કોરોના સંક્રમણમાં સતત થઈ રહેલા ઘટાડાને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આજથી તમામ પ્રિ-પ્રાઈમરી શાળામાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી છે, ત્યારે બે વર્ષ બાદ ભૂલકાઓના આગમન સાથે જ શાળાના વર્ગોમાં ફરી કિકિયારીઓ ગુંજી ઉઠી હતી.
કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા માન્યતાપ્રાપ્ત તથા ‘ડિજીટલ ઇન્ડીયા’ અભિયાન હેઠળ CSC-કોમન સર્વિસ સેન્ટર અંતર્ગત સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી નેસ્ટ પ્રિ-સ્કુલ CSC બાલ વિદ્યાલયમાં આજે બે વર્ષ બાદ નાના ભૂલકાઓના આગમનથી શાળાનું કેમ્પસ ખીલી ઉઠ્યું હતું. બાળકોને ઘણા દિવસો બાદ શાળાના વર્ગખંડમાં બેસતા જોઈને તમામ શિક્ષકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
નેસ્ટ પ્રિ-સ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી નેહા ગાંધીએ પ્રિ-પ્રાઈમરી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક સમયથી ચાલતા ઓનલાઈન વર્ગોમાં નાનકડા બાળકોને અભ્યાસ કરાવવો એ શિક્ષકો માટે ખૂબ પડકારજનક હતું. ચંચળ બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં વાલીઓને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજે બે વર્ષના લાંબા અંતરાલ બાદ બાળકોને વર્ગખંડમાં જોઈ અમે ફરી જીવંત થયા હોય અનુભવી રહ્યાં છીએ. બાળકોનો કલબલાટ જોઈને સંતોષ અનુભવીએ છીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળાના તમામ શિક્ષક અને અન્ય સ્ટાફ ગણ રાજ્ય સરકારે બહાર પાડેલી કોવિડ ગાઈડલાઈન્સના તમામ નિયમોનું પાલન કરી રહ્યા છીએ. શાળામાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝર ફરજિયાત છે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને બાળકોની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.
નર્સરીમાં અભ્યાસ કરતી ૪ વર્ષીય અવધિકા તિવારીના માતા નીતિ તિવારીએ જણાવ્યું હતું કે “આજે હું મારી દીકરીને ફરીથી શાળાએ મૂકવા આવી છું. અન્ય બાળકો સાથે અભ્યાસ કરતાં અને રમતા જોઈ મને ખુબ આનંદ થઈ રહ્યો છે. ઓનલાઈન વર્ગોમાં અમારે પણ બાળક સાથે બેસવું પડતું હતું, જેથી એ સમય દરમિયાન ઘરના અન્ય કામો કરવામાં ઘણી મુશ્કેલી ઉભી થતી હતી. વધુમાં તેમણે કહ્યું કે, હાલ કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં હોવાથી શાળામાં અભ્યાસ માટે બાળકોને મોકલવા હિતાવહ છે. બાળકો ઘણાં સમય બાદ સ્કુલ પરત ફર્યા હોવાથી તેમના બાળમિત્રો અને શિક્ષકોને રૂબરૂ મળીને ઘણાં ઉત્સાહિત છે.