુરત ફરી શર્મસાર થયું છે.જયાં માત્ર ૧૧ વર્ષીય બાળાને પીંખી નાખીને તેની હત્યા કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. હજુ ગ્રીષ્મા હત્યા કેસની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો સુરતમાં દિલને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે જેમાં માત્ર ૧૧ વર્ષીય બાળા ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે બે શકમંદોની અટકાયત કરી હોવાની પણ વિગતો સામે આવી રહી છે. આ બનાવને લઈ નરાધમ સામે ફીટકાર વરસી રહ્યો છે.
સુરતના પલસાણાના જોળવામાં આ ધટના સામે આવી છે. પલસાણાના જોળવામાં ભાડેથી રહેતા પરિવારમાં બે બાળા સહિત માતા-પિતા એમ ચાર જણા જીવન નિર્વાહ કરી રહ્યા છે. જેમાં માતા-પિતા નોકરી કરતા હતા. દરમિયાન સવારે બંને નોકરીએ ગયા હતા અને બે બાળા ઘરમાં એકલી હતી. ૭ વર્ષીય બાળા કંઈક લેવા માટે બહાર ગઈ હતી, ત્યારે તકનો લાભ લઈને એક અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ૧૧ વર્ષીય બાળા કંઈ સમજે વિચારે તે પહેલાં તેણે નજીકના બિલ્ડિંગમાં લઈ ગયો હતો અને પોતાની હવસ સંતોષી બાળાને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ મૂકીને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયો હતો. બાળા કણસતી હાલતમાં પડી રહી હતી અને સાંજે માતા-પિતા ઘરે આવ્યા ત્યારે બાળા ન દેખાતાં શોધખોળ હાથ ધરી હતી અને અંતે બિલ્ડિંગમાંથી બાળા મળી આવી હતી અને તેની હાલત જોઈને માતા-પિતા દ્રવી ઊઠ્યા હતા. બાળાને તાકીદે સારવાર માટે ખસેડવામાં આવી હતી પણ ત્યાં બાળાએ અંતિમ શ્વાસ લીધો હતો.
બાળાની હત્યાના પગલે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બાળાનું પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને હવસખોરને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આ કેસમાં બિલ્ડિંગના કોઈ જાણભેદૂનો પણ હાથ હોવાનું જણાઈ રહ્યું છે. બાળાના મોતના પગલે પરિવારમાં આક્રંદ છવાઈ ગયું હતું.